અમદાવાદ/જૂનાગઢ/ગાંધીનગર : આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવિણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મહત્ત્વની લડાઈઓ લડી અને આંદોલનનો પહેલો અધ્યાય સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ હવે ગુજરાતના ખેડૂતો માટે એક બીજો અધ્યાય શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ અને તેના માટે એક નવા કાર્યક્રમની જાહેરાત આજે કરવા જઈ રહ્યા છીએ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં તમામ ખેડૂતોના મુદ્દાઓ આમ આદમી પાર્ટીએ ખૂબ મજબૂતાઈથી લડવાનું કામ કર્યું હતું. સાથે સાથે હડદડ મુકામે જ્યારે ખેડૂતોને જરૂર પડી ત્યારે આમ આદમી પાર્ટીએ ખૂબ લાંબી લડાઈ લડી હતી. આ લડાઈ દરમિયાન 108 દિવસ સુધી હું પોતે અને મારી સાથે 80થી વધારે લોકો તથા ખેડૂતો જેલમાં રહ્યા હતા અને ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું કામ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે કચ્છમાં હાઈટેન્શન લાઈનના મુદ્દે પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ ત્યાં જઈને ખેડૂતોના હક્ક માટે અવાજ ઉઠાવ્યો હતો.
જેલમાંથી બહાર આવ્યા બાદ સોમનાથથી ખેડૂતોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને ગાંધીનગર ખાતે તેનું સમાપન થયું હતું. તે જ સમય દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને અંદાજે દસથી વધુ કિસાન મહાપંચાયતોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં 10 હજારથી વધુ નાની ખાટલા બેઠકો યોજી હતી અને 80 હજારથી વધુ ખેડૂતોના હસ્તાક્ષર ધરાવતું આવેદનપત્ર મુખ્યમંત્રીને સોંપીને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ પણ કરી હતી.
’આપ’ નેતા પ્રવિણ રામે વધુમાં જણાવ્યું હતુ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ખેડૂતોના આંદોલનનો બીજો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ માટે હું ગુજરાતના ખેડૂતો સમક્ષ એક મહત્વપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરવા માગું છું. આવનારી 27 તારીખે સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે.
આ મહાપંચાયતમાં હાલના ખેડૂતોના પ્રશ્નો ઉપરાંત ભવિષ્યમાં ઊભા થનારા પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવશે. અતિવૃષ્ટિ, ઓછા વરસાદ, બિયારણ, ખાતર, વીજળી અને અન્ય કૃષિ સંબંધિત પ્રશ્નો તેમજ હાલમાં હાઇટેન્શન લાઈનને લઈને ખેડૂતો જે પીડા અનુભવી રહ્યા છે તેવા તમામ મુદ્દાઓને આ મહાપંચાયતમાં પ્રાથમિકતા આપવામાં આવશે. પ્રવિણ રામે જણાવ્યું કે સુરેન્દ્રનગર ખાતે યોજાનારી આ કિસાન મહાપંચાયત દ્વારા ખેડૂતો માટેના આંદોલનના બીજા અધ્યાયની શરૂઆત કરવામાં આવશે.
અત્યાર સુધી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવાનું કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ આંદોલનના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નોને મજબૂતાઈથી ઉઠાવવાનું કામ ચાલુ રાખશે. ખેડૂતોના હક્ક અને હિત માટેની આ નવી લડતની શરૂઆત 27 તારીખે સુરેન્દ્રનગર ખાતે યોજાનારી કિસાન મહાપંચાયતથી થશે.