અમદાવાદ / સુરત / ગુજરાત : સુરતમાં આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી અને પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ તકે પત્રકારોને સંબોધિત કરતા આપ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું, આવતી કાલે પરિણામ આવવાનું છે. સમગ્ર ગુજરાત આવતી કાલના પરિણામની રાહ જોઈને બેઠું છે. આ પહેલાં ગુજરાતની અંદર એક બહુ મોટી વાત અને મોટી ઘટના ઓલરેડી ઘટી ચૂકી છે. ગુજરાતની અંદર આજદિન સુધી એવું કહેવાતું કે ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી, એવા સમયમાં આમ આદમી પાર્ટીનાં પાવરફુલ ઉમેદવારો આમ આદમી પાર્ટીનું ઝાડું લઈને અને આ વ્યવસ્થાની સામે, ભાજપની સામે ઉતર્યા અને આ ચૂંટણી લડી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનાં ઇતિહાસમાં કોઈ ત્રીજી પાર્ટીએ પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો ઉતારી અને કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતી હોય તો એ પહેલી પાર્ટી આમ આદમી પાર્ટી છે. ગુજરાતનાં લોકોએ એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકાર્યું છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતમાં ઊભરી આવી છે એ વાત આ ચૂંટણીમાં સ્પષ્ટ થઈ છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ નથી, પરંતુ પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુન્ડાઓ, બુટલેગરો, બાહુબલીઓ અને પૈસાના જોરે ચૂંટણીઓમાં મેન્યુપ્યુલેશન કરતા લોકોના જૂથ સામેની લડાઈ છે. ભારતીય જનતા પાર્ટી તમામ તાકાતથી લાગી છે કે આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોને ડરાવવાની, ધમકાવવાની કોશિશ થાય, ઉમેદવારો ફોર્મ ન ભરે એ માટેની તમામ કોશિશો ગુજરાતે આ વખતે જોઈ. ફોર્મ ભરાયા પછી પણ ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવવા, લાલચ આપવાની કોશિશ થઈ, છતાં અમને ગર્વ છે કે બહોળા પ્રમાણમાં ઉમેદવારોએ આમ આદમી પાર્ટીની આ લડાઈમાં સહયોગી બની આ લડાઈ લડી છે.
’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આ ગુજરાત માટે અને અમારા સૌ માટે બહુ ગર્વની વાત છે કે ગુજરાતની અંદર રાજકીય વિકલ્પ ઊભો થયો છે અને ગુજરાતે એને સ્વીકાર્યો છે. આવતી કાલે જ્યારે પરિણામ આવશે, પરિણામ જે આવે તે., ચૂંટણી એ કુલ મળીને વ્યવસ્થાનો ભાગ હોય, પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે એ પ્રમાણ છે કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અનેક અનૈતિકતાની તમામ હદો વટાવી છે. ખોટા પોસ્ટરો લગાવવાની કોશિશ થઈ, પત્રિકાઓ વહેંચાઈ, મતલબ કે કોઈ પણ ભોગે લોકોની અંદર આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખલેલ થાય એ માટે તમામ પ્રયત્નો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. ભાજપના તમામ નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ, સંત્રીઓ તમામ લોકો આ ચૂંટણીમાં પડ્યા. સ્થાનિક સુરતની ચૂંટણીઓમાં પોતાનો બાહુબલ, પોતાનો પાવર, પોતાના પૈસા અને પોતાની તમામ રાજકીય તાકાતનો ઉપયોગ આમ આદમી પાર્ટીની સામે કર્યો અને ગુજરાતના લોકોએ આ આખી ઘટના જોઈ છે અને એના આધારે મતદાન કર્યું છે. ઘણી જગ્યાએ મતદાનને પ્રભાવિત કરવાની કોશિશ કરવામાં આવી છે, મતદાનને પ્રભાવિત કરવા માટેના તમામ પ્રયાસો થયા છે, પરંતુ ભાજપની આ ડિસ્પરેશન અને બોખલાહટ જોઈને ગુજરાતના લોકોએ આગળ 2027માં આમ આદમી પાર્ટી મોટો વિકલ્પ બને એ માટે મતદાન કર્યું છે. આવતી કાલે અમને મોટી આશા છે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો લડે છે એમાં મોટા ભાગના ઉમેદવારો જીતીને આવશે.
’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે વારંવાર કોંગ્રેસ દ્વારા એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પાછળ કોઈ કેમિસ્ટ્રી છે, પરંતુ અમે બહોળી સીટો ઉપર લડતા હતા. છતાંય કોંગ્રેસે આ ચૂંટણીમાં જીતવા માટેની તાકાત લગાવવાને બદલે ભાજપને મદદરૂપ થવા જેવી રીતે ચૂંટણી લડી છે. એક તરફ ભાજપની સામે આમ આદમી પાર્ટી લડતી દેખાઈ અને કોંગ્રેસે હથિયાર ફેંકી દીધા. મને એવું લાગે છે કે આવા આરોપો લગાવી કોંગ્રેસ પોતાનો કોથળો બચાવવા માંગતી હોય તો એ બહુ દુઃખદ ઘટના કહેવાય. ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપની મળી-જુલી સરકાર વર્ષોથી ચાલે છે. આ વખતે પણ અમે ચેલેન્જ આપીએ છીએ કે જે જગ્યાએ અમારા ઉમેદવાર નથી ઊભા રહ્યા અને જ્યાં કોંગ્રેસ અને ભાજપની સામે-સામે ટક્કર છે, એ જગ્યાએ તમે જીતી બતાવો, એ જગ્યાએ તમને કેટલા વોટ મળે છે એ પણ આવતી કાલે જોવા મળશે.
’સાગરભાઈ રબારીએ આમ આદમી પાર્ટી છોડી’ આ સવાલનો જવાબ આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા બહુ સ્નેહી અને નિષ્ઠાવાન સાથીએ આમ આદમી પાર્ટીને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ખૂબ જ મોટો રોલ તેમણે પાર્ટીમાં નિભાવ્યો છે. ગઈકાલે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું, આ ચૂંટણીમાં સૌથી મોટી એમના ઉપર જવાબદારી હતી અને તમામ પક્ષની જવાબદારીઓ તેમણે નિષ્ઠાથી નિભાવી છે. તે પહેલાં પણ તેમણે ઘણી વખત પોતાનો મત રજૂ કર્યો છે. તેઓ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, લેખન સાથે સંકળાયેલા છે અને અનેક આંદોલનો સાથે સંકળાયેલા છે. એટલે તેમણે વારંવાર ઈચ્છા વ્યક્ત કરી હતી કે મને મારી જવાબદારીમાંથી થોડી મુક્તિ આપવામાં આવે. મને પૂરો ભરોસો છે કે તેમણે જે રીતે આ ચૂંટણી પછી નિર્ણય લીધો છે, પાર્ટીને નુકસાન ન જાય એની પણ તેમણે ધ્યાન રાખ્યું છે અને પોતે સામાજિક ક્ષેત્રમાં પોતાનું યોગદાન ચાલુ રાખવા માંગે છે. રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવાની એમની ઈચ્છા છે, તેથી તેમણે આ નિર્ણય લીધો છે. સાગરભાઈ જનતાનો અવાજ લઈને આવ્યા છે અને જનતાના પ્રશ્નોને લઈને ભાજપ અને સરકાર સામે લડ્યા છે. તો ભાજપમાં જોડાવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. તેઓ સામાજિક લેવલે પોતાનું કામ અને પોતાનું યોગદાન ગુજરાતને મળતું રહે એ માટે કાર્યરત રહેશે. તેઓ કોઈપણ પોલિટિકલ પાર્ટીમાં કંઈ બની જવા માટે નથી આવ્યા. આમ આદમી પાર્ટીમાં પણ તેઓ ધારાસભ્ય કે મંત્રી બનવા માટે નથી આવ્યા. આ લડાઈ મજબૂત થાય, રાજકીય વિકલ્પ મજબૂત થાય એ માટે આવ્યા છે અને એ માટે તેમણે સતત સંઘર્ષ કર્યો છે અને પોતાનું યોગદાન આપ્યું છે. તેથી બીજી પાર્ટીમાં જોડાવવાનો કોઈ સવાલ નથી.
આમ આદમી પાર્ટી ગુજરાત


