વંદે ભારત એક્સપ્રેસ ભારતીય રેલવેની આધુનિક, સેમી હાઈ-સ્પીડ તેમજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પ્રીમિયમ ટ્રેનોમાંની એક છે. આ ટ્રેન મુસાફરોને સુરક્ષિત, આરામદાયક અને સમયબદ્ધ મુસાફરી પૂરી પાડવાના હેતુથી સંચાલિત કરવામાં આવે છે. આવી પ્રતિષ્ઠિત ટ્રેન પર પથ્થરમારા જેવી ઘટનાઓ માત્ર રેલવે સંપત્તિને નુકસાન પહોંચાડતી નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. વડોદરા મંડળના રેલવે સુરક્ષા દળે આવી ઘટનાઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવતા ટેકનિકલ મદદથી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ–મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરનાર આરોપીની ધરપકડ કરી છે.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી શ્રી અનુભવ સક્સેના દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, તા. 4 ઓગસ્ટના રોજ ગાંધીનગર કેપિટલથી મુંબઈ માટે રવાના થયેલી વંદે ભારત એક્સપ્રેસના કોચ C-6ની સીટ નંબર 63–64 પાસે વડોદરા મંડળના ગોઠાગામ અને કોસાડ સ્ટેશનો વચ્ચે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થર ફેંકવાની ઘટના બની હતી, જેના કારણે કોચની બારીનો કાચ ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અંગે વડોદરા મંડળના રેલવે સુરક્ષા દળની અંકલેશ્વર પોસ્ટ ખાતે કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
રેલવે સુરક્ષા દળ દ્વારા તપાસ દરમિયાન મેળવવામાં આવેલા CCTV ફૂટેજમાં રેલવે ટ્રેક નજીક કાળા રંગનું શર્ટ પહેરેલો એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો. ગુપ્ત માહિતી અને સતત દેખરેખના આધારે તા. 06.08.2026ના રોજ સાયણ–ગોઠાગામ વિસ્તારમાંથી સહાયક ઉપ નિરીક્ષક ધર્મબીર સિંહ અને રામ કુમાર શર્માએ શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. પૂછપરછ દરમિયાન તેની ઓળખ રામહરિ નાહક તરીકે થઈ હતી, જે મૂળ ઓડિશાનો રહેવાસી છે અને હાલમાં અમરોલી, સુરત ખાતે રહીને લૂમ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે.
પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં સ્વેચ્છાએ ઘટનાસ્થળની ઓળખ કરાવી હતી અને સ્વીકાર્યું હતું કે તેણે જ ટ્રેન નંબર 20902ના કોચ C-6 પર પથ્થર ફેંક્યો હતો, જેના કારણે બારીનો કાચ તૂટી ગયો હતો. તેનું નિવેદન નિયમ મુજબ નોંધવામાં આવ્યું હતું અને તેની કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રેલવે સુરક્ષા દળ મુસાફરોને અપીલ કરે છે કે રેલવે સંપત્તિને નુકસાન પહોંચાડવું અને ચાલતી ટ્રેનો પર પથ્થરમારો કરવો એ ગંભીર અને દંડનીય ગુનો છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક રેલવે સુરક્ષા દળ અથવા રેલવે પ્રશાસનને કરો, જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.