મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ચણાસેરો ગામના નિશાળ ફળિયામાં વહેલી સવારે ૧૦૮ ઈમરજન્સી સેવાની સતર્કતાને કારણે એક નવજાત શિશુ અને તેની માતાને નવજીવન મળ્યું છે. આજ રોજ વહેલી સવારે ૦૩:૦૮ કલાકે એક સગર્ભા મહિલાને અચાનક પ્રસુતિની તીવ્ર પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક સાધ્યો હતો. વડાગામ સ્થિત ૧૦૮ની ટીમે સમયનો બગાડ કર્યા વિના ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સગર્ભાની ગંભીર હાલત અને પીડાને જોતા હોસ્પિટલ પહોંચવું જોખમી જણાતા ટીમે સ્થળ પર જ પ્રસુતિ કરાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
આ કપરી પરિસ્થિતિમાં ઈમરજન્સી મેડીકલ ટેક્નિશિયન સુરેશ પંચાલ દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર ફરજ બજાવતા ફિઝિશિયન ડોક્ટર કૃષ્ણા મેડમ સાથે ટેલિફોનિક સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો હતો. ડોક્ટરના માર્ગદર્શન હેઠળ અને સંસ્થા દ્વારા મળેલી વિશેષ તાલીમનો ઉપયોગ કરીને ઈએમટી સુરેશ પંચાલ અત્યંત કાળજીપૂર્વક સુરક્ષિત પ્રસુતિ કરાવી હતી. આ સફળ પ્રસુતિ બાદ માતાએ એક સ્વસ્થ નવજાત પુત્રને જન્મ આપ્યો હતો, જેનાથી પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.
પ્રસુતિ બાદ માતા અને નવજાત બાળકને તાત્કાલિક વધુ સારવાર અને દેખરેખ માટે બાકોર ખાતે આવેલ સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૧૦૮ની ટીમે દાખવેલી આ અપ્રતિમ સમયસૂચકતા અને કાર્યદક્ષતાને કારણે બંને જિંદગીઓ સુરક્ષિત બચી શકી છે. ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના મિશનને સાર્થક કરતી આ કામગીરી બદલ પરિવારજનોએ ઈએમટી સુરેશભાઈ પંચાલ, પાયલોટ મયુરભાઈ પટેલ અને સમગ્ર ૧૦૮ સેવાનો અંતઃપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.