સુરેન્દ્રનગર : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે પીડિત ખેડૂતોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જ્યારે ગામનો પ્રશ્ન આવે ત્યારે આખું ગામ એકજૂથ થઈને ઊભું રહે છે, તે ખૂબ જ સારી અને પ્રેરણાદાયી બાબત છે.
હું માનું છું કે ભગવાન આપણને આવી એકતા અને શક્તિ સતત આપે. પરંતુ જો આપણે મૂળ મુદ્દાની વાત કરીએ તો વળતરના પ્રશ્ન સહિતના અનેક પ્રશ્નો છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન કંઈક બીજો જ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર દરમિયાન ધારાસભ્ય તરીકે વિધાનસભામાં હાજર હતો. આ દરમિયાન વિવિધ રાજકીય આગેવાનો, પૂર્વ સાંસદો, પૂર્વ મંત્રીઓ અને અનેક અધિકારીઓ સાથે મુલાકાતો થઈ હતી.
સરકારી કામકાજના સંદર્ભમાં હું નિયમિત રીતે IAS અધિકારીઓ, સેક્રેટરી, ચીફ સેક્રેટરી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓને મળતો રહું છું. આવી મુલાકાતો અને ચર્ચાઓ દરમિયાન સરકાર અને વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારી મળે છે અને અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થતી રહે છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં બેઠેલા મોટા મોટા સાહેબો અને નિર્ણય લેતા અધિકારીઓ સુધી તમામ હકીકતો પહોંચી ગઈ છે. ગામડાના લોકોના પ્રશ્નો શું છે અને ખેડૂતો કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેની તેમને સંપૂર્ણ જાણકારી છે. જે ગામમાં ખેતરો હોય અને ત્યાં વીજળીના થાંભલા કે અન્ય યોજનાઓને કારણે ખેડૂતોની જમીન અને જીવન પર અસર થતી હોય, તે માત્ર એક વ્યક્તિનો પ્રશ્ન નથી, પરંતુ આખા ગામ અને સમગ્ર ખેડૂત સમાજનો પ્રશ્ન છે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગામડામાં રહેતા તમામ લોકો અને ખાસ કરીને ખેડૂતો આપણા સમાજનો આધારસ્તંભ છે. ખેડૂતોનો નાશ થાય તે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આજે સામાન્ય નાગરિક માટે અનેક નિયમો અને કાયદાઓ લાગુ પડે છે. કોઈપણ કામ માટે અલગ અલગ વિભાગોની મંજૂરી લેવી પડે છે, વીજળીનું કનેક્શન લેવું પડે છે, વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરી શકાય, હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને અન્ય અનેક નિયમોનું પાલન કરવું પડે છે. જ્યારે સામાન્ય લોકો માટે આટલા બધા નિયમો છે, ત્યારે ખેડૂતોના હિતો અને અધિકારોની રક્ષા કરવાની જવાબદારી પણ સરકાર અને તંત્રની છે.
તેમણે કહ્યું હતું કે, આપણે એક મહત્વની વાત સમજવાની જરૂર છે. સરકાર એક દેશ, એક કાયદો અને એક ચૂંટણી જેવી વાતો કરે છે, પરંતુ જ્યારે ખેડૂતોના હકો અને તેમની જમીનના પ્રશ્નોની વાત આવે છે ત્યારે સમાનતાના સિદ્ધાંતો ક્યાંક ને ક્યાંક ખૂટતા જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ પોતાના ઘર પર છાપરું બાંધે અથવા કોઈ નાનું બાંધકામ કરે તો તેના માટે અનેક નિયમો અને મંજૂરીઓની જરૂર પડે છે, પરંતુ જ્યારે ખેડૂતોની જમીન ઉપરથી વીજલાઈન કે અન્ય પ્રોજેક્ટ પસાર કરવામાં આવે છે ત્યારે તેના લાંબા ગાળાના પ્રભાવ વિશે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.
ગોપાલ ઇટાલિયાએ આગળ જણાવ્યું હતું કે, ખેડૂતની જમીનમાં માત્ર થાંભલો ઊભો કરવાનો પ્રશ્ન નથી. થાંભલાની સાથે વીજલાઈન માટેનો સમગ્ર કોરિડોર પણ જોડાયેલો હોય છે, જેના કારણે જમીનના મોટા વિસ્તાર પર ખેડૂતોના અધિકારો મર્યાદિત થઈ જાય છે. એક વખત વળતર આપી દેવાથી પ્રશ્નનો સંપૂર્ણ ઉકેલ આવતો નથી. આવનારા સમયમાં ખેડૂતોને પોતાની જમીનમાં વિવિધ પ્રકારના કામ કરવા, પાક ઉગાડવા અથવા અન્ય ઉપયોગ માટે પણ મંજૂરીઓ લેવાની ફરજ પડી શકે છે તેવી ચિંતા ખેડૂતોમાં છે.
આજે જે મુદ્દો માત્ર થાંભલા સુધી સીમિત દેખાય છે, તે ભવિષ્યમાં ખેડૂતોના અધિકારો અને જમીન પરના નિયંત્રણ સાથે જોડાયેલો મોટો પ્રશ્ન બની શકે છે, તેથી ખેડૂતોની ચિંતાઓને ગંભીરતાથી સાંભળીને તેમની સંમતિ અને હિતોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવો જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, "હું જે વાત કરી રહ્યો છું તે કોઈ રાજકીય નિવેદન નહીં પરંતુ ભવિષ્ય અંગેની ચેતવણી છે. ફેબ્રુઆરી મહિનામાં પણ મેં આ જ મુદ્દો ઉઠાવ્યો હતો અને આજે ગામના લોકોની ચિંતા વધુ સ્પષ્ટ રીતે સામે આવી રહી છે. તેથી સમયસર જાગૃત રહેવું અને પોતાના હકો માટે અવાજ ઉઠાવવો જરૂરી છે.
આમ આદમી પાર્ટી ગુજરાત