ગાંધીધામ કચ્છ : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડો. કાયનાત અંસારી આથાએ કચ્છની શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશના સૌથી મોટા જિલ્લાઓમાં સ્થાન ધરાવતા કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે હજુ પણ અનેક મહત્વપૂર્ણ અભ્યાસક્રમોની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને પ્રોફેશનલ કોર્સ માટે કચ્છની બહાર જવું પડે છે.
ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે સીએ, સીએસ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, કસ્ટમ કલીયરન્સ, ફેશન ડીઝાઇન, એન્જિનિયરીંગ, ડેન્ટલ સહિતના અનેક પ્રોફેશનલ કોર્સ કચ્છ યુનિવર્સિટી દ્વારા અથવા કચ્છમાં ઉપલબ્ધ કરાવવામાં આવતા નથી. જેના પરિણામે વિદ્યાર્થીઓને આવા અભ્યાસક્રમો માટે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના અન્ય શહેરોમાં જવું પડે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે દર વર્ષે કચ્છમાંથી ધોરણ 12માં અંદાજે 13થી 14 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. જેમાંથી 3થી 4 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કચ્છ છોડીને અન્ય શહેરોમાં જતા રહે છે. આ સ્થિતિ કચ્છના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે ચિંતાજનક છે.ખાસ કરીને દીકરીઓને અભ્યાસ માટે કચ્છની બહાર મોકલવાનો પ્રશ્ન વાલીઓ માટે વધુ મુશ્કેલ બની રહ્યો છે.
હાલમાં કચ્છની દીકરી સાથે અમદાવાદમાં બનેલાે બનાવ તેમજ છેલ્લા ત્રણ - ચાર દિવસમાં બનેલા અન્ય દુષ્કર્મના કેસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, જ્યારે દીકરીને બહાર ભણવા મોકલવાની વાત આવે ત્યારે વાલીઓ સામે તેની સુરક્ષા અને શિક્ષણ બંને મહત્વપૂર્ણ પ્રશ્ન બની જાય છે.
ડો. કાયનાત અંસારી આથાએ સવાલ ઉઠાવ્યો કે, “વાલીઓને પોતાના બાળકોને સુરક્ષિત રાખવા અને શિક્ષિત બનાવવા વચ્ચે પસંદગી કરવાની સ્થિતિમાં શા માટે મૂકવામાં આવે છે? શું સરકારની જવાબદારી નથી કે બાળકોને પોતાના જ જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સુરક્ષિત વાતાવરણ પણ મળે?”
તેમણે જણાવ્યું કે કચ્છના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવું પડે અને ખાસ કરીને દીકરીઓને બહાર મોકલતી વખતે વાલીઓને સુરક્ષાની ચિંતા સતાવતી હોય તે અત્યંત ગંભીર બાબત છે. સરકાર દ્વારા કચ્છની શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા, પ્રોફેશનલ કોર્સ શરૂ કરવા તથા વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ ઉચ્ચ શિક્ષણની પૂરતી તકો ઉપલબ્ધ કરાવવાની જરૂર છે.
અંતમાં તેમણે વાલીઓને પણ અપીલ કરી કે શિક્ષણ જેવા મહત્વના મુદ્દાને હળવાશથી ન લેવો જોઈએ અને સરકારને શિક્ષણ, સુરક્ષા તથા કચ્છના વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે સરકારને પ્રશ્ન પુછવો જરૂરી બન્યો છે.