અમદાવાદ : આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ પિયુષ પરમારે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજ રોજ જુનાગઢ જિલ્લાના માળીયાહાટી તાલુકાના ખોરાસા ગામ ખાતે પીજીવીસીએલના અધિકારીઓ અને તેમના મળતીયાઓની દાદાગીરી સામે આવી છે. જે લોકોને પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા નથી તે લોકો એનો વિરોધ કરી રહ્યા છે, અને આવા સ્થાનિકોના વીજ કનેક્શન આજે બળજબરીપૂર્વક કાપી નાખવામાં આવ્યા છે. અમે આજે ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ કરવા આવ્યા છીએ. અમારી પાસે આ ઘટનાના તમામ ફૂટેજ અને વિડિયો છે.
મધુ મામા ની પાર્ટીના નેતા પિયુષ પરમારે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા એવી કોઈ ગાઈડલાઈન આપવામાં આવી નથી કે “ગ્રાહકોએ ફરજિયાત પણે સ્માર્ટ મીટર લગાવવા જ પડશે”. એક જાગૃત નાગરિકે આ મુદ્દે પીજીવીસીએલમાં આર.ટી.આઈ કરી હતી ત્યારે એ આર.ટી.આઈમાં આ બાબતનો ખુલાસો થયેલો છે. છતાં પણ આ પીજીવીસીએલના કર્મચારીઓને અમે મળ્યા અને રૂબરૂમાં આ બાબતે વાત કરવાની કોશિશ કરી તો એ લોકોએ દાદાગીરી કરી, બેન દીકરીઓના ઘરમાં ઘૂસીને વીજ કનેક્શનો કાપવાનું કામ કર્યું, જેથી અમે આજે ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવી રહ્યા છીએ. જો આવનારા સમયમાં આ અધિકારી પર કાર્યવાહી નહીં થાય, અધિકારીની બદલી નહીં થાય અને સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે. આ બાબતે અમે ટૂંક સમયમાં આગામી કાર્યક્રમો પણ જાહેર કરીશું.