અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ જનતાને અપીલ કરી છે કે સોનું ઓછું ખરીદો, પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરો અને સરકારી મેટ્રો, ટ્રેન અને બસ જેવી જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરો, કારણ કે દેશ આર્થિક સંકટની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દેશ પર અગાઉ પણ સંકટ આવ્યા છે, પરંતુ આ પ્રકારની અપીલો ભાગ્યે જ કરવામાં આવી છે. પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ પણ એક વખત દેશને અનાજ બચાવવા અપીલ કરી હતી, પરંતુ તે પહેલાં તેમણે પોતે અને પોતાના પરિવારે તેનો અમલ કર્યો હતો. આજે સરકાર જનતાને બચત અને કાપ મૂકવાની સલાહ આપે છે, પરંતુ પહેલા સરકારે પોતાના ખર્ચાઓમાં ઘટાડો કરવો જોઈએ. મોટા મોટા વિમાનો, ભવ્ય રેલીઓ અને બિનજરૂરી ખર્ચામાં કાપ મૂકવાની શરૂઆત સરકાર અને શાસકો દ્વારા થવી જોઈએ.
AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર બાદ અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિઓએ પણ દેશહિત માટે પોતાના ખર્ચામાં ઘટાડો કરવો જોઈએ. સામાન્ય અને મધ્યમ વર્ગ પર જ હંમેશા બોજો મૂકવામાં આવે છે. દેશમાં સામાજિક પરંપરાઓ મુજબ લગ્ન અને સગાઈમાં સોનાનું મહત્વ છે, ત્યારે સામાન્ય લોકો માટે સોનું સંપૂર્ણપણે ખરીદવાનું બંધ કરવું સરળ નથી. જનતા દેશ માટે ત્યાગ કરવા તૈયાર છે, પરંતુ સરકાર, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓએ પણ સમાન જવાબદારી નિભાવવી જોઈએ. પ્રધાનમંત્રીએ દેશની આર્થિક સ્થિતિ અંગે સ્પષ્ટતા પણ કરવી જોઈએ કે દેશ કઈ સ્થિતિમાં છે અને વર્ષો સુધી શાસન કર્યા પછી આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ છે. જનતા સરકારની અપીલનું પાલન કરવા તૈયાર છે, પરંતુ સરકાર અને શાસકો પણ પોતાના જીવનમાં કાપ મૂકે તેવી જનતાની લાગણી છે.
આમ આદમી પાર્ટી ગુજરાત