અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી હાલ ડેડિયાપાડાની મુલાકાતે છે. આ આદિવાસી વિસ્તારની ચિંતા કરતા તેમણે જણાવ્યું હતું કે, હું અત્યારે જ્યાં ઊભો છું તે ગુજરાતની બોર્ડર છે અને સામે દેખાય છે તે મહારાષ્ટ્રની બોર્ડર છે. આપણે અત્યારે ડેડિયાપાડાના સરહદી વિસ્તારમાં ઊભા છીએ. આજે મને અહીંથી જાણવા મળ્યું કે, જો અહીંના સ્થાનિકોને મહિને પંદરસોથી બે હજાર રૂપિયા મળી રહે, તો આ લોકોને રોજગારી માટે સ્થળાંતર કરવાની જરૂર ન પડે. તેમણે ઉમેર્યું કે, આપણી સામે જ મહારાષ્ટ્રનો વિસ્તાર આવે છે. તમે જોઈ શકો છો કે સામે જે ઘર દેખાય છે તે મહારાષ્ટ્રમાં છે. ત્યાં લાડકી બહેન/સરકારી યોજના અંતર્ગત મહિલાઓને મહિને પંદરસો રૂપિયા મળે છે. જો ઘરમાં બે-ત્રણ મહિલાઓ હોય તો ચારથી સાડા ચાર હજાર રૂપિયા મળી જાય છે, જેના કારણે ત્યાંના લોકોનું સ્થળાંતર અટકી ગયું છે. નહિતર આપણા આ વિસ્તારમાંથી જે આદિવાસી સમાજ છે, તેમણે મજૂરી કરવા માટે અહીંથી અંકલેશ્વર અને ભરૂચ જવું પડે છે. તેઓ ચોમાસાના ત્રણ-ચાર મહિના અહીં રહે છે અને બાકીના આઠ મહિના મજૂરી કરવા બહાર જાય છે. મહારાષ્ટ્રમાં અત્યારે ભાજપની સરકાર છે, ત્યાં આ યોજનાથી લોકોનું સ્થળાંતર અટક્યું છે અને આર્થિક સહાય મળી રહી છે.
ઇસુદાન ગઢવીએ પંજાબનું ઉદાહરણ આપતા કહ્યું કે, આજે પંજાબમાં પણ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલજીએ આપેલી ગેરંટી મુજબ એસસી-એસટી સમાજની બહેનોને પંદરસો રૂપિયા અને જનરલ કેટેગરીની મહિલાઓને એક હજાર રૂપિયા મહિને આપવાનું શરૂ કર્યું છે. આજે જ ત્રણ-ત્રણ મહિનાના ભેગા પૈસા બહેનોના ખાતામાં જમા થયા છે, જેથી પંજાબની બહેનોને આ લાભ મળવા લાગ્યો છે. ગુજરાત સરકારને અપીલ કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારને મારી વિનંતી છે કે મહારાષ્ટ્રમાં પણ તમારી જ ભાજપ સરકાર છે. સરહદની એક તરફ રહેતી મહિલાને સહાય મળે છે, જ્યારે ગુજરાતની સરહદમાં રહેતી મહિલાને નથી મળતી, જેના કારણે આ લોકોને સ્થળાંતર કરવું પડે છે. હું ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરું છું કે ગુજરાતની બહેનોને પણ મહિને પંદરસોથી બે હજાર રૂપિયાની આર્થિક સહાય આપો. નહિતર ૨૦૨૭માં જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે, તો અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે તમારે ક્યાંય સ્થળાંતર કરવાની જરૂર નહીં પડે. એસસી-એસટી સમાજની મહિલાઓને બે હજાર અને બાકીની મહિલાઓને પણ સહાય આપવાની ગેરંટી આમ આદમી પાર્ટી પૂરી કરશે. ગુજરાત સરકાર આ બાબતે સકારાત્મક વિચારે તેવી મારી નમ્ર વિનંતી છે.