મુખ્ય સામગ્રી પર જાઓ

જગતના તાત સાથે છેતરપિંડી કરનારા સામે રાજ્ય સરકાર સખ્ત; લાયસન્સ રદ ઉપરાંત થશે જેલ

વારંવાર ડુપ્લીકેટ ખાતર-બિયારણ વેચનારાઓ સામે PBM એક્ટ હેઠળ કાર્યવાહી; ૪ શખ્સોને ડિટેઇન કરી જેલ હવાલે કરાયા: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી.

જગતના તાત સાથે છેતરપિંડી કરનારા સામે રાજ્ય સરકાર સખ્ત; લાયસન્સ રદ ઉપરાંત થશે જેલ

ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતા અને છેતરપિંડી કરતા તત્વો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના સીધા આદેશ હેઠળ, રાજ્યમાં ખાતર અને બિયારણના વેચાણમાં ગેરરીતિ, કાળાબજારી અને ડુપ્લીકેટ બનાવટો વેચતા વિક્રેતાઓ સામે “ધ પ્રિવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્શિયલ કોમોડિટી (PBM) એક્ટ- ૧૯૮૦” હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવી છે.

 

આ કાર્યવાહી અંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરના વેચાણ અંગે થયેલી તપાસના અંતે જવાબદારો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જેમાં, ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તેમાં સંડોવાયેલા કુલ ૪ ઇસમો વિરુદ્ધ 'PBM એક્ટ’ હેઠળ ગુનો નોંધી, તેમને ડિટેઇન કરી જેલ હવાલે કરી દેવામાં

આવ્યા છે.

 

મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ખાતર અને બિયારણના ડુપ્લીકેટ વેચાણના કેસમાં વારંવાર ગેરરીતિ કરનાર સામે આ પ્રકારની સખત કાયદાકીય જોગવાઈનો અમલ કરવામાં આવશે.

 

કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે જગતના તાત સાથે છેતરપિંડી કરનારાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર જરા પણ સાંખી નહીં લે. ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે હવે માત્ર લાયસન્સ રદ કરવાની જ નહીં, પણ વારંવાર ગેરરીતિ આચરતા ઇસમો સામે PBM એક્ટ હેઠળ જેલ ભેગા કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

 

ખાતર અને બિયારણ એ ખેડૂત માટે પાયાની જરૂરિયાત છે અને તેમાં ડુપ્લીકેટ માલ વેચી ખેડૂતોનો પાક અને મહેનત બરબાદ કરનારાઓ સામે આ માત્ર શરૂઆત છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જ્યાં આવી ફરિયાદો હશે ત્યાં તપાસ કરીને આગામી સમયમાં આ જ પ્રકારના કડક ગુનાઓ દાખલ કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

 

મંત્રીશ્રીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે કોઈ પણ વિક્રેતા કાળાબજારી કે નકલી ચીજવસ્તુઓના વેચાણમાં સંડોવાયેલા જણાશે, તેમની સામે સરકાર જરા પણ દયા રાખશે નહીં અને PBM એક્ટ જેવા સખત કાયદા હેઠળ જેલની સજા કરવામાં આવશે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગેરરીતિ કરનાર ૬૮ ખાતર વિક્રેતા, ૧૭ બિયારણ વિક્રેતા અને ૧૩ જંતુનાશક દવાઓના વિક્રેતા મળી કુલ ૯૮ વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત કે રદ કરવામાં આવ્યા છે.

 

કૃષિ મંત્રીશ્રીએ રાજ્યના તમામ ખેડૂતોને ખાતરી આપી છે કે, સરકાર રાત-દિવસ તેમના હિત માટે કાર્યરત છે. ડુપ્લીકેટ માલ વેચી ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડનારા તત્વો સામે સરકારની લડાઈ જારી રહેશે, જેથી ખેડૂતોને માત્ર શ્રેષ્ઠ અને શુદ્ધ કૃષિ ઉત્પાદનો જ પ્રાપ્ત થાય.

Tags: રાજ્ય સરકાર જીતુભાઈ વાઘાણી PBM એક્ટ હેઠળ કાર્યવાહી લાયસન્સ બિયારણ ડુપ્લીકેટ ખાતર

સંબંધિત સમાચાર