મુખ્ય સામગ્રી પર જાઓ

રેલવે પ્રશાસન વિશેષ: હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શનમાં યાત્રી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા

ઉત્તર પશ્ચિમ રેલવે અને પશ્ચિમ રેલવેના સંકલનથી પ્રવાસન અને પરિવહનને વેગ આપવાની દિશામાં મહત્વના પગલાં.

રેલવે પ્રશાસન વિશેષ: હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શનમાં યાત્રી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે દ્વારા આજે તા. 11.08.2026ના રોજ અમદાવાદ મંડળના હિંમતનગર-ખેડબ્રહ્મા રેલખંડનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ દરમિયાન અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિરીક્ષણ દરમિયાન મહાપ્રબંધકે રેલ પરિચાલનની સુરક્ષા, યાત્રી સુવિધાઓ, રેલવેની સંપત્તિઓની જાળવણી તેમજ વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી.

મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ દ્વારા તેમનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મહાપ્રબંધક અને મંડળ રેલ પ્રબંધકે હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન સુધી વિન્ડો ટ્રેલિંગ દ્વારા રેલખંડનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ, પોઈન્ટ્સ અને ક્રોસિંગ્સ સહિત વિવિધ માળખાગત સુવિધાઓનું વિગતવાર અવલોકન કર્યું. તેમણે રેલપથની સ્થિતિ, પરિચાલન કાર્યક્ષમતા તેમજ સંરક્ષા માપદંડોનું મૂલ્યાંકન કરીને સંબંધિત અધિકારીઓને સંરક્ષા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપી. સાથે જ, રેલખંડ પર યાત્રી સુવિધાઓ તેમજ સુરક્ષિત અને સુચારુ રેલ પરિચાલન માટે જરૂરી વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવી.

ખેડબ્રહ્મા સ્ટેશન પર નિરીક્ષણ અને તિરંગા યાત્રા

ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે અને મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કર્યું. આ દરમિયાન સ્ટેશન પરિસર, યાત્રી સુવિધાઓ, પ્લેટફોર્મ, સ્વચ્છતા, પરિચાલન વ્યવસ્થા તેમજ યાત્રીઓની સુવિધા માટે ઉપલબ્ધ વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી.

ત્યારબાદ મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે અને મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે ખેડબ્રહ્મા સ્ટેશન ખાતે તિરંગા યાત્રામાં સહભાગી થયા. તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રત્યે સમર્પણનો સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત રેલવે અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી.

ધરોઈ પર્યટન વિકાસ પરિયોજના અને ખેડબ્રહ્મા-અંબાજી રેલ પરિયોજના અંગે ચર્ચા

મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે દ્વારા ધરોઈ પર્યટન વિકાસ પરિયોજનાના સંદર્ભમાં રાજ્ય પ્રશાસન તેમજ ઉત્તર પશ્ચિમ રેલવે (NWR)ના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. બેઠક દરમિયાન વિસ્તારમાં પર્યટનના વિકાસ, રેલવે કનેક્ટિવિટી તેમજ સંબંધિત માળખાગત સુવિધાઓના સંકલિત વિકાસ સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી.

આ સાથે જ ખેડબ્રહ્મા-અંબાજી નવી રેલવે લાઇનના ફાઇનલ લોકેશન સર્વે (FLS) સંબંધિત કામગીરી તેમજ પ્રસ્તાવિત રેલવે કનેક્ટિવિટીના સંબંધમાં રાજ્ય પ્રશાસન અને સંબંધિત અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી. મહાપ્રબંધકે પરિયોજના સાથે સંકળાયેલા વિવિધ તકનીકી અને વહીવટી પાસાઓની માહિતી મેળવી તથા જરૂરી સંકલન સાથે કામગીરીને આગળ વધારવા પર ભાર મૂક્યો.

વિજાપુરમાં સ્થાનિક વેપારીઓ સાથે બેઠક

મહાપ્રબંધકે વિજાપુર ખાતે સ્થાનિક વેપારીઓ અને હિતધારકો સાથે બેઠક પણ યોજી. બેઠક દરમિયાન રેલવે સંબંધિત સ્થાનિક જરૂરિયાતો, વેપારી પ્રવૃત્તિઓ, માલ પરિવહન તેમજ મુસાફરોની સુવિધાઓ સાથે સંકળાયેલા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી. મહાપ્રબંધકે સ્થાનિક વેપારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સૂચનો અને મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી અને સંકલન માટે સૂચનાઓ આપી.

Tags: news portal Gujarat Indian railway development news regional political news North Western Railway NWR Gujarat projects ઉત્તર પશ્ચિમ રેલ્વે NWR ગુજરાત પ્રોજેક્ટ્સ પ્રાદેશિક રાજકીય સમાચાર ન્યૂઝ પોર્ટલ ગુજરાત ભારતીય રેલ્વે વિકાસ સમાચાર

સંબંધિત સમાચાર