કચ્છના નખત્રાણા તાલુકાના ચાવડકા ગામની સીમમાં ગ્રીન એનર્જીના નામે પર્યાવરણ અને સ્થાનિક સંસાધનોનું નિકંદન કાઢતી કંપનીઓ સામે ગ્રામજનોએ મોરચો માંડ્યો છે. NTPC Green Energy તથા KPE કંપની દ્વારા કોઈપણ જાતની કાયદેસરની પરવાનગી વિના ધમધમતા પવનચક્કી, વીજ પોલ અને વીજ લાઇનના કામ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોએ આ મામલે નાયબ કલેક્ટરને લેખિત અરજી આપીને તાત્કાલિક કામ બંધ કરાવવા માંગ કરી છે. પંચાયતને અંધારામાં રાખીને સરકારી કલેક્ટરના જાહેરનામાના લીરેલીરા ઉડાડતી આ કંપનીઓની મનમાનીથી સમગ્ર સરહદી પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
મુખ્ય વિવાદ: ચાવડકા સીમમાં સર્વે નંબર ૮૫, ૨૦૮, ૧૨૧ અને ગૌચર સર્વે નંબર ૭૨૨ પર ગેરકાયદેસર વીજ લાઇનનું કામ.
ગંભીર આક્ષેપ: ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ અને ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટનું ઉલ્લંઘન કરી લોકલ ઓથોરિટી (ગ્રામ પંચાયત)ની મંજૂરી વિના કામ શરૂ કરાયું.
પંચાયતનું સ્ટેન્ડ: ૨૨ જૂન ૨૦૨૫ના રોજ મળેલી ખાસ ગ્રામસભામાં કંપની વિરુદ્ધ સર્વાનુમતે મહત્વનો 'ઠરાવ નંબર ૦૫' પસાર કરાયો છે.
કલેક્ટરનો આદેશ: જિલ્લા કલેક્ટરે ચાવડકા સીમમાં પવનચક્કીના કામ માટે કોઈ મંજૂરી આપી ન હોવાનું જાહેરનામું બહાર પાડેલું છે.
પર્યાવરણીય નુકસાન: ગામના એકમાત્ર તળાવ અને ગ્રીન ઝોનની લીલી ઝાડીઓનો સોથ વાળી દેવાયો છે; હાઈ-વોલ્ટેજ લાઈનોથી રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થઈ રહ્યાનો દાવો.
નખત્રાણાનો ચાવડકા વિસ્તાર કુદરતી રીતે સમૃદ્ધ અને પર્યાવરણની દ્રષ્ટિએ ગ્રીન ઝોન તરીકે જાહેર થયેલો છે. સરકારે અહીંના હજારો પશુધનની જાળવણી માટે ખાસ ટીચર જમીનો પણ ફાળવી છે. પરંતુ ગ્રીન એનર્જીના નામે નફો કમાવવા ઉતરેલી NTPC અને KPE જેવી મોટી કંપનીઓએ સ્થાનિક કાયદાઓને ઘોળીને પી લીધા છે. કાયદા મુજબ કોઈપણ વિસ્તારમાં હાઈટેન્શન લાઈન કે પોલ ઊભા કરતાં પહેલાં સ્થાનિક ગ્રામ પંચાયતની એનઓસી (NOC) લેવી અનિવાર્ય છે. આમ છતાં, આ કંપનીઓએ પંચાયતને કોઈપણ જાણ કર્યા વિના રાતોરાત ભારે મશીનરી ઉતારીને ખોદકામ શરૂ કરી દીધું છે.
જ્યારે જાગૃત ગ્રામજનો અને પંચાયતના પ્રતિનિધિઓએ કંપનીના સાઇટ ઓફિસરો પાસે પરવાનગીના દસ્તાવેજો માંગ્યા, ત્યારે અધિકારીઓએ સરમુખત્યારશાહી વલણ અપનાવી કાગળો બતાવવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ગામના પશુ-પક્ષીઓ માટેના એકમાત્ર વોટર સોર્સ એટલે કે તળાવની બિલકુલ નજીક જ વીજ પોલ ખોડી દેવાયા છે. ખુલ્લા હાઈ-વોલ્ટેજ વાયરોના કારણે અત્યાર સુધીમાં કેટલાય મોર કાળધર્મ પામ્યા છે, જે વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ જન્માવી રહ્યો છે. જો કલેક્ટરના જાહેરનામા છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકશે નહીં, તો આખો લીલોછમ ગ્રીન ઝોન વેરાન રણમાં ફેરવાઈ જશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે.
સ્થાનિક માલધારીઓ અને ખેડૂતોમાં કંપનીના આ વલણ સામે ભારે આક્રોશ છે. લોકોનું કહેવું છે કે લોકશાહી દેશમાં મલ્ટિનેશનલ કંપનીઓ આવી સરમુખત્યારશાહી કઈ રીતે ચલાવી શકે? સોશિયલ મીડિયાથી લઈને ગામના ચોરા સુધી માત્ર કંપનીઓની જોહુકમીની જ ચર્ચા છે. જો નાયબ કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર પ્રોજેક્ટ પર સ્ટે લાવીને તપાસ સમિતિ નહીં નીમવામાં આવે, તો ચાવડકા સહિત આસપાસના ગામોના લોકો ઉગ્ર આંદોલન અને ચક્કાજામ કરવા સડક પર ઉતરવાની ચીમકી આપી ચૂક્યા છે.
વિકાસના નામે વિનાશ અને કાયદાનો સરેઆમ ભંગ ક્યારેય સાંખી ન લેવાય. વહીવટી તંત્રએ તાત્કાલિક દરમિયાનગીરી કરી કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવું જોઈએ જેથી સ્થાનિક પર્યાવરણ અને જનતાના અધિકારો સુરક્ષિત રહે.