મુખ્ય સામગ્રી પર જાઓ

સુરતમાં પૂરની હોનારત: 'પ્રી-મોન્સૂન કામગીરીના આંકડા જાહેર કરો', પાયલ સાકરીયાનો સત્તાધારી પક્ષ પર પ્રહાર

આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયાએ સુરતની વાર્ષિક પૂરની સમસ્યા અને તેના કારણે થતી જાન-માલની હાનિ માટે સત્તાધારી પક્ષની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે. તેમણે આ મુદ્દે પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી છે.

સુરતમાં પૂરની હોનારત: 'પ્રી-મોન્સૂન કામગીરીના આંકડા જાહેર કરો', પાયલ સાકરીયાનો સત્તાધારી પક્ષ પર પ્રહાર

અમદાવાદ / સુરત / ગુજરાત : સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ સત્તા પક્ષને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસામાં સુરતની આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. દર વર્ષે ખાડીમાં પૂર આવે છે અને કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. કોઈ પોતાનું બાળક તો કોઈ પોતાના પિતા ગુમાવે છે. આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે. દરેક જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે સુરતના અનેક લોકોના વાહનો ખરાબ થઈ જાય છે, ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીનું ભારે નુકસાન થાય છે અને દુકાનોમાં પાણી ભરાવાને કારણે વેપારીઓનો લાખો-કરોડોનો માલસામાન બગડી જાય છે. 

તેમણે વધુમાં ઉમેર્યું કે, દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે અને દર વર્ષે ભાજપના શાસકો બધો દોષ કુદરત પર ઢોળી દે છે કે આ વર્ષે વધારે વરસાદ પડ્યો! જો દર વર્ષે ચોમાસા પહેલાં 'પ્રી-મોન્સૂન' કામગીરી કરવામાં આવતી હોય, તો એ કામગીરી માત્ર કાગળ પર જ કેમ દેખાય છે? એ બાબતે ભાજપના નેતાઓ તંત્રને સવાલ કેમ નથી પૂછતા? કે પછી આમાં કોઈ મિલીભગત છે? દર વર્ષે ચોમાસા પહેલાં તંત્રની ત્રણ-ત્રણ સમીક્ષા બેઠકો થાય છે. આ બેઠકોની અંદર ભાજપના ધારાસભ્યો શું કામગીરી કરે છે? કેમ કોઈ ધારાસભ્ય આ બાબતે નક્કર કામગીરી કરાવતા નથી? અને જો ધારાસભ્યોથી કામ ન થતું હોય, તો તેમણે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે સત્તા પર બેસીને પણ તેઓ તંત્ર પાસે કામ કરાવી શકતા નથી. 

કોર્પોરેશનની અંદર પણ સમીક્ષા બેઠકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગો થાય છે. આ તમામ મિટિંગોમાં કોર્પોરેટર, મેયર અને તમામ પદાધિકારીઓ આખરે કરે છે શું? આ દર વર્ષની પરિસ્થિતિ છે, કોઈ એક વર્ષની વાત નથી. જો એકાદ વર્ષ આવું થયું હોત તો સમજી શકાય કે વરસાદ ઘણો વધારે હતો, પણ દર વર્ષે જો આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો ખરેખર શાસકોએ શરમ અનુભવવી જોઈએ. આ તો પાણીમાં ડૂબી મરવા જેવી સ્થિતિ છે! સમીક્ષા બેઠકોના નામે માત્ર ને માત્ર સીન-સપાટા કરવા, ફોટા પડાવવા અને નાસ્તો કરીને છૂટા પડી જવું – આ જ કામ છે ભાજપના નેતાઓનું! અને છેલ્લે આ બધી બેદરકારીની ભરપાઈ સુરતની જનતાએ જ કરવી પડે છે. 

આ એ જ સુરત મહાનગરપાલિકા છે જે દેશની ખૂબ સમૃદ્ધ મહાનગરપાલિકા ગણાય છે. આ એ જ સુરત છે જેના નાગરિકો સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે અને જેનું જીડીપી (GDP) ખૂબ ઊંચું છે. પરંતુ એના બદલામાં સુરતના લોકોને વળતરમાં શું મળે છે? આફતના સમયે સુરતના લોકો એકબીજાની મદદ કરીને, એકતા બતાવીને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાના તમામ પ્રયાસો જાતે જ કરી લે છે. તો પછી તંત્રની જવાબદારી શું? જ્યારે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે પણ લોકોએ પોતાના પૈસા ખર્ચીને પાણી કાઢવાના મશીનો મંગાવવા પડે છે. જો તંત્રની કોઈ જવાબદારી જ ન હોય, તો લોકો શા માટે વેરો ભરે અને નિયમો શા માટે પાળે? 

’આપ’ નેતા પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યું હતુ કે ચોમાસા દરમિયાન અનેક લોકો મૃત્યુ પામ્યા છે, તેના માટે જવાબદાર કોણ? તમારા ધારાસભ્યો, કોર્પોરેટરો કે મેયરે શું કર્યું? લોકો તમને એટલા માટે વોટ નથી આપતા કે દર વર્ષે આવી હોનારત સર્જાય. વિરોધપક્ષ નેતા તરીકે મેં વારંવાર રજૂઆત કરી છે કે તમે આનું યોગ્ય આયોજન કરો, પરંતુ કોઈ આયોજન કરવામાં આવતું નથી. સુરતમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કના નામે સેંકડો-હજારો કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, છતાં દર વર્ષે પાણી ભરાય છે.

 પ્રી-મોન્સૂનના કરોડો રૂપિયા ફાળવાય છે, પણ જમીન પર કોઈ કામ દેખાતું નથી. પ્રજા હેરાન થાય છે અને શાસકો શરમ અનુભવવાને બદલે માત્ર સમીક્ષાના નામે તાગડધિન્ના કરે છે અને પાછા બહાના કાઢે છે કે ગુજરાતમાં આ વખતે મુશળધાર વરસાદ પડ્યો! તેમણે હિન્દુત્વ અને રાજધર્મની યાદ અપાવતા કહ્યું, હું ભાજપના સામાન્ય કાર્યકર્તાઓને પણ કહેવા માંગું છું કે, તમે તમારા નેતાઓને પૂછો કે તેઓ સમિતિઓ અને સમીક્ષા બેઠકોમાં શું કરે છે? સુરતની પરિસ્થિતિ આટલી ખરાબ છે છતાં બધા ચૂપ છે. શું આ સાચું હિન્દુત્વ છે? પ્રજાની રક્ષા કરવી એ જ સાચું હિન્દુત્વ છે. 

પૂરના પાણીમાં લોકો મરી જાય છતાં તમે માત્ર વાતો જ કરશો? રાજા રામે વનવાસ ભોગવ્યો હતો પરંતુ પ્રજાને ક્યારેય દુઃખી થવા દીધી નહોતી, એ સાચો રાજધર્મ આપણને શીખવવામાં આવ્યો છે. તમે એમાંથી શું શીખ્યા? છત્રપતિ શિવાજી મહારાજે પ્રજા માટે આખી જિંદગી યુદ્ધો કર્યા અને પોતાનો રાજધર્મ નિભાવ્યો. તમે કયો રાજધર્મ નિભાવી રહ્યા છો? જો તમારાથી કામ ન થતું હોય તો ખરેખર સત્તા પરથી હટી જવું જોઈએ, નહીં તો સુરતની જનતા આવનારા સમયમાં યોગ્ય જવાબ આપશે. તેમણે નાગરિકોની પ્રશંસા કરતા અપીલ કરી કે, હું સુરતના એ નાગરિકોનો આભાર માનું છું જેઓ મુશ્કેલીના સમયમાં આપત્તિને અવસરમાં ફેરવી પોતાના પરિવાર અને આસપાસના લોકોનું રક્ષણ કરે છે અને એકબીજાની મદદે આવે છે. પરંતુ નાગરિકોને એટલું જ કહેવા માંગું છું કે જ્યારે આપણી સાથે ખોટું થતું હોય ત્યારે અવાજ ઉઠાવવો એ આપણી ફરજ અને ધર્મ છે. 

જો આજે આપણે જાગૃત થઈને શાસકો સામે સવાલ નહીં કરીએ, તો ભવિષ્યમાં આવી જ ઘટનાઓ બનતી રહેશે અને કોઈ પરિવાર પોતાનો વ્હાલસોયો દીકરો કે દીકરી ગુમાવશે. જો શાસકોમાં થોડી પણ શરમ બાકી હોય, તો પ્રી-મોન્સૂન કામગીરીના આંકડા જાહેર કરે, ખાડી પાછળ જે કરોડો રૂપિયા ફાળવ્યા છે તેનો હિસાબ આપે અને કયા કોન્ટ્રાક્ટરને કેટલા રૂપિયા આપ્યા તે જાહેર કરે. જો તમે પ્રજા માટે કંઈ ન કરી શકતા હોવ તો સત્તા પર રહેવાનો તમને કોઈ અધિકાર નથી.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: સુરત મહાનગરપાલિકા Pre-monsoon work Surat Surat Disaster Management AAP Gujarat Politics Payal Sakariya AAP Surat Municipal Corporation Flood પ્રી-મોન્સૂન કામગીરી નાગરિકોની હાલાકી આમ આદમી પાર્ટી સુરત પાયલ સાકરીયા ખાડીપૂર ડિઝાસ્ટર મેનેજમેન્ટ જવાબદારી અને પારદર્શિતા પૂરની સ્થિતિ

સંબંધિત સમાચાર