અમદાવાદ : 'આપ' કિસાન નેતા પ્રવિણ રામ જેલની બહાર આવતાની સાથે જ સરકાર ફરીથી ઘેડ મુદે એક્શનમાં આવી છે. થોડા મહિનાઓ પહેલા જ 'આપ' નેતા પ્રવિણ રામે ઘેડના ખેડૂતો માટે 14 દિવસની સફળ પદયાત્રા કાઢી હતી. ત્યારે આ પદયાત્રાની અસરના કારણે સરકાર ઘેડ મુદે સફાળી જાગી હોય એવા દ્રશ્યો ઉપસ્થિત થયા છે. 'આપ' નેતા પ્રવિણ રામે સરકારની ઘેડ માટે 1423 કરોડની મંજૂરી આપ્યા ઉપર વિડીયોના માધ્યમથી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકારે પદયાત્રા વખતે જ ઘેડ મુદે 1423 કરોડની વહીવટી મજૂરી આપી હોવાની જાહેરાત કરી હતી અને અત્યારે પણ એ જ જાહેરાત કરીને વાહ વાહી લુંટવાનો પ્રયાસ કરી રહી છે.
પ્રવીણ રામે આગળ કહ્યું કે, મને એ નથી સમજાતું કે સરકારે છ મહિનામાં બે વાર વહીવટી મંજૂરી આપી છે કે એકને એક વહીવટી મંજૂરીથી બે વાર વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરી રહી છે. એમાં પણ સરકારે કહ્યું કે અમારા ભાજપના ફલાણા ધારાસભ્ય અને ઢેકણા ધારાસભ્યની મહેનતના કારણે અમે આ પગલું ભર્યું છે. હવે જે ધારાસભ્યોએ કોઈ દિવસ ઘેડ મુદ્દે ચર્ચા નથી કરી, વિધાનસભામાં સવાલ નથી ઉઠાવ્યો, મને સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું કે જ્યારે એ ઘેડ મુદ્દે ધારાસભ્યોને વાત કરતા તો તે કહેતા કે ઘેડમાં આવું જ હોય, તેવા ધારાસભ્યોની સરકાર વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરી રહી છે તેનો અમને કોઈ વાંધો નથી, પરંતુ પ્રશ્ન એ છે કે, છ મહિના વીતી ગયા હોવા છતાંય હજી તમે વહીવટી મંજૂરીની વાત કરો છો તો કામ ક્યારે કરશો? મારી સરકાર પાસે ઉગ્ર માંગે એ છે કે વહીવટી મંજૂરીની વાત તમે છ મહિનાથી કરો છો ત્યાં સુધીમાં તો મારા ઘેડના ખેડૂતોની પેઢીઓ પૂરી થઈ જશે પણ તમારું કામ પૂરું નહીં થાય. તેથી તાત્કાલિક ધોરણે ઘેડના ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી મારી સરકાર પાસે ઉગ્ર માંગ છે અને આ કામ દરમિયાન ક્યાંય પણ ભ્રષ્ટાચાર ન કરવામાં આવે. જો ભ્રષ્ટાચાર થયો તો હું પોતે લાઈવના માધ્યમથી ત્યાં આવીશ અને સરકારને ઉઘાડી પાડવાનું કામ કરીશ. જે મેં ભૂતકાળમાં જાહેરાત કરેલી હતી કે, હું આખી નદીમાંથી યાત્રા કાઢીશ તે યાત્રાના માધ્યમથી તમારે ત્યાં જે કામ થતું હશે, જે ભ્રષ્ટાચાર થતો હશે તેને ઉઘાડું પાડવાનું કામ કરીશ.
પ્રવિણ રામે અંતમાં કહ્યુ કે, ઘેડના ખેડૂતોને તમારી વાહવાહી સાંભળવામાં રસ નથી પરંતુ ઘેડમાં પાણી ભરાવાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય એમા રસ છે. સરકારથી અમારી એ જ ઉગ્ર માંગ છે કે તેમણે જે જાહેરાત કરી છે તેને તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે. નદી પહોળી અને ઊંડી કરવાની વાત છે જે દરિયા કિનારા તરફથી શરૂ થાય. અહીંયાથી જો શરૂ કરશો તો ઘેડના ખેડૂતોને નુકસાન પહોંચશે એટલે ફરીથી સરકારને યાદ કરાવવા માગું છું કે કામ સમુદ્ર તરફથી શરૂ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવે.
આમ આદમી પાર્ટી ગુજરાત


