અમદાવાદ/સુરત/ગાંધીનગર : સુરત ખાતેથી આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા નવા નારા સાથે કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું છે. “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત AAPનું” આ નવો નારો આમ આદમી પાર્ટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. કામની રાજનિતી કરતી AAP એ હવે નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરી છે. આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પેન અંતર્ગત ગુજરાતની તમામ વિધાનસભાઓ અને દરેક ગામડામાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો લગાવવામાં આવશે અને એક સ્પષ્ટ સંદેશ સાથે ગુજરાતની જનતાને જાગૃત કરવામાં આવશે. આ કેમ્પેનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચીને તેને આ પરિવર્તનની ક્રાંતિમાં જોડવાનો છે. આમ આદમી પાર્ટીએ આ અભિયાનને એક શક્તિશાળી નારા સાથે લોન્ચ કર્યું છે –
“આ ગુજરાત હવે ગુજરાતનાં લોકોનું છે, ના બેટાનું, ના બાપનું – આ ગુજરાત હવે આપનું છે.”
AAP નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં થોડાં પરિવારો, મોટા ઉદ્યોગપતિઓ અને રાજકીય વારસદારો દ્વારા રાજ્યનું શોષણ કરવામાં આવી રહ્યું છે. એક જ પાર્ટીના લાંબા શાસન દરમિયાન ગુજરાતના લોકો, યુવાનો અને પરિવારોને વારંવાર અન્યાય અને શોષણ સહન કરવું પડ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ અભિયાન સાથે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઔપચારિક શરૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને કેડર રાજ્યના ખૂણેખૂણે જઈને લોકોમાં જાગૃતિ લાવશે અને છેલ્લા ત્રણ દાયકાથી ચાલતા અન્યાય અને અત્યાચાર સામે જનતાને એકત્રિત કરશે.


