‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અંતર્ગત વિશેષ ટ્રેન મારફતે મહારાષ્ટ્રના ૧૦૦૦ કરતા વધુ શ્રદ્ધાળુઓ વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પ્રભાસ તીર્થક્ષેત્રમાં પહોંચ્યા છે.
વિશેષ ટ્રેન દ્વારા પધારેલા યાત્રીઓનું જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હરેશકુમાર મકવાણા, યુવા સાંસ્કૃતિક વિભાગના અશ્વિનભાઈ સોલંકી ,બોય્ઝ સ્કૂલના આચાર્ય શ્રી પી.વી.ખાંભલા તેમજ રેલવે ભાવનગર ડિવિઝન DRUCC મેમ્બર્સ અનિસ રાચ્છ, સ્થાનિક રેલવે સલાહકાર સમિતિના મુકેશ ચોલેરા, લાલચંદ પરશુરામ, પરેશભાઈ કોટિયા, ગજેન્દ્રભાઈ અપારનાથી સહિતના અધિકારીઓએ ફૂલહાર અને સોમનાથ મહાદેવના સ્મૃતિચિહ્નથી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
આ તમામ શ્રદ્ધાળુઓ માટે ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા તેમના રહેઠાણ, ભોજન અને આવન-જાવનની સંપૂર્ણ સુવિધા પૂરી પાડવામાં આવી છે.
મહારાષ્ટ્રના તમામ શ્રદ્ધાળુઓ બે દિવસ માટે સોમનાથ અને ભાલકા, ત્રીવેણી, ગીતામંદિર આસપાસના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ગીર સોમનાથની ધરોહર અને સંસ્કૃતિ વિશે જાણકારી મેળવશે.
નોંધનીય છે કે, અગાઉ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી વિશેષ ટ્રેન દ્વારા યાત્રીઓ પ્રભાસતીર્થની મુલાકાત લઈ અને સોમનાથ તીર્થના ઔતિહાસિક વારસાથી અવગત થયાં હતાં.
જિલ્લા કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાના માૂર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો સોમનાથ ટ્રસ્ટ સાથે સંકલન સાધી અને ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ રેલવે ભાવનગર ડિવિઝનના સહયોગથી સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ૧૧ જાન્યુઆરીના રોજ સ્વાભિમાન પર્વની શરૂઆત સોમનાથ મંદિરથી થઈ હતી. જેમાં ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ટ્રસ્ટના સંકલનથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.