અમદાવાદ : રાજ્યમાં ખેડૂતોની જમીન પર થઈ રહેલી તાનાશાહી અને ગેરકાયદેસર વીજ થાંભલા નાખવાની કામગીરીના વિરોધમાં તથા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા “કિસાન મહાપંચાયત”નું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના નગરા ગામે આ મહાપંચાયત યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, મહિલા પ્રમુખ પાયલ સાકરીયા, પ્રદેશ મંત્રી અનુપ શર્મા તેમજ પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે, પ્રદેશ ઉપપ્રમુખ મયુર સાકરીયા, પ્રદેશ મહિલા ઉપપ્રમુખ માધવીબેન રાજપૂત અને સંગઠન મંત્રી ડો. રાણાજી તથા ઝોન સ્તરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખેડૂતોના હકો, યોગ્ય વળતર અને ન્યાયની માંગણી અંગે મજબૂતીથી અવાજ ઉઠાવ્યો હતો. આ આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત પુત્ર ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, મેં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ કહ્યું હતું કે “ચૂંટણી પછી આ લોકો ખેતરોમાં થાંભલા નાંખવાનું શરૂ કરશે” અને હવે એવું જ થઈ રહ્યું છે. ભાજપના લોકો દર પાંચ વર્ષે આપણને બુચ મારવા માટે આવે છે તો હવે આ લોકોને ઓળખવાની જરૂરત છે. મેં ભાજપના લોકોને પૂછ્યું કે “ખેડૂતો પર આટલો અત્યાચાર કેમ કરો છો?” તો ભાજપના નેતાએ કહ્યું કે “થાંભલા નાખીએ છીએ એ સમસ્યા 15 દિવસમાં સોલ્વ થઈ જશે પરંતુ પછી ગુજરાતના ખેડૂતો નરેન્દ્રભાઈ મોદીના વિકાસને મત આપી દેશે.” મારી ભાજપના લોકોને ચેલેન્જ છે કે જો તમારામાં તાકાત હોય તો આ થાંભલાની કામગીરી ઓક્ટોબર 2027માં ચાલુ કરી બતાવો. આમ આદમી પાર્ટીના એક-બે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો જીતાડીને કે પછી પાંચ ધારાસભ્ય જીતાડીને કામ નહીં ચાલે, જો ખેડૂતોએ તેમના કાયમી પ્રશ્નનો નિકાલ લાવવો હશે તો આમ આદમી પાર્ટીને 150 સીટો આપવી પડશે. હવે ગુજરાતના ખેડૂતોની માં સમાન જમીન પર થાંભલા નાખવાનું શરૂ થયું છે એટલા માટે હવે ખેડૂતો જાગ્યા છે. મને સમાચાર મળ્યા છે એ પ્રમાણે 100 હાઈટેન્શન લાઈન નાખવામાં આવશે એના માટે ભાજપના નેતાઓ અને કંપનીઓની મીટીંગ થઈ ગઈ છે લગભગ દોઢ લાખ થાંભલા નાખવામાં આવશે. એટલા માટે આ લોકો અત્યાચાર કરે છે. તો આ થાંભલા મુદ્દે અમે મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે કે, સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવો અને એ રીતે ખેડૂતને વળતર ચૂકવો કે ખેડૂતને નફામાં ભાગ આપો. આગામી 5 જુલાઈના રોજ આપણે ગાંધીનગરમાં સામૂહિક ઉપવાસ કરીશું. જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી ખેડૂતો માટે ભાગ્યાઓ માટે ખેત મજૂરો માટે અમે લડીશું.
ખેડૂતોને સંબોધન કરતા આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે એક બાજુ કાદવ-કીચડનું કમળ છે અને બીજી બાજુ સફાઈ કરનારી સાવરણી (ઝાડુ) છે. વર્ષોથી ગંદકી ફેલાવનારા કમળનું બટન દબાવતા આવ્યા છો, તો ગંદકી જ વધવાની છે ને! જો બટન જ કીચડનું દબાવશો, તો વ્યવસ્થા સાફ કેવી રીતે થશે? એકવાર સાવરણીનું બટન દબાવી જુઓ કે શું થાય છે! અહીં તો ચારેય તરફ પ્રશ્નોની જ વણઝાર છે, તો માણસ શું કરે? અમે તો હજુ આ રાજકારણમાં નવા-નવા આવ્યા છીએ અને પહેલી-પહેલી વાર ધારાસભ્ય બન્યા છીએ. અમે આ પહેલાં ક્યારેય આટલું નજીકથી જોયું જ નહોતું કે અસલી રાજકારણ કેવું હોય, આમાં નેતાઓ-અધિકારીઓ કેવા હોય અને સરકારો પ્રજા માટે શું વિચારતી હોય છે. આપણે સામાન્ય માણસોએ પાણી માટે રસ્તા પર ઉતરીને આંદોલનો કરવાં પડે છે, જ્યારે મોટી-મોટી કંપનીઓને કોઈ આંદોલન વગર સરળતાથી પાણી મળી જાય છે, કારણ કે એ કંપનીઓના માણસો, ગુંડાઓ, ઉદ્યોગપતિઓ અને મોટા-મોટા માથાભારે તત્વોના પ્રતિનિધિઓ સરકારમાં બેઠા છે. આજે એ સવાલ તમારી જાતને પૂછો કે તમારો અવાજ ઉઠાવનારો કયો માણસ સરકારમાં બેઠો છે? જો સત્તાવાળા તમારું સાંભળતા ન હોય, તો આખી આમ આદમી પાર્ટી જેમાં હું પોતે, ઈશુદાન ગઢવી, ચૈતર વસાવા, પ્રવીણ રામ અને બ્રિજરાજસિંહ સોલંકી તમારા સંતાનો બનીને આવ્યા છીએ. અમને થોડાક આશીર્વાદ આપો, જેથી તમારો અવાજ વિધાનસભા સુધી પહોંચાડીએ. પણ સાચું કહું તો, હવે માત્ર અવાજ પહોંચાડવાની નહીં, પણ લડી લેવાની વાત છે! રોજ આટલા આંદોલનો અને ખેડૂતોનો કાળો આક્રોશ છતાં સરકારને આપણી પીડા દેખાતી નથી. હમણાં વિધાનસભાના સત્રમાં ખુદ કૃષિ મંત્રીએ મને ઊભો કરીને એમ કહ્યું કે, 'ગોપાલભાઈ, તમે ખેડૂતોની સમસ્યાઓની બહુ વાતો કરો છો, પણ જો આટલી બધી સમસ્યા હોય તોય ચૂંટણીમાં મત તો ભાજપને જ આવે છે ને!' વિચારો, તેઓ સરકારમાં બેસીને આપણી મજાક ઉડાવે છે. આ નેતાઓને મોટી-મોટી લાલ લાઈટવાળી ગાડીઓમાં ફરવું છે અને હોદ્દા ભોગવવા છે, પણ જનતાના કામ નથી કરવા. આખરે સરકાર કોના માટે છે, કંપનીઓ માટે કે દેશની જનતા માટે?
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સભાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે મને એવું લાગે છે કે હવે સરકાર આપણા ધીરજની પરીક્ષા કરી રહી છે. ખેડૂતો પોતાની પડતર માંગણીઓ સાથે ગાંધીનગરના દરવાજા સુધી પહોંચી ગયા, આમ છતાં આ સરકારમાં બેઠેલા એક પણ વ્યક્તિને કે ભાજપનો ખેસ પહેરીને ફરનારા નેતાઓને ખેડૂતો પર જરાય દયા નથી આવતી. તેમને એ બાબતની બિલકુલ ચિંતા નથી કે ગુજરાતનો ખેડૂત શા માટે વારંવાર રોષે ભરાઈને આંદોલન કરવા મજબૂર બને છે. આજે સોશિયલ મીડિયા પર સતત ખેડૂતો પર થઈ રહેલા અત્યાચારના જ વીડિયો જોવા મળી રહ્યા છે. આપણે ગમે તેટલી લડાઈ લડીએ, પણ તેમને ફરક પડતો નથી કારણ કે તેમને એવો વહેમ છે કે આ સત્તા અમર છે અને ક્યારેય જવાની નથી! એટલા માટે જ ગામડાં અને ખેડૂતો તેમની પ્રાથમિકતામાં નથી. ખેતી ભાંગે, ગામડું ભાંગે અને ખેડૂત મજબૂર થઈને શહેરોની ફેક્ટરીઓમાં ઉદ્યોગપતિઓને ત્યાં કાળી મજૂરી કરવા જાય, સાંકડી ગલીઓમાં ગટર અને ગંદગી વચ્ચે રહેવા મજબૂર બને, એ જ આ સરકારની અસલી નીતિ છે. છેલ્લા પચીસ વર્ષમાં ગુજરાતમાં ખેતી ક્ષેત્રે જે વિકાસ થવો જોઈતો હતો તે થયો નથી અને ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે. જીડીપી (GDP)માં ખેતીનો હિસ્સો માત્ર ૨૩ ટકા જેવો જ રહ્યો છે, કારણ કે સરકાર માત્ર ઉદ્યોગોને જ રક્ષણ પૂરું પાડે છે. આજે વડાપ્રધાન દેશના લોકોને સોનું ખરીદવાનું કે વિદેશ પ્રવાસ કરવાનું બંધ કરવાનું કહે છે, પણ સરકારે જે રીતે ખેતીની હાલત ખરાબ કરી મૂકી છે ને, તેને જોતાં ભવિષ્યમાં તેમણે દેશવાસીઓને અઠવાડિયામાં બે દિવસ ઉપવાસ કરવાનો વારો લાવશે, કારણ કે ખેડૂતો અનાજ પકવવાનું જ બંધ કરી દેશે! ખેતી અને ઉદ્યોગો બંનેનો સમાન વિકાસ થવો એ જ દેશની સાચી પ્રાથમિકતા હોવી જોઈએ. અમે આ અવાજ વિધાનસભા સુધી પહોંચાડીશું. ભૂતકાળમાં પણ જ્યારે અતિવૃષ્ટિ જેવું સંકટ આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના આંદોલનોના દબાવમાં આવીને જ સરકારે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવી પડી હતી. જો આપણે આ જ રીતે એક થઈને લડતા રહીશું, તો ભાજપમાં ચૂંટણી હારી જવાનો ડર પેદા થશે અને જ્યારે તેમને હારવાનો ડર લાગશે, ત્યારે તેમણે ખેડૂતોના મુદ્દાઓ સામેથી સાંભળવા જ પડશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાઈ ચૈતરભાઈ વસાવા સામાન્ય માણસની લડાઈ લડી રહ્યા છે એટલે એ જેલમાં છે. ભાજપનો ખેસ પહેરીને ગુજરાતને લૂંટવા વાળા મોજ કરી રહ્યા છે. ગુજરાતને જો ભાજપની ગુલામી અને તાનાશાહી માંથી મુક્તિ કરવું હોય તો ગુજરાતની ગલી ગલીએ ભાઈ ચૈતરભાઈ વસાવા જેવા નેતા પેદા કરવા પડશે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ અને જાણીતા ખેડૂત નેતા પ્રવીણ રામે ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં ખેતરોમાં નખાતા થાંભલાની સમસ્યા ચાલુ છે અને જેના કારણે છેલ્લા એક મહિનાથી આખા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં આંદોલન થઈ રહ્યા છે અને એક ખેડૂત પુત્ર તરીકે મને ગર્વ છે કે ગુજરાતનો ખેડૂત હવે જાગી રહ્યો છે. ખેડૂતોની માંગણીઓને હું એક ખેડૂત પુત્રરૂપે સમર્થન આપું છું. મોરબીના જેતપરમાં હજુ પણ ધરણાં ચાલુ છે અને સરકારે ખેડૂતોને સમજવા પડશે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડશે. ખાતર નથી મળતું, બિયારણ નથી મળતું, આવા અનેક સવાલો ખેડૂતો સામે ઊભા છે અને હવે થાંભલાના પ્રશ્નો ઊભા થયા છે. આમ આદમી પાર્ટીએ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ખેડૂતો મુદ્દે લડાઈની એક સિરીઝ પૂરી કરી નાખી, જેમાં અનેક મુદ્દે આવેદનો આપ્યા ઘેડ મુદ્દે, ઇકોઝોન મુદ્દે અને છેલ્લે હડદડ મુદ્દે લડત લડ્યા અને 108 દિવસની જેલમાં અમે લોકો જઈને આવ્યા. હવે અહીંયાથી ખેડૂતો માટે લડાઈની બીજી સિરીઝનું રણશિંગુ ફૂંકાઈ રહ્યું છે. જ્યાં સુધી ખેડૂતોના મુદ્દાઓનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી લડાઈ લડશે. આજની આ મહાપંચાયતમાંથી સરકારને લલકાર ફેંકવા માંગીએ છીએ કે ખેડૂતોની માંગણીઓનું નિરાકરણ લાવવામાં આવે અને જો નિરાકરણ નહીં લાવો તો ગાંધીજીચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે. અમને ગુજરાતના ખેડૂતોના સાત સહકારની જરૂરત છે. તો ચાલો, આપણે સાથે મળીને પરિવર્તન લાવીએ અને ભાજપ સરકારની સાથે સાથે એમના થાંભલાઓને પણ ઉખાડીને ફેંકી દઈએ.
આમ આદમી પાર્ટી ગુજરાત