રાજપીપલા:ગુરૂવાર: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 30 અને ૩૧મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નર્મદા જિલ્લાના એકતા નગરમાં 'ભારત પર્વ-૨૦૨૬' અને 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણીમાં સહભાગી થશે. તેઓ તા.૩૦મીએ આશરે સાંજે પાંચ વાગ્યે 'ભારત પર્વ ૨૦૨૬' નું ઉદ્ઘાટન કરશે.રાત્રે આશરે ૭.૪૫ વાગ્યે, તેઓ 'એકતા પ્રકાશ પર્વ' માં જોડાશે અને રાત્રે ૮.૧૫ વાગ્યે નર્મદા આરતીમાં ભાગ લેશે.
૩૧ ઓક્ટોબરે, સવારે આશરે ૯ વાગ્યે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ સવારે ૯.૧૫ વાગ્યે એકતા નગરમાં રૂ.૪૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. ત્યારબાદ એકતા નગર ખાતે રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લેશે. સાંજે આશરે ૫.૩૦ વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
૩૦મીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતાનગરમાં 'ભારત પર્વ ૨૦૨૬' નું ઉદ્ઘાટન કરશે. ભારતની સાંસ્કૃતિક વારસા અને રાષ્ટ્રીય એકતાની ઉજવણી તરીકે તથા 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની ભાવનાના પ્રતિક સમાન આ મહોત્સવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની વિશિષ્ટ પરંપરાઓ, લોક પ્રદર્શનો, પ્રાદેશિક વાનગીઓ, હસ્તકળા અને પ્રવાસન આકર્ષણો પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડશે. આ ઉત્સવથી એકતા નગર અને આસપાસના સ્થળોએ પ્રવાસનને વેગ મળશે.
'એકતા પ્રકાશ પર્વ' ભારતની એકતા, વિવિધતા, સાંસ્કૃતિક વારસા અને પ્રગતિની ઉજવણી કરતો લાઇટિંગ ઉત્સવ છે. આ મહોત્સવ થીમેટિક ઇલ્યુમિનેશન અને લાઇટિંગ ડિસ્પ્લે દ્વારા રજૂ થશે. તેના બે મુખ્ય આકર્ષણો; 'પ્રાચીન ભારતથી આધુનિક ભારત' થીમ પર આધારિત ૫૩૦ મીટર લાંબો વેલી ઓફ ફ્લાવર્સ રોડ ઇલ્યુમિનેશન ભારતની રાષ્ટ્રીય ઓળખ, સભ્યતા, મહિલા સશક્તિકરણ, સુરક્ષા દળો, ટેકનોલોજી, યોગ અને બાળકો માટેની કાલ્પનિક દુનિયા દર્શાવે છે. ૧૮૦ મીટર લાંબીગ્લો ટનલ, જેની થીમ 'ભારતની વિવિધતામાં એકતા' છે, તે ભારતના ચાર પ્રદેશોની સંસ્કૃતિ, સ્થાપત્ય, લોકનૃત્યો, હસ્તકળા અને જીવનશૈલીનો વૉકથ્રૂ અનુભવ કરાવશે. આ પ્રદર્શનોમાં ૧.૫ કરોડથી વધુ LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં દેશના વિવિધ ભાગોના કલાકારોએ બનાવી છે.
રૂ.૪૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ અંતર્ગત સીવેજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફેકેડ લાઇટિંગ, નર્મદા ઘાટનું અપગ્રેડેશન, IRCTC હોટેલ, અને એકતા નગર ખાતે રેનફોરેસ્ટ, યુનિટી અને ઇકો ટ્રેલ વગેરેનો સમાવેશ થાય છે. વડાપ્રધાન ગોરા-ભાનદ્રા રોડ ડેવલપમેન્ટ, સંકલિત ઝીરો વેસ્ટ સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ખલવાણી ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ, કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડન ખાતે સંકલિત વિકાસ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.