અમદાવાદ / જામનગર / ગુજરાત : જામનગર જિલ્લામાં ચોમાસાનો વરસાદ મોડો અને ઓછો થવાના કારણે ખેડૂતો અને માલધારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ કટોકટીભરી પરિસ્થિતિમાં ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં લાલપુર ખાતે વિશાળ જનઆક્રોશ રેલી અને એક દિવસીય પ્રતિક ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલપુર તાલુકા પંચાયત ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યે મોટી સંખ્યામાં એકત્રિત થઈને ખેડૂતો રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચ્યા હતા, જ્યાં સવારે ૧૦:૩૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી પ્રતિક ભૂખ હડતાલ યોજીને માનનીય મુખ્યમંત્રીને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, સરપંચો, આગેવાનો અને ગામડે-ગામડેથી વિશાળ સંખ્યામાં ખેડૂતો અને માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં મુખ્ય રજૂઆત કરાઈ હતી કે લાલપુર અને જામજોધપુર તાલુકામાંથી 'સૌની યોજના'ની લિંક-૧ અને લિંક-૩ની પાઈપલાઈન પસાર થતી હોવા છતાં ખેડૂતો પાણી વિના તરસ્યા છે. બાકી રહી ગયેલા વાવેતર અને સુકાતા પાકને બચાવવા માટે તાત્કાલિક ધોરણે સિંચાઈનું પાણી છોડવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
આ તકે ’આપ’ ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યુ હતુ કે ઓછા વરસાદના કારણે પશુધનને બચાવવા માટે માલધારીઓ લાચાર બન્યા છે, ત્યારે સરકારી તંત્રની બેદરકારી અને નીતિઓના કારણે ગોડાઉનોમાં લાખો ટન ઘાસ સડી જાય છે પરંતુ વિતરણ કરવામાં આવતું નથી. આથી તાત્કાલિક ધોરણે મફત અથવા રાહતદરે ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવા માંગ કરાઈ છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૧૨માં જાહેર કરાયેલી સૌની યોજનાના ૧૪ વર્ષ વીત્યા પછી પણ મોટાભાગનું સૌરાષ્ટ્ર તેનાથી વંચિત છે, જેથી અંતરિયાળ ગામડાઓમાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટે નવા વાલ્વ મુકવા માટે ટેકનિકલ સર્વે કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. ખેડૂત હિત રક્ષક સમિતિએ સ્પષ્ટ ચીમકી આપી છે કે આ લડાઈ કોઈ પક્ષ કે રાજકારણની નથી પરંતુ ખેડૂતો, માલધારીઓ અને આવનારી પેઢીના ભવિષ્યની છે; જો સરકાર દ્વારા વ્યાજબી માંગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર પંથકમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
આમ આદમી પાર્ટી ગુજરાત