અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે ગુજરાતમાં કુપોષણને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે કુપોષણને દૂર કરવા માટે પોષણના નામે સરકાર દ્વારા દિવસેને દિવસે ખર્ચ વધારવામાં આવ્યો છે, પરંતુ બાળકોનું વજન વધી રહ્યું નથી. સરકાર કહે છે કે કુપોષણ માટે અમે AI સિસ્ટમ લાગુ કરીશું, પરંતુ બાળકોના ભૂખ્યા પેટને માપવા માટે કોઈ AI સિસ્ટમ સરકારે લાગુ કરવી જોઈએ. કુપોષણની લડાઈમાં સરકાર જાહેરાતોમાં તો જીતી રહી છે, પરંતુ જમીન પર ક્યાંકને ક્યાંક હારી રહી છે એવું અમારું સ્પષ્ટ માનવું છે.
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર દ્વારા NFHS-6 નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ સરકારની પોલ ખોલી રહ્યો છે કે કુપોષણના નામે વર્ષોથી કોઈ અસરકારક કામ થયું નથી. આ રિપોર્ટ મુજબ પાંચ વર્ષથી ઓછી ઉંમરના અને ઉંમર પ્રમાણે ઓછી ઊંચાઈ ધરાવતા બાળકો શહેરોમાં 28.2 ટકા અને ગામડાઓમાં 39.5 ટકા છે, એટલે કે સરેરાશ 35.5 ટકા બાળકો એવા છે જેમનો શારીરિક વિકાસ પૂરતો થયો નથી. ત્યારબાદ ઊંચાઈ પ્રમાણે ઓછું વજન ધરાવતા અને કુપોષિત બાળકોની સંખ્યા શહેરોમાં 15.5 ટકા અને ગામડાઓમાં 23.5 ટકા છે, એટલે કે સરેરાશ 20 ટકા બાળકો કુપોષિત છે.
ગંભીર રીતે કુપોષિત બાળકોની સંખ્યા શહેરોમાં 3.8 ટકા અને ગામડાઓમાં 6.3 ટકા છે. જ્યારે ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા શહેરોમાં 27.2 ટકા અને ગામડાઓમાં 40.5 ટકા છે. આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાતમાં કુપોષણની સ્થિતિ ગંભીર છે. સરકાર કહે છે કે ડબલ એન્જિનની સરકારમાં વિકાસ થઈ રહ્યો છે, પરંતુ અમને લાગે છે કે પોષણ કરતાં વધુ તો વચેટિયાઓ અને મળતિયાઓનું પોષણ થઈ રહ્યું છે. સરકાર વિધાનસભામાં આપેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં કુપોષિત બાળકોના આહાર પાછળ એક હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી ચૂકી છે. છતાં ગુજરાતમાં 0 થી 6 વર્ષના 5.70 લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે, જેમાંથી 4.38 લાખ બાળકો અન્ડરવેઇટ છે અને 1.31 લાખ બાળકો ગંભીર રીતે અન્ડરવેઇટ છે. સરકારે 24 કરોડના ખર્ચે AI મોનિટરિંગ સિસ્ટમ બનાવવાની વાત કરી છે, પરંતુ NFHS-6 નો રિપોર્ટ બતાવે છે કે સરકાર કુપોષણ દૂર કરવામાં નિષ્ફળ રહી છે.
આપ નેતા ડો.કરન બારોટે વધુમાં જણાવ્યું હતુ કે સરકાર દ્વારા મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના, દૂધ સંજીવની યોજના,સુખડી યોજના, બાલશક્તિ યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણ સુધા યોજના, અને મિશન આંગણવાડી પોષણ 2.0 જેવી અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ તમામ યોજનાઓ કુપોષણ ઘટાડવા માટે છે, પરંતુ જો આટલા બધા કરોડો રૂપિયા ખર્ચવા છતાં ગુજરાતના ત્રીજા ભાગના બાળકો કુપોષણનો ભોગ બનતા હોય, તો તેને અમે સરકારની સૌથી મોટી નિષ્ફળતા માનીએ છીએ. જો આ વિશેષ આહાર અને કરોડો રૂપિયાનો ખર્ચ ખરેખર બાળકો સુધી પહોંચ્યો હોત, તો આજે આંકડાઓ કંઈક અલગ દેખાતા. સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે કુપોષણ દૂર કરવું સરકાર માટે પ્રાથમિકતા છે કે નહીં.
આમ આદમી પાર્ટી તરફથી અમારી માંગ છે કે કુપોષણને તાત્કાલિક ધોરણે ઈમરજન્સી જાહેર આરોગ્ય સમસ્યા તરીકે લેવામાં આવે અને સરકાર મીડિયાની સમક્ષ તથા ગુજરાતની જનતા સમક્ષ આવીને જવાબ આપે કે આટલા કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં ગુજરાત હજુ કુપોષણમુક્ત કેમ બન્યું નથી. સરકારે પોતાની નિષ્ફળતા સ્વીકારીને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને કુપોષણની સ્થિતિ વધુ ગંભીર જોવા મળે છે. NFHS-6 નો તાજેતરમાં જાહેર થયેલો રિપોર્ટ સરકારની સૌથી મોટી નિષ્ફળતા બહાર લાવે છે અને દર્શાવે છે કે કુપોષણ સામે અસરકારક કામગીરી થઈ નથી. સરકાર દ્વારા પોષણ ટ્રેકર જેવી વ્યવસ્થાઓ અમલમાં હોવા છતાં અનેક બાળકો આજે પણ કુપોષિત છે. સરકારના પોતાના આંકડાઓ જ દર્શાવે છે કે ગુજરાત કુપોષણમુક્ત બન્યું નથી. તેથી સરકાર જ્યારે મોટી મોટી જાહેરાતો અને દાવાઓ કરે છે ત્યારે હવે ગુજરાતની જનતા ભ્રમિત થવાની નથી, કારણ કે ભાજપના શાસનની વાસ્તવિકતા આજે આંકડાઓ દ્વારા જનતા સમક્ષ આવી રહી છે.
આમ આદમી પાર્ટી ગુજરાત