અમદાવાદ : ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદેસર રીતે નાખવામાં આવતા વીજ કંપનીઓના થાંભલા અને ટાવર મુદ્દે તાજેતરમાં સરકાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વળતરની જે જાહેરાત કરવામાં આવી છે, તે અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આકરા શબ્દોમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જ્યારે આપણે મજબૂતાઈથી લડીએ છીએ, ત્યારે સરકારે ઝૂકવું જ પડે છે. ટાવર અને થાંભલાના આ સમગ્ર મામલે જુદા-જુદા તબક્કે ગુજરાતના ખેડૂતો એકઠા થયા, લાંબી લડત લડ્યા એટલે સરકાર ઝૂકી તો ખરી, પણ તે માત્ર ૧૦ ટકા જ ઝૂકી છે, ૯૦ ટકા બાબતોમાં હજી પણ ખેડૂતો સાથે અન્યાય જ થયો છે.
સરકારની વળતર નીતિની ખામીઓ ઉજાગર કરતા તેમણે ઉમેર્યું કે, સરકારે જાહેરાત કરી છે કે કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટી રચાશે, જેમાં સરકારી અને કંપનીના વેલ્યુએશન કરનારા લોકો જમીનની કિંમત નક્કી કરશે. અમારો સવાલ એ છે કે કલેક્ટર કઈ બાજુ ન્યાય આપશે? અત્યાર સુધી જ્યારે પણ ખેડૂતોએ વિરોધ કર્યો છે, ત્યારે કલેક્ટરના હુકમથી જ પોલીસ ખેડૂતો પર લાઠીચાર્જ કરવા પહોંચી જતી હતી. તો આવી સ્થિતિમાં કલેક્ટરો નિષ્પક્ષ રહીને ખેડૂતોને ન્યાય આપશે તેની શું ગેરંટી? હું આ વાત પ્રથમથી જ કહેતો આવ્યો છું. તેમણે બજાર ભાવ અંગે સરકારને ઘેરતા કહ્યું કે, તમે અત્યારના બજાર ભાવે વળતર આપવાની વાત કરો છો, પરંતુ આજથી ૨૫ વર્ષ પછી એ જમીનની કિંમત શું હશે, તેની ગેરંટી કોણ આપશે? તે અંગે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ જ કારણે મેં થોડા સમય પહેલાં મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી હતી કે, જિલ્લા કક્ષાને બદલે રાજ્ય કક્ષાની (State Level) એક સમાન વળતર કમિટી અને ચોક્કસ 'એસઓપી' (SOP) બનાવવામાં આવે. જો નવસારીના ખેડૂતને એક કરોડ મળતા હોય, તો મોરબી અને દ્વારકાના ખેડૂતને પણ એટલું જ વળતર મળવું જોઈએ.
ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો કે,ખેડૂતો પાસે આજે પાકના પૂરતા ભાવ નથી કે નથી કોઈ વળતર મળતું, જેના કારણે તેઓ દેવાના બોજ હેઠળ ખેતી છોડી રહ્યા છે. હવે ખેડૂતો પાસે માત્ર તેમની મા સમાન જમીન જ બચી છે, તેના પર પણ તમે વીજ કંપનીઓ વતી ગેરકાયદેસર રીતે ઘૂસીને થાંભલા નાખી દીધા. વિરોધ વધતા સરકારે હવે વળતરની લોલિપોપ આપી છે, જે આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતોને બિલકુલ માન્ય નથી.
ખાનગી કંપનીઓ અત્યારે અબજો રૂપિયા કમાવા માટે ખેતરોમાં ધામા નાખીને બેઠી છે. કંપનીઓ પચીસ વર્ષ પછી ૫૦ કે ૧૦૦ રૂપિયા યુનિટ વીજળી વેચીને કરોડો રૂપિયા કમાશે, જ્યારે ખેડૂત પોતાની કિંમતી જમીન ગુમાવીને પણ પાયમાલ જ રહેશે. આથી ખેડૂતોને માસિક ભાડું (Monthly Rent) આપવાની પદ્ધતિ સરકારે સેટલ કરવી જોઈએ.ખેડૂતોની સંમતિ વિના કંપનીઓ તેમની જમીનમાં પગ પણ ન મૂકી શકે અને જો ખેડૂત ના પાડે તો પોલીસ બળનો ઉપયોગ ન થાય, તેવી લેખિત ખાતરી સરકાર આપે તે અમારી મુખ્ય માંગ છે. સરકાર માત્ર ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે આ લોલિપોપ આપીને થાંભલાનું કામ ફરી શરૂ કરાવવાનું ષડયંત્ર રચી રહી છે. તેથી, ખેડૂતોના હક્કની લડત માટે આમ આદમી પાર્ટી દ્વારા આગામી ૫મી તારીખે યોજાનાર સામૂહિક ઉપવાસ આંદોલન યથાવત રહેશે. જ્યાં સુધી રાજ્ય કક્ષાની સમિતિ અને ન્યાયી વળતર નહીં મળે, ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.
આમ આદમી પાર્ટી ગુજરાત