અમદાવાદ : મોરબીના જેતપર ગામે ખેડૂતોના ખેતરોમાં કંપનીઓ દ્વારા વીજ થાંભલા નાખવા બાબતે ખેડૂતો એકઠા થયા હતા અને મોટી સંખ્યામાં પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. ખેડૂતોની માંગ છે કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરીયા ખેડૂતોની મદદે પહોંચ્યા હતા. આ તકે આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરીયાએ જણાવ્યું હતું કે, આજે ગામના યુવાનો, મહિલાઓ અને ગામના તમામ સ્નેહીઓ સાથે મળીને અહીં એકત્રિત થયા છીએ.
ગાડીઓ સાથે પોલીસનો મોટો કાફલો પણ ઉતારવામાં આવ્યો છે અને રોજ ને રોજ આ પ્રકારના ઘર્ષણના બનાવો બની રહ્યા છે. ત્યારે ખેડૂતો શું કરે? ગામ લોકો ધંધો કરે, ખેતી કરે, પરંતુ આજે આ પ્રશ્નનું શું સમાધાન લાવવું છે? રોજ આ કામ ચાલી રહ્યું છે. ખેડૂતોની જે વેદના છે, તેના માટે આજે બપોરના બે વાગ્યે પણ ખેડૂતો અહીં ઊભા છે. તેઓ અહીં કોઈ મોજ-મસ્તી કરવા માટે ઊભા નથી, પરંતુ પોતાની વેદના અને હક્ક માટે લડવા ઊભા છે. આ જેતપર ગામના ખેડૂતો છે અને તેમની માત્ર એટલી માંગણી છે કે તેમના ખેતરની અંદરથી જે તાર અને થાંભલા પસાર થાય છે તે અંગે યોગ્ય વળતર આપવામાં આવે.
ખેડૂતો એવું નથી કહેતા કે થાંભલા નાંખવા જ નથી દેવાના, પરંતુ જે જમીનમાંથી તાર કે થાંભલા પસાર થાય છે તેની બજાર કિંમત મુજબ વળતર મળવું જોઈએ. જો દસ વિઘા જમીનની અસર થતી હોય તો તેની બજાર કિંમત મુજબ વળતર ચૂકવવામાં આવે અને પછી કંપની પોતાનું કામ શરૂ કરે. ખેડૂતોની આ યોગ્ય માંગણી હોવા છતાં તંત્રે મોટી સંખ્યામાં પોલીસ ઉતારી દીધી છે. અંદાજે દોઢસોથી બસો જેટલી સંખ્યામાં પોલીસ અહીં તહેનાત કરવામાં આવી છે. તંત્ર અને કંપની પોતાની મનમાની ચલાવીને ખેડૂતોના બાપદાદાની જમીનમાં થાંભલા નાંખવા માંગે છે, પરંતુ ખેડૂતો હવે આ રીતે ચાલવા દેશે નહીં. કારણ કે તેમની માંગણી યોગ્ય છે. આ જમીન તેમની વારસાગત મિલકત છે અને તેની કિંમત નક્કી કરવાનો અધિકાર ખેડૂતોનો છે, કોઈ એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓનો નથી.
આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કલેક્ટર ઓફિસમાં બેઠા બેઠા સહી કરી દે અને પ્રશાસન તથા કંપનીને સૂચના આપી દે કે જાઓ અને ખેડૂતોની જમીનમાં મનફાવે તે રીતે થાંભલા નાંખી દો, તો તે ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. આ ખેડૂતોની વર્ષોથી સંભાળેલી અને બાપદાદાથી વારસામાં મળેલી જમીન છે. ભર બપોરે હજારોની સંખ્યામાં ખેડૂતો અહીં પોતાના યોગ્ય વળતર માટે ઊભા છે.
રોજ પોલીસ અને પ્રશાસન સાથે ઘર્ષણ કરવા ખેડૂતો નવરા નથી. અહીં બંને બાજુના ગામોના લોકો અને મોટી સંખ્યામાં બહેનો પણ હાજર છે. આ હકીકત છે અને આ હકીકતની જીત આવનારા સમયમાં ચોક્કસ થશે. હું આ વીડિયોના માધ્યમથી કહેવા માંગુ છું કે જે ગામમાં, જે જગ્યાએ આવા થાંભલા આવે છે ત્યાં આખું ગામ એક થવું જોઈએ. આ થાંભલા માત્ર પાંચ કે દસ ખેડૂતોના ખેતરમાં નથી આવતા, પરંતુ આખા ગામના હિતનો પ્રશ્ન છે. આ લાગણી સાથે આખું ગામ એક થાય અને આ લડતમાં જોડાય તો જ યોગ્ય વળતર મળી શકશે. અત્યારે અહીં મોટી સંખ્યામાં બહેનો અને ખેડૂતો હાજર છે અને તેમની માંગણી સંપૂર્ણપણે યોગ્ય છે. જમીન ખેડૂતોના બાપદાદાની છે, નિર્ણય પણ ખેડૂતો જ લેશે, નહીં કે એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ. જેતપર ગામે કામ બંધ કરાવવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી ગુજરાત