અમદાવાદ/જામનગર/ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જામનગરમાં હનુમાનજીના દર્શન કરીને ખૂબ આધ્યાત્મિક અનુભૂતિ થઈ. આજની લડાઈ અસત્ય સામે સત્યની લડાઈ છે. અમે સામાન્ય પરિવારમાંથી ઉછરેલા યુવાનો છીએ અને ગુજરાતની તાનાશાહી સરકાર સામે બાથ ભીડીએ છીએ. અમારી ઉપર લાઠીચાર્જ થાય છે, કેસો થાય છે, લોકોને જેલમાં નાખવામાં આવે છે, છતાં અમે જનતાના હકો માટે લડવામાં કોઈ કચાશ રાખીશું નહીં. ભલે અમે કોઈ મોટા પદાધિકારીઓના દીકરા નથી અને અમારી પાસે વિશેષ સત્તા કે સંપત્તિ નથી, પરંતુ અમારું મનોબળ મજબૂત છે અને અમે તમારા હકો અને અધિકારો માટે સંઘર્ષ કરવા તૈયાર છીએ. તેમણે ભાજપ પર મોંઘવારી અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચાડવાનો આક્ષેપ કર્યો. ખેડૂતોએ યોગ્ય ભાવ નથી મળતા, મધ્યમ વર્ગ પીડાઈ રહ્યો છે અને સામાન્ય જનતા પરેશાન છે એવું જણાવ્યું. તેમણે ખાસ કરીને “સ્માર્ટ મીટર” મુદ્દે જનતાને સાવચેત રહેવા અપીલ કરી. તેમના કહેવા મુજબ જો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મત આપવામાં આવશે તો ત્યારબાદ ઘરોમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે અને વીજળીના બિલ વધવાની શક્યતા રહેશે. તેમણે મતદાતાઓને વિનંતી કરી કે ચૂંટણી દરમિયાન કોઈ પણ ઉમેદવાર આવે તો સ્માર્ટ મીટર બાબતે લખિતમાં ખાતરી માંગવી જોઈએ.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે અન્ય શહેરોમાં જેમ ડિમોલિશન થયાં છે, તેમ જામનગરમાં પણ તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે જો જનતા સાવચેત ન રહે. તેમણે અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા અને અન્ય આગેવાનો સામે થયેલા કેસોને રાજકીય શડયંત્ર ગણાવ્યા અને કહ્યું કે તેમની લોકપ્રિયતા વધતી હોવાથી તેમને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ નિર્દોષ સાબિત થયા છે અને જનતા વધુ મજબૂતીથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે. હાલ જામનગરમાં દરરોજ મોટી સંખ્યામાં ટીમો ડોર-ટુ-ડોર અભિયાન ચલાવી રહી છે અને લોકોની સમસ્યાઓ જાણી રહી છે. આ ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડવામાં આવશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે વિશ્વગુરુ જેવા મુદ્દાઓ નહીં, પરંતુ સ્થાનિક કોલેજો, ખેડૂતો, સિંચાઈ, ખાતર, વીજળી અને નગરની સમસ્યાઓ જેવા મુદ્દાઓ પ્રાથમિક રહેશે. તેમણે ખેડૂતો અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, સિંચાઈની યોગ્ય વ્યવસ્થા નથી અને ખાતર સમયસર મળતું નથી. આવા તમામ મુદ્દાઓને લઈને જનતા સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે અને આવનારી ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને લડત આપવામાં આવશે.
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જામનગર ખાતે બાલા હનુમાનજી મંદિરે દર્શન કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. હાલમાં ચાલી રહેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો, ગુજરાત બચાવો” યાત્રાનો આ પાંચમો દિવસ છે. આ યાત્રા સોમનાથ મંદિરથી પ્રારંભ થઈ હતી અને સતત ગુજરાતભરમાં આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના ખેડુતો, યુવાનો અને ભાજપના શાસનથી પીડિત લોકો તરફથી આ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા આઠમી તારીખે ગાંધીનગર પહોંચશે, જ્યાં વિશાળ ખેડૂત સંમેલન યોજવાનું આયોજન છે. મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે દારૂ કૌભાંડના નામે ખોટા કેસ કરીને અરવિંદ કેજરીવાલને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા તેમજ મનિષ સિસોદિયા સહિત અન્ય નેતાઓને પણ જેલમાં નાખવાના પ્રયાસો થયા હતા. તેમણે આ કાર્યવાહી રાજકીય શડયંત્ર ગણાવી અને કહ્યું કે ન્યાયાલયે તમામ નેતાઓને નિર્દોષ જાહેર કર્યા છે. તેમના શબ્દોમાં, આ સત્ય અને ધર્મની જીત છે, કારણ કે સત્ય હંમેશા અંતે વિજયી બને છે. તેમણે ગર્વ વ્યક્ત કર્યો કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે અને દેશને ભ્રષ્ટાચારમુક્ત વિકલ્પ આપવા માટે સંઘર્ષ કરી રહી છે. તેમણે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજી પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા સાબિત થયા છે અને હવે પાર્ટી વધુ મજબૂતીથી આગળ વધશે. આગામી ત્રણ તારીખે આવનાર ગ્રહણના દિવસે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના ઘરે અને આસપાસના વિસ્તારોમાં હનુમાન ચાલીસાનો પાઠ કરશે. આ પાઠ દ્વારા સત્યની જીત બદલ ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે અને દેશને “આસુરી શક્તિઓ”માંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવશે. ગ્રહણના દિવસે ભગવાનનું નામ લેવાથી હજારો ગણો પુણ્ય મળે છે એવી માન્યતા સાથે વિશાળ સ્તરે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવશે.
આમ આદમી પાર્ટી ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોના હિત માટે ૧૦૮ દિવસની જેલ સજા ભોગવ્યા બાદ અને અન્ય ખેડૂત સાથીઓ સાથે સંઘર્ષ કર્યા પછી “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રા સોમનાથ મંદિર ખાતે દર્શન કરીને પ્રારંભ થઈ હતી. આ યાત્રા આજે જામનગર ખાતે બાલા હનુમાનજીના મંદિરે પહોંચી છે. હનુમાનજી સંકટમોચન છે અને ભક્તોના તમામ સંકટ દૂર કરે છે. તેથી અમે તેમના ચરણોમાં નમન કરીને પ્રાર્થના કરીએ છીએ કે ગુજરાતના ખેડૂતો પર આવેલા તમામ સંકટો દૂર થાય. ખેડૂતો આજે વિવિધ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.પાકને યોગ્ય ભાવ મળતો નથી, પાક બીયારણ અને વીમા બાબતે સ્પષ્ટતા નથી, ઊભા પાકને નુકસાન થાય છે અને ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી પણ ખેડૂતોને નુકસાન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ તમામ પરિસ્થિતિમાંથી ખેડૂતોને રાહત મળે તેવી અમારી પ્રાર્થના છે.અરવિંદ કેજરીવાલ હનુમાનજીના પરમ ભક્ત છે. તાજેતરમાં આવેલ ચૂકાદા સંદર્ભે અમે માનીએ છીએ કે હનુમાનજીના આશીર્વાદ તેમના અને આમ આદમી પાર્ટી ઉપર રહ્યા છે. આવનારા દિવસોમાં પણ ગુજરાતના ખેડૂતો પર હનુમાનજીના આશીર્વાદ વરસતા રહેશે તેઓ અમને વિશ્વાસ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત


