મુખ્ય સામગ્રી પર જાઓ

જિલ્લા કલેકટરશ્રી ગંગાસિંઘની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ

કલેકટરશ્રીએ પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં સંવેદનશીલતા, જવાબદારી અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચિત કર્યા.

જિલ્લા કલેકટરશ્રી ગંગાસિંઘની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ

રાજપીપલા : જિલ્લા કલેકટરશ્રી ગંગાસિંઘની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી, નર્મદા ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં જિલ્લા કક્ષાએ રજૂ થયેલી કુલ ૧૭ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

બેઠક દરમિયાન અરજદારશ્રીઓ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હેઠળની અરજી, તિલકવાડા તાલુકાના ફતેપુર ગામે નવું આયુષ આરોગ્ય મંદિર મંજૂર કરી કાર્યરત કરવા, રાજપીપલા નગરપાલિકાના વોર્ડ નં. ૧ વિસ્તારમાં પીવાના પાણીની અછત અને સેનીટેશન સંબંધિત પ્રશ્નો, રાજપીપલા નગરપાલિકા દ્વારા માહિતી ન આપવા અંગેની રજૂઆત, ચાર વર્ષથી પેન્ડિંગ રહેલા રિમાન્ડ કેસમાં નિર્ણય ન થવા, વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અને નિયમ-૨૦૦૮ હેઠળ જંગલની જમીનના હક્ક અંગે, સેલંબા ખાતે ફોરેસ્ટ ગાર્ડ ક્વાર્ટરથી કોટવાળીયા ફળિયા વચ્ચે નદી પર પુલ તેમજ બસ ડેપોથી સેલંબા એન્ટ્રી ગેટ સુધીના નાળાની જગ્યાએ પુલનું નિર્માણ કરવા, સાયમા નગર ખાતે વીજ કનેક્શન ઉપલબ્ધ કરાવવા, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મંજૂર કરવા, ભાડાના વાહનોના ટેન્ડરમાં શરતોના ભંગ અંગે, મહેકમ શાખા દ્વારા રાજીનામાના હુકમમાં સ્પષ્ટ તારીખ દર્શાવવામાં ન આવવા, ગરુડેશ્વર ગ્રામ પંચાયત નજીક આવેલી જૂની હોસ્પિટલના જર્જરીત મકાનને કારણે સર્જાતી જાનહાનિની સંભાવનાને ધ્યાનમાં રાખી તેને તાત્કાલિક દૂર કરવા તેમજ જૂના મકાનના કાટમાળમાંથી મળતા લાકડાના પરિવહનની મંજૂરી ત્રણ મહિના બાદ પણ આપવામાં ન આવવા સહિતની વિવિધ અરજીઓ રજૂ કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરશ્રી ગંગાસિંઘે દરેક અરજી અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી અને અરજદારોના પ્રશ્નોનો સમયબદ્ધ, પારદર્શક તથા નિયમોનુસાર નિકાલ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં સંવેદનશીલતા, જવાબદારી અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચિત કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.વી. વાળા, પ્રાયોજના વહીવટદારશ્રી અમોલ આવટે, નિવાસી અધિક કલેકટર શ્રી સી.કે. ઉંધાડ, સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક શ્રી ગૌરવ પ્રજાપતિ, નાંદોદ પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: જિલ્લા કલેકટર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ

સંબંધિત સમાચાર