મુખ્ય સામગ્રી પર જાઓ

જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ગરમાવો: ગોપાલ ઇટાલીયાની સરકાર સામે આક્રમક રજૂઆત

જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા ફરિયાદ સમિતિ અને અન્ય સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ હાજરી આપી હતી. તેમણે ખેડૂતોના પ્રશ્નો, વહીવટી ખામીઓ અને સિંહ દ્વારા થતા હુમલાઓ જેવા ગંભીર મુદ્દાઓ પર તંત્રને સવાલ કર્યા હતા.

જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ગરમાવો: ગોપાલ ઇટાલીયાની સરકાર સામે આક્રમક રજૂઆત

અમદાવાદ / જુનાગઢ / ગુજરાત : આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જૂનાગઢ જિલ્લા ફરિયાદ સમિતિ સહિત અલગ અલગ સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં હાજરી આપ્યા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આજે જુનાગઢ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ કમિટીની બેઠક હતી, આ સિવાય જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ અને જિલ્લા પુરવઠા સમિતિ સહિત અલગ અલગ સમિતિની બેઠક હતી. જેમાં અમારા જિલ્લાના અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. જેમકે કાછિયાથી સાસણના રોડ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ, જુનાગઢ, વિસાવદર અને ભેસાણ તાલુકાના ખેડૂતોને KCC ધિરાણનું વ્યાજનું રિબેટ મળવું જોઈએ અને રિબેટ નથી મળ્યું, એના ઉપર ચર્ચા થઈ. સમયસર સસ્તા અનાજની દુકાનોમાં અનાજ પહોંચે, એ બાબતે ગઈ મિટિંગથી જ મારી રજૂઆત છે, કે અનાજ ખૂબ જ મોડું પહોંચે છે. તો બે મહિનાથી મારી આ રજૂઆત છે અને આજે કમિટીમાં અહેવાલ આપ્યો કે આ મહિનાનું અનાજ લગભગ 15 તારીખ સુધી પહોંચી ગયું છે. આ સિવાય અમારા વિસ્તારમાં નાના મોટા રોડના પ્રશ્નો મુદ્દે વાત થઈ છે. હસનાપુર ગામને મહેસુલી ગામ તરીકે ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની સરકારી મંજૂરી આપી છે તેના પર ચર્ચા થાય છે. અનામત જંગલ જમીનની નોંધ ગામડાઓમાં લાગી છે એ મુદ્દે પણ ચર્ચા થઈ છે. પાણીની ટાંકી તોડવાનો જે વર્ષોથી મુદ્દો ચાલતો આવે છે, એમાં સારી બાબત એ છે કે ચાર પાંચ ટાંકીઓ તોડવામાં આવી છે, હજુ મોટી મોણપરીની ટાંકી ટુટે એવી રજૂઆત છે.

વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ખાસ એક મુદ્દો છે કે ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત ભાજપના લોકો કરે છે પણ પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈના ગામમાં ગ્રામ પંચાયત નથી. તો જો આપણે વિશ્વગુરુ બની જઈએ પરંતુ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત ન હોય તો દુનિયા સામે આપણે ભૂંડા લાગીએ. બીજા અનેક ગામડાઓમાં ગ્રામ પંચાયત નથી અને જ્યાં બની રહી છે એનું કામ પૂર્ણ થતું નથી. જૂનાગઢ જિલ્લાનું બહુ મોટું દુર્ભાગ્ય કહેવાય કે  2019 થી 2023 સુધીમાં ભાજપના જ માણસોએ જથ્થાબંધ નકલી મંડળીઓ ખોલી નાખી હજારો ખેડૂતોની જાણ વગર અને માહિતી વગર, ખોટી સહીઓ કરીને, ખોટા રેકોર્ડ બનાવી ખેડૂતોને લૂંટવાનો ધંધો કર્યો. ખેડૂતો તેનાથી ખૂબ જ નારાજ છે. મારી પાસે બધા તાલુકાની ડિટેલ આવી છે. ખોટી મંડળીઓ ઊભી કરી, ખોટા બોગસ મતદારો ઊભા કરી એપીએમસીની ચૂંટણીમાં અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં આ મતદારોનો ઉપયોગ કરીને લોકશાહીનું ખૂન કરવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું છે. એની સામે ખેડૂતો લડાઈ લડી રહ્યા છે અને અમારું તેમની સમર્થન છે.

વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ મિટિંગમાં અમારી બાજુમાં બેઠા હતા અને એમનો કોઈ પ્રશ્ન હતો અને તેઓ બે વખતથી આ પ્રશ્નની રજૂઆત કરે છે. અને આ દરમિયાન તેઓ આક્રોશમાં આવી ગયા અને મિટિંગમાંથી ઊભા થઈને કહ્યું કે “જો આ મિટિંગમાં મારા પ્રશ્ન નિરાકરણ ન આવવાનું હોય તો મીટીંગનો બહિષ્કાર કરું છું અને આ મીટીંગો બંધ કરી દો, કારણ કે આ ટાઇમપાસ છે.” પછી તેઓ ઉભા થઈ ગયા જેથી અમે ધારાસભ્ય તરીકે અને અધિકારીઓએ પણ એમને વિનંતી કરી કે આપણે શાંતિથી વાત કરીએ. મારા પ્રશ્નનું પણ આવું જ છે, જેમ કે પાણીના ટાંકી તોડવાની રજુઆત અમે એક વર્ષથી કરી રહ્યા છીએ તેમ છતાં પણ મોટા-મોટા સાહેબો જે મોટી મોટી ગાડીઓમાં આવે છે, એસીમાં બેસે છે એ લોકો ટાંકી તોડી નથી શકતા તો પછી આ સરકારી સાહેબોને શું કરવા ભેગા કરવામાં આવે છે. જેથી અમારું માનવું છે કે ધારાસભ્ય ભગવાનજીભાઈનો આક્રોશ વ્યાજબી છે. આ સિવાય બીજા ધારાસભ્યોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો કારણ કે તેઓનું પણ માનવું છે કે જો કામ જ નથી કરવાના તો પછી મીટીંગ શા માટે બોલાવો છો?

વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢના જંગલમાં સિંહો માણસ પર હુમલો કરે છે એ ફક્ત ગિરનારના પગથિયાં સુધીનો પ્રશ્ન નથી, પરંતુ રાજુલા, ભાવનગર, જૂનાગઢના અનેક વિસ્તારનો પ્રશ્ન છે. પરંતુ સરકારની મીટીંગ ગાંધીનગરમાં મળી અને એમણે નક્કી કર્યું કે ગિરનારના પગથિયાં જે લોકો ચડશે એ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે, તો હવે શું એ લોકો પર સિંહ હુમલો નહીં કરે? કોઈ તો આ લોકોને પૂછો કે રજીસ્ટ્રેશન કરવામાં અને સિંહના હુમલાને શું લેવા દેવા? સિંહ માણસ પર હુમલો કરે છે એનું લાંબા ગાળાનું કોઈ સોલ્યુશન લાવવાના બદલે આ લોકો યાત્રાળુઓને હેરાન કરવાનો રસ્તો શોધી રહ્યા છે. માની લો કે આજે સરકારના ચોપડે 1500 સિંહ છે અને જે દિવસે 4,000 સિંહો થઈ જશે ત્યારે શું ઘરે જઈને લોકોનું રજીસ્ટ્રેશન કરવું પડશે? હકીકતમાં સિંહના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાની જરૂરત છે. બીજું કે જે દિવસે 1,500 સિંહ 2500 થઈ જશે તો એ લોકો માટે કેટલી જગ્યાની જરૂરત પડશે અને શું એટલી જગ્યા ગુજરાતમાં છે? અને જો જગ્યા નથી તો એનો રસ્તો શું? એની ઉપર કોઈ ચર્ચા કરવાની જગ્યાએ આ લોકો રજીસ્ટ્રેશન કરાવવાની વાત કરે છે. જો કોઈ વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવે અને સિંહ એને ખાઈ જાય તો એની જવાબદારી કોણ લેશે? એટલે આ અંધેરી નગરી અને ગંડુ રાજાની વાત છે. ગીરમાં જે માલધારીઓ રહેતા હતા એના કારણે સિંહોને ખોરાક મળી રહેતો હતો. હવે સિંહે પહેલા ઢોરનું મારણ કર્યું હતું પરંતુ હવે માણસનું મારણ શરૂ કર્યું છે. તો હવે સિંહને ગીર છોડવાની ફરજ પડી રહી છે, સિંહને જગ્યા ટૂંકી પડે છે. સરકારને મારી વિનંતી છે કે જેટલા પણ વધારાના સિંહ છે એમના માટે આલીશાન સિંહ કમલમ બનાવવામાં આવે અને બધા સિંહોને ત્યાં લઈ જવામાં આવે અને દરેક સિંહોને પેજ પ્રમુખ બનાવી દેવામાં આવે જેથી ખેડૂતો શાંતિથી જીવી શકે. સિંહ છોકરાઓ ખેંચી જાય અને મારણ કરે એવી વાત હવે વ્યાજબી નથી.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલીયા AAP Gujarat MLA representation Farmers issues Gujarat Sahkari Mandali scam Gujarat Lion attack human Junagadh KCC રિબેટ Gopal Italia Junagadh meeting ખેડૂત સમસ્યાઓ બોગસ મંડળીઓ જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિ માનવ-સિંહ સંઘર્ષ વહીવટી બેદરકારી સિંહના હુમલા

સંબંધિત સમાચાર