મુખ્ય સામગ્રી પર જાઓ

રાજકોટમાં AAP ની પ્રેસ કોન્ફરન્સ: ખેડૂત આંદોલનની નિષ્ફળતા પાછળ કોંગ્રેસનું કપટ જવાબદાર

ખેડૂતોના આંદોલન નિષ્ફળ જવાની ઘટના પર AAP દ્વારા પુરાવા સાથે મોટો ખુલાસો. કોંગ્રેસ પર ગેરમાર્ગે દોરવાનો અને રાજકીય લાભ લેવાનો આરોપ. સંપૂર્ણ વિગતો વાંચો.

રાજકોટમાં AAP ની પ્રેસ કોન્ફરન્સ: ખેડૂત આંદોલનની નિષ્ફળતા પાછળ કોંગ્રેસનું કપટ જવાબદાર

અમદાવાદ : ખેડૂતોના આંદોલન મુદ્દે આજે આમ આદમી પાર્ટી દ્વારા પુરાવા સાથે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ અને ખેડૂત નેતા પંકજ રાણસરિયાએ રાજકોટ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે અમુક કારણોસર આજે અમારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલી ગેરમાહિતી અંગે સત્ય જનતા સમક્ષ મૂકવું જરૂરી બન્યું છે. અમારી આમ આદમી પાર્ટીની લડત ભાજપ સામે છે. અમે ભાજપની નીતિઓ અને સરકાર સામે પ્રશ્નો ઉઠાવવા માંગીએ છીએ. કોંગ્રેસ સાથે અમારી કોઈ લડાઈ નથી. પરંતુ છેલ્લા છેલ્લા ચાર-પાંચ દિવસથી કોંગ્રેસ સતત આમ આદમી પાર્ટી સામે ખોટા આક્ષેપો કરી રહી છે. તેથી આજે અમારે સત્ય શું છે, હકીકત શું છે, આંદોલન કોણે તોડ્યું અને કયા ખોટા નિર્ણયોના કારણે આંદોલન નિષ્ફળ ગયું તે અંગે પુરાવા સાથે વાત કરવી જરૂરી બની છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોને ગાંધીનગર કૂચનું એલાન આપ્યું હતું. ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગર સુધી જવાનું છે. પરંતુ મહત્વની વાત એ છે કે ગાંધીનગર સુધીની રેલી માટે જરૂરી પરવાનગી લેવામાં જ આવી નહોતી. આ એક વાસ્તવિક હકીકત છે. આજે કોંગ્રેસ ભૂલી ગઈ છે કે ગુજરાતમાં સત્તામાં કોણ છે. ખેડૂતોના પ્રશ્નો પર ભાજપનો વિરોધ કરવાની જગ્યાએ કોંગ્રેસ આમ આદમી પાર્ટીનો વિરોધ કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. ભાજપ સામે લડવાની જગ્યાએ તેઓ આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરવામાં સમય પસાર કરી રહ્યા છે. ખેડૂતોના હાઈ ટેન્શન લાઈન મુદ્દે શરૂ થયેલા આંદોલન દરમિયાન ખેડૂતોને ગાંધીનગર સુધી જવા દેવામાં આવ્યા નહોતા અને અમદાવાદમાં જ આંદોલન અટકી ગયું. આ કેમ બન્યું, તેના ચાર મહત્વના મુદ્દા છે. પ્રથમ મુદ્દો એ છે કે કોંગ્રેસે ખેડૂતોને ગાંધીનગર કૂચનું એલાન આપ્યું, પરંતુ ગાંધીનગર સુધીની પરવાનગી લીધી જ નહોતી. કોંગ્રેસે માત્ર ઓગણજ સુધીની રેલી માટે પરવાનગી લીધી હતી. જો પરવાનગી જ ન હોય તો આગળ જવા કોણ દે? આ માત્ર આક્ષેપ નથી. અમારી પાસે તેના પુરાવા છે. પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા આપવામાં આવેલી પરવાનગીના દસ્તાવેજોમાં સ્પષ્ટ લખેલું છે કે રેલી શાંતિપુરા સર્કલથી બોપલ સર્કલ, શિલજ સર્કલ, ભાડજ સર્કલ થઈને ઓગણજ સુધી જવાની હતી. ત્યારબાદ ત્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરવાનગીના દસ્તાવેજોમાં એ પણ ઉલ્લેખ છે કે જાહેર સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા હાજર રહેશે. એટલે સ્પષ્ટ છે કે કોંગ્રેસે ઓગણજ સુધીની જ રેલી અને ત્યાં સભા માટે પરવાનગી લીધી હતી, જ્યારે ખેડૂતોને ગાંધીનગર કૂચના નામે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે ખેડૂતોને સમજાયું કે તેમને ગાંધીનગર લઈ જવામાં આવવાના નથી અને કોંગ્રેસની સભામાં રોકવામાં આવી રહ્યા છે, ત્યારે તેમણે નારાજગી વ્યક્ત કરી. ખેડૂતોના પ્રશ્નોના જવાબમાં કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે ગાંધીનગર જવાની પરવાનગી મળી નહોતી.

’આપ’ નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતુ કે પ્રશ્ન એ છે કે જો પરવાનગી માગી જ ન હોય તો મળશે કેવી રીતે? જો કોંગ્રેસે ખરેખર ગાંધીનગર સુધી જવાની પરવાનગી માગી હોય અને સરકાર દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હોય, તો તે અંગેનો ’ના મંજૂરી' નો લેખિત પત્ર જનતા અને ખેડૂતો સમક્ષ રજૂ કરવો જોઈએ. જો પરવાનગી ન મળી હોય તો સરકારનો ના મંજૂરીનો પત્ર બતાવો. માત્ર મૌખિક દાવાઓથી કામ નહીં ચાલે. કોંગ્રેસે ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા હોય તો તે વાત સ્વીકારવી જોઈએ. ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયો હોય તો તેની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. ખોટા આક્ષેપો અને ભ્રામક નિવેદનો આપવાની જગ્યાએ કોંગ્રેસે હકીકતો જાહેર કરવી જોઈએ અને ખેડૂતો સમક્ષ સત્ય રજૂ કરવું જોઈએ. કોંગ્રેસના નેતાઓએ બાદમાં એવું કહેવાનું શરૂ કર્યું કે અમે તો માત્ર નાસ્તા માટે રોકાયા હતા. પરંતુ જ્યારે ખેડૂતો પ્રશ્ન પૂછવા લાગ્યા કે અહીં સ્ટેજ શા માટે બનાવવામાં આવ્યું છે? ખુરશીઓ શા માટે ગોઠવવામાં આવી છે? તો તેનો કોઈ યોગ્ય જવાબ તેમની પાસે નહોતો. જો માત્ર નાસ્તા માટે જ રોકાવાનું હતું તો પછી જાહેર સભાની પરવાનગી શા માટે લેવામાં આવી? કાગળ પર જાહેર સભાની મંજૂરી લેવામાં આવી હતી અને તેમાં કોંગ્રેસના નેતાઓના સંબોધનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સ્પષ્ટ પુરાવો છે કે ત્યાં માત્ર નાસ્તાનો કાર્યક્રમ નહોતો, પરંતુ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેડૂતોને સમજવાની જરૂર છે કે કોંગ્રેસે કેવી હદ સુધી તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતોના નામે આંદોલન ઊભું કરીને તેમનો ઉપયોગ કરવામાં આવ્યો. ખેડૂતોના ખભા પર બંદૂક રાખીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે પોતાની ભૂલો અને નિષ્ફળતાઓ સામે આવી, ત્યારે તેનો દોષ આમ આદમી પાર્ટી અને અન્ય લોકો પર ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે ખેડૂતો નારાજ થયા, વિરોધ વ્યક્ત કર્યો અને સવાલો પૂછવા લાગ્યા, ત્યારે કોંગ્રેસે સમગ્ર ઘટનાનો દોષ આમ આદમી પાર્ટી અને પંકજ રાણસરિયા પર નાખવાનો પ્રયાસ કર્યો. જાણે કોંગ્રેસને દિવસ-રાત માત્ર આમ આદમી પાર્ટી જ દેખાતી હોય. તમે ખેડૂતોને અગાઉથી કહ્યું હોત કે કોંગ્રેસની સભામાં જવાનું છે, કોંગ્રેસના ધ્વજ અને બેનરો સાથેનો કાર્યક્રમ છે, તો ખેડૂતો પોતાનો નિર્ણય લઈ શકતા. પરંતુ તેમને ગાંધીનગર કૂચના નામે બોલાવવામાં આવ્યા અને ઓગણજ પાસે જ રોકી દેવામાં આવ્યા. સ્વાભાવિક છે કે ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળે અને તેઓ સવાલો પૂછે. પંકજ રાણસરિયા સામે જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તે સંપૂર્ણપણે ખોટા છે. પંકજ રાણસરિયા કોઈ અચાનક કાર્યક્રમના દિવસે ઉપસ્થિત થયા નહોતા. તેઓ ખેડૂતોના સમર્થનમાં અને સહયોગ આપવા માટે રેલીમાં જોડાયા હતા. જ્યારે ખેડૂતોમાં અસંતોષ ફેલાયો અને તેઓ પ્રશ્નો પૂછવા લાગ્યા, ત્યારે પંકજ રાણસરિયા ખેડૂતોની બાજુમાં ઊભા રહ્યા. એક ખેડૂતપુત્ર તરીકે તેમણે ખેડૂતોની લાગણીઓ અને પ્રશ્નોને અવાજ આપ્યો. શું આ તેમનો ગુનો છે?

પ્રવીણ રામે વધુમાં જણાવ્યું કે પંકજ રાણસરિયા પાસે આ અંગેના વિડિયો પુરાવાઓ છે. તે વિડિયોમાં તેઓ કોંગ્રેસના નેતાઓને કહેતા જોવા મળે છે કે જો આ ખરેખર ખેડૂતોનો કાર્યક્રમ છે તો કોંગ્રેસના ધ્વજ અને બેનરો હટાવી લો. પરંતુ કોંગ્રેસના નેતાઓએ એવું કર્યું નહીં. જો ખેડૂતોનો કાર્યક્રમ બગાડવાનો ઈરાદો ન હોત તો ખેડૂતોની આ માંગણી સ્વીકારી લેવામાં આવી હોત. આથી સ્પષ્ટ થાય છે કે કાર્યક્રમમાં વિવાદ અને ગૂંચવણ ઊભી થવા માટે જવાબદાર કોણ હતું. મારી કોંગ્રેસને એક જ સલાહ છે કે આમ આદમી પાર્ટીનો વિરોધ કરવાને બદલે ભાજપનો વિરોધ કરો. ભાજપ સામે લડો. છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે. ખેડૂતો, યુવાનો અને સામાન્ય જનતાના પ્રશ્નો સામે લડવાની જરૂર છે. આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી છે પરંતુ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરતી રહી છે. અમે ખેડૂતોના હક્ક માટે ૧૦૮ દિવસ સુધી જેલવાસ પણ ભોગવ્યો છે. કોંગ્રેસના કેટલા નેતાઓએ ખેડૂતો માટે આવો ત્યાગ કર્યો છે ? કોંગ્રેસે હજુ પણ સમય રહેતાં સમજવું જોઈએ કે અમારો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી. અમે સત્તામાં નથી. ગુજરાતમાં સત્તા ભાજપની છે. જો વિરોધ કરવો હોય તો ભાજપનો કરો, કારણ કે રાજ્યની જવાબદારી તેમની છે, આમ આદમી પાર્ટીની નહીં. જો ખરેખર લડાઈ લડવી હોય તો ભાજપ સામે લડો. અમે તો અમારી લડાઈ ચાલુ રાખવાના છીએ. સંપૂર્ણ તાકાત સાથે લડવાના છીએ. ગુજરાતના ખેડૂતોના હક્ક અને ન્યાય માટે લડવાના છીએ. આવનારી ૨૭ તારીખે સુરેન્દ્રનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવવા માટે પણ અમે સતત સંઘર્ષ કરતા રહીશું. એક મહત્વનો પ્રશ્ન એ છે કે ૧૪ તારીખે જ્યારે રેલી માટે પરવાનગી મળી ગઈ હતી, ત્યારે ગુજરાતના ખેડૂતોને સાચી માહિતી કેમ આપવામાં આવી નહીં? તેમને એ કેમ ન જણાવાયું કે પરવાનગી માત્ર ઓગણજ સુધીની જ છે અને ગાંધીનગર સુધીની નથી? ખેડૂતોને અંધારામાં કેમ રાખવામાં આવ્યા? આ એવા પ્રશ્નો છે જેના જવાબ આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતો કોંગ્રેસ પાસે ચોક્કસપણે માંગશે. ગુજરાતના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. આંદોલન તૂટવા પાછળ તમારી ભૂલો, તમારી લાલચ અને તમારી કપટપૂર્ણ રાજનીતિ જવાબદાર છે. ગુજરાતના ખેડૂતો સાથે જે વિશ્વાસઘાત થયો છે, તેનો જવાબ આવનારા દિવસોમાં ખેડૂતો ચોક્કસ માંગશે.

આ તકે આમ આદમી પાર્ટી અને ખેડૂત નેતા પંકજ રાંસરિયાએ જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છે કે ફેબ્રુઆરી મહિનાની બીજી તારીખે ખેડૂતોની પહેલી રેલીનું આયોજન પાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીની ટીમે ખેડૂતોના હિત માટે સતત સહયોગ આપ્યો છે. ૨ ફેબ્રુઆરીના રોજ મોરબી સુધી જે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં પંકજ રાણસરિયા અને અમારી સમગ્ર ટીમ ખેડૂતોની સાથે ખભે-ખભો મિલાવીને જોડાઈ હતી. પાલભાઈએ હંમેશા ખેડૂતોના અધિકાર માટે સ્પષ્ટ રીતે કામ કર્યું છે, અને અમે પણ તેમની સાથે સંપૂર્ણ સહકાર આપ્યો છે. આ રેલી દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતોના અધિકાર માટે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. જોકે મોરબીથી ત્રણ કિલોમીટર દૂર એક વિસ્તારમાં પોલીસ દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું અને ત્યાં જ ખેડૂતોને અટકાવવામાં આવ્યા હતા. આ સમયે પણ ખેડૂતો સાથે અન્યાય થયો હતો. ત્યારબાદ કલેક્ટર કચેરી તરફ આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિને કારણે રેલી આગળ વધી શકી નહોતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓ માત્ર થોડા સમય માટે હાજર રહ્યા હતા અને ત્યારબાદ તેઓ કલેક્ટર સાહેબને મળવા માટે ગયા હતા. જ્યારે ખેડૂતો સ્થળ પર જ રહ્યા અને પોતાની માંગો માટે અવાજ ઉઠાવતા રહ્યા. આ સમગ્ર ઘટનામાં ખેડૂતોના હિતને અવગણવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થાય છે. પછીના તબક્કામાં, જેતપર ગામમાં ૧૫ તારીખના કાર્યક્રમ માટે આમંત્રણ આપવા માટે અમે અને અમારી ટીમ વિવિધ ગામોમાં ગયા હતા. આ કાર્યક્રમ ખેડૂતોના હિતમાં આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમાં સ્થાનિક સ્તરે પણ વ્યાપક સહયોગ મળ્યો હતો. અમે સ્પષ્ટપણે જણાવવા માંગીએ છીએ કે છેલ્લા ચાર મહિનાથી અમારી ટીમ ખેડૂતોના પ્રશ્નોને લઈને સતત મેદાનમાં રહી છે. દરેક કાર્યક્રમમાં ખેડૂતો સાથે ખભે-ખભો મિલાવીને કામ કરવામાં આવ્યું છે. તમામ દાવાઓ અને આક્ષેપો સામે અમારી પાસે પૂરતા પુરાવા ઉપલબ્ધ છે. મારું નામ લઈને પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા ખોટી રજૂઆત કરવામાં આવી રહી છે, જ્યારે મારી કોઈ સીધી ભૂમિકા ન હોવા છતાં મારું નામ મીડિયામાં અને નિવેદનોમાં ઉલ્લેખવામાં આવી રહ્યું છે. જ્યારે રેલીનું વિસર્જન થયું ત્યારબાદ મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે પણ પાલભાઇ આંબલિયાએ મારું નામ લેવામાં સંકોચ અનુભવ્યો અને આસપાસ ઊભેલા લોકોને પૂછ્યા બાદ મારું નામ લેવામાં આવ્યું.

હું અહીં સ્પષ્ટતા કરવા માંગું છું કે પાલભાઈને મારો એક પ્રશ્ન છે. જેતપર ગામ અને આસપાસના ગામડાઓમાંથી જે ખેડૂતો આવ્યા હતા, તેઓને સ્વામિનારાયણ ગુરુઓના સ્થળે રાત્રિ રોકાણ આપવામાં આવ્યું હતું. ત્યાંથી આ ખેડૂતોને સવારે ૩:૩૦ થી ૪:૦૦ વાગ્યા વચ્ચે નીકળવાનું આયોજન હતું, જેથી તેઓ સવારે ૯:૩૦ વાગ્યા સુધીમાં શાંતિપુરા સર્કલ પહોંચી શકે.પરંતુ હકીકત એ છે કે સ્વામિનારાયણ મંદિર પરિસરમાંથી ખેડૂતોને સમયસર બહાર નીકળવા દેવામાં આવ્યા નહોતા. ખેડૂતોને ત્યાં જ રોકી રાખવામાં આવ્યા અને તેઓને લગભગ સવારે ૯:૩૦ વાગ્યા સુધી ત્યાંથી નીકળવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ બાબત અંગે મારી પાસે વિડિયો પુરાવા પણ છે, જેમાં કોંગ્રેસના કેટલાક આગેવાનો પોતે સ્વીકારતા જોવા મળે છે કે ખેડૂતોને સવારે ૩:૩૦ વાગ્યે નીકળવાનું હતું, પરંતુ તેમને સમયસર બહાર નીકળવા દેવામાં આવ્યા નહોતા. આ સમગ્ર ઘટનામાં ખેડૂતોને પાછળ રાખવામાં આવ્યા અને તેમના કાર્યક્રમની ગતિ રોકવામાં આવી. આ અંગે કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા આપવામાં આવવી જોઈએ કે ખેડૂતોને સમયસર કેમ બહાર ન નીકળવા દેવામાં આવ્યા. અમે કોંગ્રેસ પાસેથી આ પ્રશ્નોના જવાબ માંગીએ છીએ અને ખેડૂતોને થયેલી અસુવિધા અંગે સત્ય જનતા સમક્ષ મૂકવામાં આવે તેવી માંગ કરીએ છીએ. શાંતિપુરા સર્કલ પર અલગ-અલગ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. હું પણ ખેડૂતનો દીકરો તરીકે સવારે નવ વાગ્યાના આસપાસ ત્યાં પહોંચી ગયો હતો. ત્યારબાદ સાડા દસથી અગિયાર વાગ્યાના સમય દરમિયાન અચાનક કોંગ્રેસના પ્રદેશના કેટલાક હોદેદારો અને નેતાઓ કોંગ્રેસના ખેસ પહેરીને સ્થળ પર પહોંચ્યા. આ સમગ્ર આંદોલન શરૂઆતમાં કોંગ્રેસનું છે તેની જાણ ખેડૂતોને નહોતી. સ્થળ પર હાજર ઘણા લોકો એવા હતા કે જે ખેડૂતના પ્રતિનિધિ તરીકે અને ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ પણ ખેડૂતોના હિત માટે હાજર હતા. પરંતુ ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ દ્વારા પરિસ્થિતિને પોતાના પક્ષ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને કાર્યક્રમને કોંગ્રેસનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન થયો. હું પણ ખેડૂતના દીકરા તરીકે ત્યાં હાજર હતો અને ખેડૂતોના હિતમાં આંદોલનને સમર્થન આપવા આવ્યો હતો, કોઈ પાર્ટીની સભામાં ભાગ લેવા માટે નહીં. મેં પોતે કોંગ્રેસના કેટલાક નેતાઓને વિનંતી કરી હતી કે જો આ ખરેખર ખેડૂતોનું આંદોલન છે તો સ્ટેજ પર લગાવવામાં આવેલા કોંગ્રેસના બેનર અને ઝંડા હટાવી દેવામાં આવે, જેથી ખેડૂતો નિષ્પક્ષ રીતે પોતાનો કાર્યક્રમ આગળ લઈ જઈ શકે. મેં હાથ જોડીને પણ વિનંતી કરી હતી કે ખેડૂતોની એકતાને તોડવાનો પ્રયાસ ન કરવામાં આવે. પરંતુ આ વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો અને પરિસ્થિતિને વધુ રાજકીય રંગ આપવામાં આવ્યો. મારી પાસે એવો વિડિયો પણ છે જેમાં હું સ્પષ્ટ રીતે કહેતો જોવા મળે છું કે જો કોંગ્રેસના બેનર અને ઝંડા હટાવી દેવામાં આવે તો ખેડૂતો કાર્યક્રમમાં જોડાઈ શકે છે અને શાંતિપૂર્ણ રીતે પોતાની વાત આગળ રાખી શકે છે. છતાં પણ આ બાબતને અવગણવામાં આવી. આ ઘટનામાં સ્પષ્ટ થાય છે કે ખેડૂતોના આંદોલનને રાજકીય રંગ આપવા અને તેની દિશા બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખેડૂતોને સાચી માહિતી આપવામાં આવી નહીં અને તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સવારે મીડિયા બાઈટમાં પણ એવું દર્શાવવામાં આવ્યું કે ખેડૂતો અહીંથી ગાંધીનગર તરફ જશે, જ્યારે હકીકતમાં ખેડૂતોને સંપૂર્ણ માહિતી આપવામાં આવી નહોતી. કોંગ્રેસના પ્રતિનિધિમંડળને પહેલેથી જ જાણ હતી કે ખેડૂતોને ગાંધીનગર લઈ જવાનું નથી, પરંતુ છતાં પણ ખેડૂતોને અંધારામાં રાખવામાં આવ્યા.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ખેડૂત આંદોલન ગુજરાત પ્રવીણ રામ AAP સુરેન્દ્રનગર કિસાન મહાપંચાયત આમ આદમી પાર્ટી (AAP) ખેડૂત આંદોલન કોંગ્રેસ વિરુદ્ધ AAP ખેડૂત આંદોલન ઓગણજ જાહેર સભા મંજૂરી ગુજરાત ખેડૂત સમાચાર ખેડૂત ગાંધીનગર કૂચ વિવાદ પંકજ રાણસરિયા

સંબંધિત સમાચાર