સામાજિક જવાબદારી અને માનવતાવાદી મૂલ્યોના પ્રેરણાદાયક ઉદાહરણ તરીકે, વડોદરાના રહેવાસી આઝાદ સાવલિયાએ રક્તદાનના મહાન કાર્યને કૌટુંબિક વારસામાં પરિવર્તિત કર્યું છે. સમર્પિત અને નિયમિત રકતદાતા શ્રી સાવલિયાએ આજદિન સુધી કુલ ૧૨૭ વખત રક્ત અને પ્લેટલેટ્સનું દાન કર્યું છે. વર્ષોથી અસંખ્ય દર્દીઓના સુખાકારી માટે નિઃસ્વાર્થપણે યોગદાન આપ્યું છે. જેઓથી પ્રેરીત થઇ હવે તેમની ૧૮ વર્ષની પુત્રીએ પણ પહેલીવાર રક્તદાન કરીને કૌટુંબિક વારસો આગળ ધપાવ્યો છે.
આઝાદ છેલ્લા ૩૦ વર્ષથી માનવતાની સેવા ચાલુ રાખીને રક્તદાન કરી રહ્યા છે. "હું ૧૮ વર્ષની ઉંમરથી રક્તદાન કરી રહ્યો છું અને આજ સુધી તે ચાલુ રાખ્યુ છે. મારા એક સંબંધીને જરૂર પડ્યે રક્ત મળતું નહોતું અને તેનાથી મને તેનું મહત્વ સમજાયું અને મેં નિયમિતપણે રક્તદાન કરવાનો નિર્ણય લીધો હતો. બીજું, રક્તદાન સ્વાસ્થ્ય માટે પણ સારું છે કારણ કે મેં રક્તદાન કરવાનું શરૂ કર્યું તે દિવસથી હું ક્યારેય હોસ્પિટલમાં ગયો નથી. હું હવે ૪૮ વર્ષનો છું અને નિયમિતપણે રક્ત અને પ્લેટલેટ્સનું દાન કરું છું," એમ આઝાદએ કયું હતું.
આ ઉમદા વારસાને આગળ ધપાવતા, તેમની પુત્રી, આશી સાવલિયાએ ૧૮ વર્ષની થયા પછી તરત જ રક્તદાન કર્યું, જે તેની રક્તદાતા તરીકેની પોતાની સફરની શરૂઆત હતી. આઝાદ અને આશી બન્નેએ તેમના અંગોનું દાન કરવાનો સંકલ્પ લીધો છે.
આયુષ બ્લડ સેન્ટર, વડોદરાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મનીષકુમાર વિડજાએ સમાજ માટે એક નોંધપાત્ર ઉદાહરણ બેસાડવા બદલ પિતા-પુત્રીની જોડીની પ્રશંસા કરી હતી. તેઓ પોતે છેલ્લા ૨૦ વર્ષથી ૭૮ વખત રક્ત અને પ્લેટલેટ્સનું દાન કરી રહ્યા છે અને ભાર મૂક્યો કે જો દરેક પરિવાર ઓછામાં ઓછા એક સભ્યને નિયમિત રક્તદાતા બનવા માટે પ્રોત્સાહિત કરે, તો કોઈ પણ દર્દીને રક્તની અછતનો સામનો કરવો પડશે નહીં. તેમની વાર્તા એક શક્તિશાળી યાદ અપાવે છે કે રક્તદાન તબીબી જરૂરિયાત હોવાની સાથે સાથે એક જીવનરક્ષક સંસ્કૃતિ છે જે એક પેઢીથી બીજી પેઢીને "એક પરિવાર - એક રક્તદાતા" સંદેશ હેઠળ પસાર કરી શકાય છે.