રાજપીપળા : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ગરુડેશ્વર ખાતે ઉદીશા અંતર્ગત આજે ‘પોઝિટિવ એટીટ્યુડ’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. રાકેશભાઈ વણકારસાધુ (મદદનીશ પ્રાધ્યાપક, અર્થશાસ્ત્ર વિભાગ – કાપડીઆ એન.એમ.એમ. આર્ટસ અને એસ.એન.એસ.બી.એસ. કોમર્સ કૉલેજ, સંખેડા) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને નકારાત્મક વિચારોમાંથી દૂર રહી જીવનમાં હકારાત્મક દૃષ્ટિકોણ કેવી રીતે અપનાવવો તે અંગે પ્રેરણાદાયી ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું હતું. વ્યાખ્યાન દરમ્યાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો હતો અને કાર્યક્રમ દિશાસૂચક સાબિત થયો હતો.
આ કાર્યક્રમમાં કુલ 36 વિદ્યાર્થીઓ જોડાયા હતા. કૉલેજના આચાર્યશ્રી ડૉ. પદ્માબેન તડવીએ સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી પાર્થકુમાર વોરાએ કર્યું હતું, જ્યારે અંતે ઉદીશાના કૉ-ઓર્ડીનેટર ડૉ. જલ્પાબહેન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. કૉલેજના સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.


