મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રતાપનગર ગામે મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું

પ્રતાપનગર ગામે મંત્રી ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું. સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે નાગરિકોને જાગૃત કરાયા.

પ્રતાપનગર ગામે મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું

રાજપીપલા :  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોની શ્રેણીમાં આજે નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રીશ્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજાઈ હતી.

મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ શિક્ષણ, આવક, જાતિ સહિતના વિવિધ દાખલાઓ અને સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને તાલુકા અને જિલ્લા કક્ષાએ જવું પડતું હતું, પરંતુ આજે જનકલ્યાણ શિબિર અને સેવાસેતુ જેવા કાર્યક્રમોના માધ્યમથી નાગરિકોને જરૂરી સેવાઓ અને દસ્તાવેજો ઘરઆંગણે ઉપલબ્ધ થઈ રહ્યા છે. જેના કારણે સામાન્ય નાગરિકોના સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર બચત થઈ રહી છે.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન દેશના સર્વાંગી વિકાસ સાથે જનકલ્યાણને કેન્દ્રસ્થાને રાખી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે તેમણે મા વાત્સલ્ય યોજના દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આરોગ્ય સુરક્ષા આપી હતી અને બાદમાં દેશના વડાપ્રધાન તરીકે આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકી દેશના કરોડો નાગરિકોને આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે. ગુજરાતના નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી રૂ. ૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ ઉપલબ્ધ બન્યું છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ પાત્ર નાગરિક સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે. તે માટે રાજ્ય સરકાર ગામે-ગામ જઈને સેવાઓ પહોંચાડી રહી છે અને જનકલ્યાણ શિબિરો એ સરકાર અને જનતા વચ્ચેનો મહત્વપૂર્ણ સેતુ બની રહી છે.

સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, શિક્ષણ એ દેશના વિકાસનો મજબૂત પાયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દીકરીઓના શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે સતત કાર્યરત રહ્યા છે. તેમણે વાલીઓને બાળકો અને ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા પ્રેરિત કર્યા હતા.

વધુમાં તેમણે વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે શિક્ષણ, સ્વરોજગાર, કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ઉપલબ્ધ તકોનો લાભ લેવા અપીલ કરી હતી. નર્મદા જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માટે ઉપલબ્ધ થયેલી સંસ્થાઓ અને નવી શિક્ષણ નીતિના લાભો અંગે પણ તેમણે વિગતવાર માહિતી આપી હતી.

નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, સેવાસેતુ અને જનકલ્યાણ શિબિર જેવા કાર્યક્રમો સરકારના લોકકેન્દ્રિત અભિગમના ઉત્તમ ઉદાહરણ છે. તેમણે નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તથા પોતાના વિસ્તારના પાત્ર લાભાર્થીઓને પણ માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો અને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા નાગરિકોને સ્થળ પર જ વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા એક્સ-રે વાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના માધ્યમથી મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.

આ પ્રસંગે ધારીખેડા સુગર ફેક્ટરી તથા દૂધધારા ડેરી-ભરૂચના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળા, પ્રાંત અધિકારી સુશ્રી પરશનજીત કૌર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય.એસ. ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી બિજુબેન વસાવા, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી રિનાબેન, પ્રતાપનગર ગામના સરપંચશ્રી દિનેશભાઈ વસાવા સહિત સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags: દર્શનાબેન દેશમુખ નર્મદા જિલ્લા સમાચાર ઈશ્વરસિંહ પટેલ સ્વચ્છ ભારત મિશન ગુજરાત જનજાગૃતિ અભિયાન ૧૨ વર્ષ વિશ્વાસના વિકાસના પ્લાસ્ટિક મુક્ત ભારત નાંદોદ તાલુકો પ્રતાપનગર ગામ સ્વચ્છતા અભિયાન

સંબંધિત સમાચાર