અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરિયાએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સરકાર દ્વારા ટ્રિપલ એન્જિન સરકાર, મહિલા સુરક્ષા અને સલામત ગુજરાતના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં મહિલાઓ આજે પણ અસુરક્ષિત અનુભવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે ભાજપના નેતાઓ મહિલા સુરક્ષા અને સલામત ગુજરાતની વાતો કરે છે તેમજ વિધાનસભામાં મહિલાઓ માટે મોટા ફંડ અને બજેટ ફાળવવાના દાવા કરવામાં આવે છે.
છેલ્લા પાંચ વર્ષમાં મહિલા સુરક્ષા માટે ૨૫,૯૬૮ કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે, જેમાં મહિલા હેલ્પલાઇન 181 અને પોલીસ સ્ટેશનોમાં મહિલા ડેસ્ક જેવી વ્યવસ્થાઓની વાતો કરવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે મોટો પ્રશ્ન છે. તેમણે સવાલ કર્યો હતો કે ગુજરાતનું એવું કયું ગામ, શહેર, જિલ્લો કે વિસ્તાર છે જ્યાં મહિલાઓ અડધી રાત્રે પણ નિર્ભયતાથી ફરી શકે? પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ૧૬ લાખથી વધુ મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બની છે અને ૫૦ હજારથી વધુ મહિલાઓના અપહરણના ગુનાઓ નોંધાયા છે.
તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૪ના NCRBના આંકડાઓ મુજબ ૬૬૧ મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બની છે. તેમણે જણાવ્યું હતું કે દુષ્કર્મ જેવી ઘટનાઓ માત્ર આંકડા નથી પરંતુ મહિલાઓની પીડા છે, છતાં ભાજપના નેતાઓ સલામત ગુજરાતના દાવાઓ કરે છે. તેમણે સવાલ કર્યો હતો કે શું ભાજપના નેતાઓના ઘરે બહેન-દીકરીઓ નથી કે મહિલાઓ સાથે આવી ગંભીર ઘટનાઓ બનતી હોવા છતાં તેઓ સુરક્ષાના દાવા કરે છે..?
AAP નેતા પાયલ સાકરિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ મોટા પોલીસ પ્રોટેક્શન સાથે ફરે છે તેથી સામાન્ય મહિલાઓની અસુરક્ષા શું હોય છે તે તેઓ સમજી શકતા નથી. તેમણે જણાવ્યું હતું કે જે પોલીસ અને તંત્રનો ઉપયોગ વિપક્ષી નેતાઓ પર નજર રાખવા અને તેમને પકડવા માટે કરવામાં આવે છે, તે જ તંત્રનો ઉપયોગ મહિલાઓની સુરક્ષા માટે થયો હોત તો આજે મહિલાઓ ખરા અર્થમાં સુરક્ષિત હોત. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં લોકો ગુંડાઓ, લફંગાઓ, ડ્રગ્સ સેવનારા લોકો જેટલો જ ડર પોલીસથી પણ અનુભવે છે અને સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશનમાં એકલા જઈ ફરિયાદ નોંધાવી શકે તેવી સ્થિતિ નથી.
તેમણે મહિલા ડેસ્કની વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મહિલાઓને સુરક્ષા અને વિશ્વાસ આપવાના દાવા થાય છે, પરંતુ મહિલાઓ હજુ પણ ભયમાં જીવે છે. પાયલ સાકરિયાએ ભાજપના મહિલા મોરચા અને સરકારમાં બેઠેલી મહિલાઓને સવાલ કર્યો હતો કે દહેજ, દુષ્કર્મ અને મહિલાઓ સામેની ગંભીર ઘટનાઓ સામે તેઓ કેમ મૌન છે અને મહિલાઓ માટે યોગ્ય વ્યવસ્થા ક્યારે ઉભી કરવામાં આવશે? તેમણે જણાવ્યું હતું કે મહિલાઓની સહનશક્તિની પણ એક હદ હોય છે અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે નારી શક્તિને પડકારવામાં આવી છે ત્યારે મહિલાઓએ પોતાની શક્તિ બતાવી છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો મહિલા સુરક્ષા માટે કડક કાયદો અને તેનું કડક અમલીકરણ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી મહિલા મોરચો સરકારમાં બેઠેલા મંત્રીઓના ઘરે જઈને મહિલા સુરક્ષા અંગે જવાબ માંગશે અને જવાબ મેળવ્યા વગર પાછા નહીં ફરે.