મુખ્ય સામગ્રી પર જાઓ

શાંતિનું શહેર સુરત હવે ક્રાઇમ સિટી? સુરક્ષા વ્યવસ્થા પર ધર્મેશ ભંડેરીએ ઉઠાવ્યા ગંભીર સવાલો

સુરત શહેર સુરક્ષા મામલે દેશમાં બીજા નંબરે અસુરક્ષિત? છેલ્લા એક મહિનામાં 19થી વધુ હત્યાઓએ સુરતીઓમાં ફફડાટ પેદા કર્યો છે. ધર્મેશ ભંડેરીએ ગૃહમંત્રીના હોમટાઉનમાં કથળતી કાયદો-વ્યવસ્થા અને વધતા ડ્રગ્સના દૂષણ પર આકરા પ્રહાર કર્યા છે. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

શાંતિનું શહેર સુરત હવે ક્રાઇમ સિટી? સુરક્ષા વ્યવસ્થા પર ધર્મેશ ભંડેરીએ ઉઠાવ્યા ગંભીર સવાલો

સુરત : સુરત શહેરમાં વધતા ક્રાઇમને લઇને આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સુરત શહેર, જ્યાં ત્રણ દાયકા કરતાં વધુ સમયથી એક જ પક્ષની સરકાર છે, તે ગુજરાતનું સૌથી મજબૂત અને સૌથી સુરક્ષિત ગણાતું શહેર હતું. પરંતુ આજે આપણે સૌ સુરતીઓ એવા શહેરમાં રહી રહ્યા છીએ જે દેશની સૌથી વધુ અસુરક્ષિત શહેરોની યાદીમાં બીજા નંબરે આવી ગયું છે. જે શહેરમાં વર્ષોથી લોકો શાંતિ અને સલામતીનો અનુભવ કરતા હતા, તે શહેર આજે એટલું અસુરક્ષિત બની ગયું છે કે છેલ્લા એક મહિનામાં 19 કરતાં વધુ હત્યાઓ બની છે અને સરેરાશ દર 48 કલાકે એક હત્યા થઈ રહી છે. આપણે સૌ એક આશા સાથે જીવીએ છીએ કે આપણે સલામત છીએ, પરંતુ આજે એ સુરત શહેરની વાસ્તવિકતા બદલાઈ ગઈ છે, અને નવાઈની વાત એ છે કે આ જ શહેરના ધારાસભ્ય ગૃહમંત્રી છે અને કેન્દ્રિય મંત્રીનું હોમટાઉન પણ આ જ શહેર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ નશાખોરી, ડ્રગ્સ, ગાંજો અને દારૂનો વધતો પ્રભાવ છે, જે હવે લોકોની અંદર ઊંડે સુધી ઘૂસી ગયો છે. આ નશાનું દૂષણ એટલુ વધી ગયુ છે કે ગુનાઓ અને હત્યાઓ સુધી લોકોને લઈ જઈ રહ્યું છે. પહેલા લોકો માટે ગાંજો અને ડ્રગ્સ અજાણ્યા હતા, પરંતુ આજે તે સમાજની ગલીઓથી લઈને વિદ્યાર્થીઓની બેગ સુધી પહોંચી ગયું છે, અને તેના કારણે ગંભીર ગુનાઓ વધી રહ્યા છે. 

’આપ’ નેતા ધર્મેશ ભંડેરીએ વધુમાં કહ્યું હતું કે આ હત્યાઓ પાછળનું મૂળ કારણ નશો છે અને તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. આ પરિસ્થિતિને સમજવી પડશે અને સ્વીકારવું પડશે કે આ પાછળનું વાસ્તવિક કારણ શું છે, કારણ કે નશાનો પ્રભાવ સમાજને અંદરથી ખોખલો બનાવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ કારણ કે લાંબા સમયના શાસન છતાં સુરત જે સૌથી સુરક્ષિત શહેર ગણાતું હતું તે આજે અસુરક્ષિત શહેરોમાં બીજા નંબરે આવી ગયું છે. ગૃહમંત્રીએ આ મુદ્દે જવાબ આપવો જોઈએ અને દરેક નાગરિકે પોતાના પ્રતિનિધિઓને પ્રશ્ન પૂછવો જોઈએ કે આપણું શહેર આટલું અસુરક્ષિત કેવી રીતે બની ગયું અને તેની જવાબદારી કોણ લેશે? તેમણે કહ્યું હતું કે ગુનેગારોમાં પોલીસનો ડર ઘટી ગયો છે અને સામાન્ય માણસમાં ભયનો માહોલ વધી ગયો છે. જો પરિસ્થિતિ એવી હોય કે સામાન્ય માણસ ડરે અને ગુનેગારો નિર્ભય બને, તો તે ગંભીર ચિંતાનો વિષય છે અને દરેક પરિવાર માટે સુરક્ષા અંગે પ્રશ્ન ઊભો કરે છે. જ્યાં આટલી અસલામતી છે ત્યાં આપણે સૌએ આપણા આત્માને પૂછવું પડશે કે આની પાછળ ખરેખર જવાબદાર કોણ છે? આપણા ગૃહમંત્રીએ પણ જવાબ આપવો પડશે કે આટલી હત્યાઓ થવા પાછળ કારણ શું છે? શું આ સરકારની નિષ્ફળતા છે, બેદરકારી છે કે સરકાર જ જવાબદાર છે, તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી (AAP) આમ આદમી પાર્ટી ગુજરાત આમ આદમી પાર્ટી મહિલા મોરચો ગુજરાત સુરત ધર્મેશ ભંડેરી

સંબંધિત સમાચાર