અમદાવાદ / ગુજરાત : પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતા અમદાવાદમાં તેની ઉજવણી કરવામાં આવી હતી.આ સાથે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ અને પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે પત્રકાર પરિષદ યોજી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાને લગભગ ચાર વર્ષ અને બે મહિના થયા છે અને વિધાનસભા ચૂંટણીના આશરે આઠ મહિના પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં પંજાબના લોકોએ કામની રાજનીતિ પર મહોર મારી છે.
તેમણે પંજાબના લોકો, તમામ કાર્યકર્તાઓ, મુખ્યમંત્રી ભાગવંત માન અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પંજાબમાં કુલ 1975 શહેરી સ્થાનિક સ્વરાજ્યની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 8 મ્યુનિસિપલ કોર્પોરેશન, 75 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 20 નગરપંચાયતોનો સમાવેશ થતો હતો. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 50 ટકાથી વધુ બેઠકો પર જીત મેળવી છે અને પહેલી વખત 5થી વધુ મેયર પણ આમ આદમી પાર્ટીના બનશે. તેમણે જણાવ્યું હતું કે ગામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પહેલાથી જ મજબૂત રહેલી આમ આદમી પાર્ટીને હવે શહેરી વિસ્તારોમાં પણ જંગી સમર્થન મળ્યું છે.
બેલેટ પેપરથી યોજાયેલી શહેરી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 કોર્પોરેશનમાં પૂર્ણ બહુમત મળ્યું છે, જ્યારે ઇડી પાર્ટી સહિતના અનેક પક્ષોની મોટાભાગની બેઠકો પર જમાનત જપ્ત થઈ છે. પંજાબમાં 251 જેટલા અપક્ષ ઉમેદવારો જીત્યા હોવા છતાં કોંગ્રેસ, અકાલી દળ અને અન્ય પક્ષોની સરખામણીએ આમ આદમી પાર્ટીએ એકલેએ જ સૌથી મોટી સફળતા મેળવી છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થા, સુરક્ષા, વિકાસ અને પ્રવાસન સહિતના ક્ષેત્રોમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ છેલ્લા ચાર વર્ષમાં જે કામ કર્યું છે તે અગાઉની સરકારો 80 વર્ષમાં પણ કરી શકી નથી. પંજાબના શહેરોમાં સારી સરકારી શાળાઓ, મહોલ્લા ક્લિનિકો, પ્રાઈવેટ સ્કૂલોની લૂંટ પર નિયંત્રણ અને લોકોને બે મહિનામાં 599 યુનિટ સુધી મફત વીજળી જેવી યોજનાઓના કારણે ગામડાઓની સાથે શહેરી વર્ગે પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે લોકોમાં ઈવીએમ હેકિંગ અંગે શંકા હોવાથી પંજાબમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી અને લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરવા બહાર આવ્યા હતા. તેમણે સમગ્ર દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગને સમર્થન આપતાં જણાવ્યું હતું કે લોકતંત્રને વધુ મજબૂત બનાવવા માટે લોકોની લાગણી અને માંગનો સન્માન થવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે આમ આદમી પાર્ટી હંમેશા ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, મજૂરો, શ્રમિકો અને મધ્યમ વર્ગના હક માટે લડતી આવી છે અને ગુજરાતના શહેરીજનોને પણ પંજાબના લોકોની જેમ કામની રાજનીતિને પસંદ કરવાની અપીલ કરી હતી.
આમ આદમી પાર્ટી ગુજરાત