અમદાવાદ/ગુજરાત : ગુજરાતમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ રહી છે અને અવારનવાર હત્યા, લૂંટ, જીવલેણ હુમલાઓ, બળાત્કાર જેવી ઘટનાઓ ઘટી રહી છે. જેની સામે હંમેશા આમ આદમી પાર્ટી પોતાનો અવાજ ઉઠાવે છે અને સરકારને સવાલ કરતી આવી છે. હાલમાં અમદાવાદમાં થયેલા એક ગંભીર ઘટના વિશે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભાજપ સરકાર પર Xના માધ્યમથી નિશાનો સાધતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના રાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે, વ્યાજખોરો બેફામ બન્યા છે, મનફાવે એમ હુમલાઓ કરે છે અને હુમલા કરનારા લોકોને તરત પાછા જામીન પણ મળી જાય છે.
વધુમાં AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, 2 દિવસ અગાઉ અમદાવાદના ઇસ્કોન વિસ્તાર પાસે મનીષભાઈ રાઠોડ નામના વ્યક્તિ પર વ્યાજખોરોએ ચાકુ અને તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો અને અત્યારે તેઓ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે, તેવું તેમના દિકરાએ કહ્યું છે. આના પહેલા પણ મનીષભાઈ પર આ વ્યાજખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હુમલાખોરોને એક જ દિવસમાં છોડી દેવામાં આવ્યા હતા. અમારી માંગ છે કે આ વ્યાજખોરો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આગળથી કોઈ આવું કરવાની હિંમત ન કરે. ગુજરાતના ગૃહમંત્રી આમ તો મોટી મોટી વાતો કરે છે કે “કોઈ વ્યાજખોરોને છોડવામાં નહીં આવે, સરકાર વ્યાજખોરોથી પીડાતા લોકોની સાથે છે” પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.


