મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રતાપનગરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન: મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ

સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પ્રતાપનગર ખાતે કર્યું વૃક્ષારોપણ. પર્યાવરણ માટે સૌને સાથે જોડ્યા.

પ્રતાપનગરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન: મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ

રાજપીપલા : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોની શ્રેણીમાં આજે નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રીશ્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીને પ્રોત્સાહન આપતા અનેક અભિયાનો સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યા છે, જેમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન લોકોને વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડવાનું કાર્ય કરી રહ્યું છે.

મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, માત્ર વૃક્ષ વાવી દેવું પૂરતું નથી, પરંતુ તેનું જતન અને સંવર્ધન કરવું પણ એટલું જ જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાના પરિવારજનોના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની જવાબદારી સ્વીકારવી જોઈએ, જેથી પર્યાવરણ સુરક્ષિત રહે અને આવનારી પેઢીઓને સ્વસ્થ જીવન માટે અનુકૂળ વાતાવરણ મળી રહે.

કાર્યક્રમ દરમિયાન સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, ધારીખેડા સુગર ફેક્ટરી તથા દૂધધારા ડેરી, ભરૂચના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલે પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અને તેની સંભાળ રાખવાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળા, પ્રાંત અધિકારી સુશ્રી પરશનજીત કૌર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય.એસ. ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી બિજુબેન વસાવા, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી રિનાબેન, પ્રતાપનગર ગામના સરપંચશ્રી દિનેશભાઈ વસાવા સહિત સ્થાનિક આગેવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, ગ્રામજનો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags: વૃક્ષારોપણ અભિયાન એક પેડ માં કે નામ મનસુખભાઈ વસાવા દર્શનાબેન દેશમુખ પ્રતાપનગર નર્મદા ઈશ્વરસિંહ પટેલ નર્મદા જિલ્લા વિકાસ કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ ગુજરાત

સંબંધિત સમાચાર