સાવરકુંડલા પંથક માટે આજે ઐતિહાસિક અને ગૌરવનો દિવસ સાબિત થયો. ગુજરાત સરકારના માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના વરદહસ્તે કુલ રૂ. 57.60 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.
આ પ્રસંગે રૂ. 55 કરોડના ખર્ચે નિર્માણ પામનારી જિલ્લા કક્ષાની અદ્યતન સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યારે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા જૂના સાવર તથા આંબરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નવા ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ ત્રણેય પ્રકલ્પો પૂર્ણ થતાં સાવરકુંડલા તથા સમગ્ર પંથકના હજારો પરિવારોને પોતાના વિસ્તાર નજીક જ વધુ સુવિધાસભર, આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યના દરેક નાગરિક સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પણ આધુનિક હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો અને તબીબી સુવિધાઓનું મજબૂત નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે, જેથી સામાન્ય નાગરિકોને સારવાર માટે દૂર સુધી જવું ન પડે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે,
“ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વિધાનસભાના મારા પ્રથમ સત્રમાં સાવરકુંડલાને જિલ્લા કક્ષાની આધુનિક સિવિલ હોસ્પિટલ મળે તેવી મેં પ્રથમ રજૂઆત કરી હતી. આજે તે સંકલ્પ સાકાર થતો જોઈને અત્યંત સંતોષ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ માત્ર એક ઇમારત નથી, પરંતુ હજારો પરિવારોના જીવનની સુરક્ષા અને વિશ્વાસનું પ્રતિક છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે નવી સિવિલ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર યુનિટ, બાળકો માટે અત્યાધુનિક ICU, મલ્ટી-સ્પેશિયાલિટી સારવાર સહિતની આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે સમગ્ર વિસ્તારના દર્દીઓને જીવનરક્ષક સારવાર પોતાના વિસ્તારમાં જ મળી શકશે.
ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે,
“આરોગ્યની આ અવિરત સેવા જ્યોત વર્ષો સુધી પ્રજ્વલિત રહેશે અને અસંખ્ય માનવજીવનને નવી આશા આપતી રહેશે.”
શ્રી કસવાલાએ આ ઐતિહાસિક વિકાસકાર્ય માટે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તત્કાલીન આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા વર્તમાન આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના સહયોગ અને સંવેદનશીલ અભિગમના કારણે સાવરકુંડલા વિસ્તારનું વર્ષો જૂનું સ્વપ્ન આજે સાકાર બની રહ્યું છે.
તેમણે અંતમાં ખૂબ જ હૃદયસ્પર્શી સંદેશ આપતાં જણાવ્યું હતું કે,
“હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપણા સમગ્ર વિસ્તારની જનતા હંમેશા સ્વસ્થ, નિરોગી અને સુખી રહે. કોઈને પણ આ હોસ્પિટલની જરૂરિયાત ન પડે એ જ અમારી શુભેચ્છા છે. પરંતુ જો જીવનમાં ક્યારેય એવી પરિસ્થિતિ સર્જાય, તો આપણા પોતાના વિસ્તારમાં માનવજીવન બચાવવા માટે આધુનિક આરોગ્ય મંદિર તરીકે આ હોસ્પિટલ હંમેશા તૈયાર રહેશે. આ માત્ર હોસ્પિટલ નથી, પરંતુ માનવસેવા, કરુણા અને જીવન બચાવવાના સંકલ્પનું પવિત્ર સ્થાન છે.”
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી,દક્ષાબેન ચોડવડીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દક્ષાબેન મહીડા, નગરપાલિકાના પ્રમુખશ્રી નયનાબેન કાપડીયા,બાધકામ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પાનસુરિયા,આરોગ્ય સમિતિના ચેરમેન પ્રતિનિધિ પ્રદીપભાઈ ભાખર,ડેનીભાઈ પરમાર ચેરમેન સામાજિક ન્યાય સમિતિ,જીલ્લા મહામંત્રીશ્રી, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
એક જ દિવસે ત્રણ સ્થળોએ આરોગ્ય સુવિધાઓના વિકાસકાર્યોની શરૂઆત થવી સમગ્ર સાવરકુંડલા પંથક માટે ગૌરવ અને સૌભાગ્યની ક્ષણ બની રહી છે. આ ઐતિહાસિક વિકાસકાર્યો આવનારી પેઢીઓ સુધી સમગ્ર વિસ્તારના આરોગ્ય માળખાને નવી ઊંચાઈ આપશે અને “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.