મુખ્ય સામગ્રી પર જાઓ

યુવરાજ સિંહનો ધડાકો: "NEETને CBT બનાવવાનો નિર્ણય એટલે કૌભાંડનું ડિજિટલાઈઝેશન"

AAPના યુવા નેતા યુવરાજ સિંહે NEET પરીક્ષાને ઓનલાઈન (CBT) પદ્ધતિમાં ફેરવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને 'કૌભાંડનું ડિજિટલાઈઝેશન' ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પેપર લીક કરનારા માફિયાઓ અને ભ્રષ્ટ વહીવટી તંત્રને સજા આપવાના બદલે પરીક્ષા પદ્ધતિ બદલવી એ માત્ર કરોડો વિદ્યાર્થીઓના આક્રોશને શાંત કરવાનો અને મૂળ કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.

યુવરાજ સિંહનો ધડાકો: "NEETને CBT બનાવવાનો નિર્ણય એટલે કૌભાંડનું ડિજિટલાઈઝેશન"

અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહે જણાવ્યું હતું કે NEET પરીક્ષાને CBT (Computer Based Test) બનાવવાનો નિર્ણય એ “કૌભાંડનું ડિજિટલાઈઝેશન” સમાન છે. આજે સમગ્ર દેશ NEET પરીક્ષાના કૌભાંડોથી સળગી રહ્યો છે અને લાખો વિદ્યાર્થીઓ ન્યાય માટે રસ્તા પર છે, ત્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા 21 જૂને ફરી પરીક્ષા લેવાની અને આગામી વર્ષથી પરીક્ષા ઓનલાઈન લેવાની જાહેરાત કરવામાં આવી છે. યુવરાજ સિંહે કહ્યું કે આ નિર્ણય “ચોરના ભયથી નાઠા તે વાઘના મોઢામાં ગયા” જેવો છે. વર્તમાન ઓફલાઈન પરીક્ષામાં ભ્રષ્ટ અધિકારીઓ, પેપર લીક માફિયા અને સેટિંગબાજો સામેલ હતા, પરંતુ ગુનેગારોને સજા આપવાના બદલે આખી પરીક્ષા પદ્ધતિ બદલી નાખવામાં આવી રહી છે. આ માત્ર કરોડો વિદ્યાર્થીઓના આક્રોશને શાંત કરવા અને મૂળ કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે ગુજરાત મોડલમાં CBRT એટલે “કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ” બની ગયું છે, જ્યાં પેપર ફૂટવાની જગ્યાએ સીધું સર્વર હેક થવાનું કે માર્ક્સમાં ગોટાળા થવાના બનાવો સામે આવે છે. ઓનલાઈન પરીક્ષામાં રિમોટ એક્સેસ, સોફ્ટવેર મેનિપ્યુલેશન અને ડમી ઉમેદવારો દ્વારા વધુ મોટા હાઇટેક કૌભાંડો થવાની શક્યતા છે.

યુવરાજ સિંહે વધુમાં જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે આજે પણ ગામડાઓમાં નેટવર્કની સમસ્યાઓ છે, ત્યારે ઓનલાઈન પરીક્ષા વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરશે. NEET જેવી પરીક્ષામાં 20થી 25 લાખ વિદ્યાર્થીઓ બેસતા હોવાથી પરીક્ષા અલગ અલગ શિફ્ટમાં લેવાશે અને ત્યારબાદ “નોર્મલાઈઝેશન” નામની પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓના અસલ માર્ક્સ સાથે અન્યાય થવાની ભીતિ છે. કોઈના 50 માર્ક્સ 80 થઈ જશે તો કોઈ હોશિયાર વિદ્યાર્થીના 50 માર્ક્સ 40 થઈ જશે. એજન્સીઓ ગોપનીયતાના નામે ડેટા છુપાવશે અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાશે નહીં. યુવરાજ સિંહે કહ્યું કે CBT એક “લીગલ શોર્ટકટ કૌભાંડ” સમાન છે. ગાડીનું ટાયર પંચર થાય તો આખી ગાડી બદલાતી નથી, તેવી જ રીતે પેપર લીક માટે જવાબદાર માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓને સજા કરવાના બદલે આખી પરીક્ષા પદ્ધતિ બદલવી ખોટો નિર્ણય છે. વિદ્યાર્થીઓને કોઈ હાઇટેક પ્રયોગો નહીં પરંતુ 100 ટકા લીક-પ્રૂફ, પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા જોઈએ છે. જ્યાં સુધી સરકારની દાનત, સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી પારદર્શિતા સુધરશે નહીં ત્યાં સુધી કૌભાંડો બંધ નહીં થાય.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: AAP આમ આદમી પાર્ટી (AAP) AAP GUJARAT યુવરાજ સિંહ

સંબંધિત સમાચાર