ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં વન વિભાગની ઘોર બેદરકારી અને નિંભર વહીવટી તંત્રના કારણે સાવજોના ટપોટપ મોત થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પાછલા ૨૪ કલાકના ટૂંકા ગાળામાં જ અમરેલી જિલ્લાની અલગ-અલગ વન રેન્જમાં કુલ ત્રણ સિંહબાળના કરુણ મોત નીપજ્યા છે. આ ગંભીર ઘટના ત્યારે પ્રકાશમાં આવી છે જ્યારે રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડીયા પોતે અમરેલી જિલ્લાના સત્તાવાર પ્રવાસે હતા.
એક તરફ જિલ્લામાં સિંહો દ્વારા માનવ વસ્તી પર હુમલાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે બીજી તરફ વન તંત્ર વન્યજીવોના આકસ્મિક મોત રોકવામાં પણ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયું છે. અમરેલી પંથકમાં માત્ર એક જ માસમાં કુલ ૧૬ સાવજોના મોત થતાં વન્યજીવ પ્રેમીઓમાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
વન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં જ ધારીની દલખાણીયા રેન્જમાંથી એક સિંહબાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક સ્તરે એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે આ સિંહબાળની ક્રૂરતાપૂર્વક હત્યા કરીને લાશને અહીં ફેંકી દેવામાં આવી છે, જેનો ચોક્કસ ખુલાસો પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ આવ્યા બાદ જ થશે. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ધારીની જ પાણીયા રેન્જમાં એક વર્ષના અન્ય એક સિંહબાળનું મોત થયાનું સામે આવ્યું છે, વન વિભાગના જણાવ્યા મુજબ આ મોત અન્ય સિંહો સાથેની પરસ્પર લડાઈ (ઈનફાઈટ) ના કારણે થયું છે.
આ સિવાય ત્રીજી ઘટનામાં બગસરા તાલુકાના હામાપુર ગામની સીમમાંથી એક નવજાત સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હજુ પાંચ દિવસ પહેલા જ બાબરકોટ વિસ્તારમાં હડકવા ઉપડવાના કારણે એક સિંહનું મોત થયું હતું, જેણે સ્થાનિક યુવકને ઘાયલ પણ કર્યો હતો. તે પૂર્વે બેબેસીયા નામના જીવલેણ રોગચાળાના કારણે પણ આ પંથકમાં ૧૨ સાવજો કાળનો કોળિયો બની ચૂક્યા છે.
મહત્વના મુદ્દાઓ:
૨૪ કલાકમાં ત્રિવિધ આઘાત: ધારીની પાણીયા રેન્જ, દલખાણીયા રેન્જ અને બગસરાના હામાપુરમાં અલગ-અલગ ઘટનામાં ત્રણ સિંહબાળના મોત.
હત્યાની આશંકા: દલખાણીયા રેન્જમાંથી મળેલા સિંહબાળના શરીર પરના નિશાનો જોતા તેની શિકાર અથવા હત્યા કરાઈ હોવાની આશંકા.
મંત્રી પાછળ દોડતું તંત્ર: વનમંત્રી અર્જુન મોઢવાડીયાના પ્રવાસ દરમિયાન તમામ ઉચ્ચ અધિકારીઓ પ્રોટોકોલમાં વ્યસ્ત રહેતા વન્યજીવોનું સુરક્ષા નેટવર્ક નબળું પડ્યાનો આક્ષેપ.
રોગચાળાનો કહેર: જિલ્લામાં છેલ્લા એક મહિનામાં બેબેસીયા રોગચાળો, હડકવા અને ઈનફાઈટના કારણે કુલ ૧૬ સિંહોના મોતથી વન ક્ષેત્રે ચિંતા.
અમરેલી અને ગીરની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સિંહોના ટપોટપ મોતના કારણે વન્યજીવ સંતુલન બગડવાનો ખતરો ઊભો થયો છે. જ્યારે જંગલ વિસ્તારમાં સિંહોને યોગ્ય મેડિકલ ટ્રીટમેન્ટ કે સુરક્ષા નથી મળતી, ત્યારે સિંહો ખોરાક અને આશ્રયની શોધમાં રેવન્યુ વિસ્તાર અને માનવ વસ્તી તરફ ધસી આવે છે.
નાના સિંહબાળના મોતના કારણે સિંહણ વધુ આક્રમક બને છે, જેના લીધે સીમમાં મજૂરી કરતા ખેતશ્રમિકો અને માલધારીઓ પર હિંસક હુમલાઓ વધવાની ભીતિ રહે છે. વન તંત્રની આ ઢીલી નીતિના કારણે સ્થાનિક જનતામાં ભય અને વન વિભાગ પ્રત્યે અવિશ્વાસનો માહોલ સર્જાયો છે.