રાજપીપળા : ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે, જે અંતર્ગત તા. ૭ થી ૧૩ નવેમ્બર,
૨૦૨૫ દરમિયાન રાજ્યના ૧૪ આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ યાત્રા યોજાઈ રહી છે. ઉમરગામથી એકતાનગર માટે યોજાયેલી ગૌરવ યાત્રા પાંચમા દિવસે નર્મદા જિલ્લામાં પ્રવેશતા
સાગબારાના જાવલી ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ આપણા આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની યાદીમાં આદિજાતિની અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી. દેશની આઝાદીમાં યોગદાન આપનાર મહાનાયકોને સન્માનિત કરવાનો અવસર વડાપ્રધાનશ્રીએ પૂરો પાડ્યો છે. જેમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે જે આદિવાસી સમાજ માટે ગૌરવની અનુભૂતિ કરાવે છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાએ આપણી આઝાદી માટે અંગ્રેજો સામે પોતાના સાથીઓ સાથે લડત આપી શહીદી વહોરી હતી. તેમની ૧૫૦ જન્મ જયંતિના અવસરે સમગ્ર ભારતમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉજવી રહ્યા છીએ. આ ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલી આ ગૌરવ યાત્રાનો હેતુ આપણી યુવા પેઢીને ભગવાન બિરસા મુંડાના જીવન અને દેશ માટે આપેલા યોગદાન વિશે જાણકારી આપવાનો રહેલો છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ તા. ૧૫ નવેમ્બરના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવાશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં દેડિયાપાડા ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીના આપણે સૌ સહભાગી થવાના છીએ જે આપણા સૌના માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહેશે.
આ દરમ્યાન સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ દેશહિતમાં અંગ્રેજ શાસકો સા મે લડાઈ લડી અને આદિવાસી સમાજને હક તથા સ્વાભિમાન અપાવવાનો પ્રથમ અવાજ બુલંદ કર્યો હતો. જનજાતિય ગૌરવ દિવસ માત્ર આદિવાસી સમાજ પૂરતો સીમિત નથી. દેશભરના તમામ સમાજો અને જનપ્રતિનિધિઓ આ દિવસની ઉજવણીમાં સાથે જોડાય છે. આપણા આદિવાસી સમાજનો ઈતિહાસ ગૌરવશાળી રહ્યો છે. ભગવાન બિરસા મુંડાજીએ આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમના નામે નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું નિર્માણ થયું અને વડાપ્રધાનશ્રીના હસ્તે ૩૦મી ઓક્ટોબરે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે આદિવાસી સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓને તથા રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરોને પ્રશસ્તી પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે વિવિધ યોજનાકીય લાભોના વિતરણ કરાયા હતા. સાગબારા ખાતે જનજાતિય ગૌરવ યાત્રાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, વિધાનસભાના દંડકશ્રી અને ડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, અગ્રણીશ્રી નીલભાઈ રાવ, પ્રાયોજના વહીવટદારશ્રી અંચુ વિલ્સન, પૂર્વ મંત્રીશ્રી મોતિસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સર્વશ્રી પર્યુષાબેન વસાવા, શ્રી શંકરભાઈ વસાવા અને શ્રી મનજીભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, અગ્રણીશ્રી વિક્રમભાઈ તડવી, શ્રી અર્જુનભાઈ, શ્રી યોગેશભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત અન્ય પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો અને નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.


