મુખ્ય સામગ્રી પર જાઓ

શાળા પ્રવેશોત્સવ-2026: નર્મદા જિલ્લા કલેક્ટરના હસ્તે 85 બાળકોનો થયો શાળા પ્રવેશ

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ગંગાસિંઘની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ-2026 યોજાયો. 85 બાળકોને શાળા પ્રવેશ કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી.

શાળા પ્રવેશોત્સવ-2026: નર્મદા જિલ્લા કલેક્ટરના હસ્તે 85 બાળકોનો થયો શાળા પ્રવેશ

રાજપીપલા:  રાજ્યવ્યાપી આયોજિત "શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ ના ત્રીજા દિવસે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘે ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ નવપ્રવેશી બાળકોનું કુમકુમ તિલક કરી, તથા શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ બાળકના શૈક્ષણિક જીવનની નવી શરૂઆતનો આનંદોત્સવ છે. શાળાના પ્રથમ દિવસે બાળકોનું ઉત્સવમય વાતાવરણમાં સ્વાગત કરવામાં આવે છે, જે ક્ષણો તેમના જીવનભર યાદગાર બની રહે છે. શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જે તેમને જ્ઞાન, સંસ્કાર અને જીવનમૂલ્યો દ્વારા ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે.

તેમણે વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, પોતાના બાળકો નિયમિત રીતે શાળાએ જાય છે કે નહીં તેની સતત કાળજી રાખવી અત્યંત જરૂરી છે. બાળકોના પાયાના શિક્ષણને મજબૂત બનાવવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. શિક્ષણનો મજબૂત પાયો બાળકના વ્યક્તિત્વ વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી વાલીઓ, શિક્ષકો અને સમાજના સહિયારા પ્રયાસોથી જ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્તમ સંસ્કાર આપી શકાય છે.

જિલ્લા કલેકટરશ્રીએ ગરુડેશ્વર તાલુકાની ગરુડેશ્વર પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના ૧૩, બાલવાટિકાના ૦૫ અને ધોરણ-૧ના ૧૭ બાળકોને જ્યારે ખડગદા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના ૦૫, બાલવાટિકાના ૧૪ અને ધોરણ-૧ના ૨૪ બાળકોને તેમજ તિલકવાડા તાલુકાની સુરવા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના ૦૧, બાલવાટિકાના ૦૩ અને ધોરણ-૧ના ૦૩ બાળકોને કુમકુમ તિલક કરી, તથા શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રી ગંગાસિંઘે શાળા વ્યવસ્થાપન સમિતિ (એસ.એમ.સી.) ના અધ્યક્ષશ્રી અને સભ્યો સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન શાળાના સર્વાંગી વિકાસ, ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, વિદ્યાર્થીઓને મળતી વિવિધ સુવિધાઓ તેમજ અન્ય જરૂરી પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાળકોને પ્રેરણાદાયી સંદેશ પાઠવવામાં આવ્યો હતો, જે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌના સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓએ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને પ્રેરણાદાયી વિષયો પર અસરકારક વક્તવ્ય રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કાર્યક્રમના અંતે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારી શ્રી આઈ.જી.પટેલ, લાયઝન અધિકારીશ્રી મેહુલભાઈ, સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રી, એસ.એમ.સી.ના અધ્યક્ષશ્રી અને સભ્યોશ્રીઓ, ગામના અગ્રણીશ્રીઓ, વડીલો તથા આગેવાનો, ગ્રામજનો, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags: કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ 2026 એસ.એમ.સી. (SMC) નર્મદા ગરુડેશ્વર તાલુકા પ્રાથમિક શાળા ગંગાસિંઘ જિલ્લા કલેક્ટર નર્મદા જિલ્લા શિક્ષણ તિલકવાડા પ્રાથમિક શાળા

સંબંધિત સમાચાર