ગૌસેવા સાથે આર્થિક સમૃદ્ધિ: કુકસવાડાની ગૌશાળામાં BRC પ્લાન્ટ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો
નરેન્દ્ર દવે, જૂનાગઢ:જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાનું કુકસવાડા ગામ આજે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના મોડેલ તરીકે ઉભરી રહ્યું છે. અહીં કાર્યરત 'માં ગૌ સેવા હોસ્પિટલ' (શ્રી ગોદાવરી કામેશ્વર વ્યાસ ગૌ સેવા ટ્રસ્ટ) એ માત્ર બીમાર ગાયોની સારવાર પૂરતું સીમિત ન રહેતા, આત્મનિર્ભરતાનો નવો રાહ ચીંધ્યો છે. સરકારની <b>બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર (BRC) યોજના હેઠળ અહીં એક અત્યાધુનિક પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના કારણે ગૌશાળાની વાર્ષિક આવકમાં અધધ કહી શકાય તેવો પાંચ ગણો વધારો થયો છે.
૨ રૂપિયે કિલો વેચાતું ખાતર હવે ૧૦ રૂપિયે વેચાય છે: આવક ૧૦ લાખને આંબી
પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા અગ્રણી શ્રી મોહનભાઈ પંડિતના જણાવ્યા મુજબ, બે-ત્રણ વર્ષ પહેલા ગૌશાળાનું છાણીયું ખાતર માત્ર ૨ રૂપિયે કિલો અથવા ટ્રેલરના નજીવા ભાવે વેચાતું હતું. પરંતુ BRC યુનિટમાં પદ્ધતિસર ઉત્પાદન શરૂ થતા, હવે 'ઘન જીવામૃત' ૫૦ કિલોની બેગ રૂ. ૫૦૦ ના ભાવે વેચાઈ રહી છે. આ વૈજ્ઞાનિક અભિગમને કારણે ગૌશાળાની વાર્ષિક આવક રૂ. ૨-૩ લાખથી વધીને હવે રૂ. ૧૦ લાખ સુધી પહોંચવાની તૈયારીમાં છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્રોજેક્ટ માટે 'આત્મા પ્રોજેક્ટ' જૂનાગઢ દ્વારા રૂ. ૧.૧૭ લાખની સરકારી સહાય પણ પૂરી પાડવામાં આવી છે.
રાસાયણિક ખેતી કરતા ખેડૂતોમાં પણ એડવાન્સ બુકિંગનો ક્રેઝ
સામાન્ય રીતે પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂત પાસે ગાય હોવી અનિવાર્ય છે, પરંતુ જે ખેડૂતો પાસે ગાય નથી અથવા જીવામૃત બનાવવાનો સમય નથી, તેમના માટે આ કેન્દ્ર વરદાન સાબિત થયું છે. કુકસવાડા ગૌશાળામાં તૈયાર થતા ઘન જીવામૃત અને જીવામૃતની માંગ એટલી વધી છે કે ખેડૂતો અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. રાસાયણિક ખેતી કરતા ખેડૂતો પણ જમીનની ફળદ્રુપતા વધારવા માટે હવે આ જૈવિક ઇનપુટ્સ તરફ વળી રહ્યા છે, જે પર્યાવરણ અને જમીન માટે ખૂબ જ હકારાત્મક બાબત છે.
રાજ્યપાલ અને સરકારના વિઝનનું સફળ અમલીકરણ: વિશ્લેષણ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત સરકારના 'પ્રાકૃતિક કૃષિ' ના સંકલ્પને આ ગૌશાળા સાચા અર્થમાં સાકાર કરી રહી છે. વિશ્લેષકો માને છે કે જો રાજ્યની તમામ પાંજરાપોળ અને ગૌશાળાઓ આ રીતે BRC કેન્દ્રો સ્થાપે, તો તેઓ માત્ર દાન પર નિર્ભર ન રહેતા આત્મનિર્ભર બની શકે છે. કુકસવાડા ગૌશાળામાં શ્રી નયન ઠક્કર, ડો. તન્ના, અને વેટરનરી ડો. પરાગ ડાકી સહિતના અગ્રણીઓની સેવા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી આ સફળતા મળી છે.
ગૌશાળાઓ માટે આત્મનિર્ભરતાનું નવું મોડેલ
કુકસવાડાની આ ગૌશાળાએ સાબિત કર્યું છે કે ગૌસેવા એ માત્ર ધાર્મિક કાર્ય નથી, પરંતુ જો તેને વ્યવસ્થિત આયોજન સાથે જોડવામાં આવે તો તે આર્થિક ક્રાંતિ પણ લાવી શકે છે. 'અમદાવાદ એક્સપ્રેસ' આ ભગીરથ કાર્ય બદલ ગૌશાળાના ટ્રસ્ટીઓ અને ગ્રામજનોને બિરદાવે છે.


