કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર અંતર્ગત નિર્માણાધીન અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને પ્રોજેક્ટના પ્રગતિ કામોની સમીક્ષા કરી તથા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં કાર્યરત ઈજનેરો અને નિર્માણ ટીમો સાથે વાતચીત કરી.
મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે સ્ટેશન ભવન અને તેનાથી સંબંધિત માળખાકીય સુવિધાઓના નિર્માણ કાર્યોનું નિરીક્ષણ કર્યું. તેમણે જણાવ્યું કે અમદાવાદ સેક્શનમાં કોરિડોરના કેટલાક સૌથી જટિલ ઈજનેરી કામો કરવામાં આવી રહ્યા છે, જેમાં હાલની રેલવે લાઈનો અને ફ્લાયઓવરોની ઉપર અનેક ક્રોસિંગનું નિર્માણ સામેલ છે. તેમણે બહુમાળી સ્ટેશન ભવન તથા એપ્રોચ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિનું પણ અવલોકન કર્યું અને અધિકારીઓને પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે નિર્માણ કામની ગતિ જાળવી રાખવાના નિર્દેશ આપ્યા.
કેન્દ્રીય મંત્રીએ નિર્માણ સ્થળ પર કાર્યરત ઈજનેરો અને નિર્માણ ટીમો સાથે મુલાકાત કરીને તેમના કામ, અનુભવ અને કુશળતા તેમજ ખબર-અંતરની માહિતી મેળવી તથા તેમની સમર્પિત ભાવના, પ્રતિબદ્ધતા અને અથાક પરિશ્રમની પ્રશંસા કરી. તેમણે નિર્માણ કામની સતત પ્રગતિ માટે ટીમોના વખાણ કરતા તેમને સુરક્ષા, ગુણવત્તા અને ઈજનેરી શ્રેષ્ઠતાના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખીને કામ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનને એક સંપૂર્ણ સંકલિત (ઇન્ટિગ્રેટેડ) મલ્ટીમોડલ પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જે બુલેટ ટ્રેન સ્ટેશનને પરંપરાગત રેલવે સ્ટેશન, મેટ્રો તથા શહેરની બસ સેવાઓ સાથે સહજ રીતે જોડશે. તેમણે એ પણ જણાવ્યું કે સ્ટેશનની ડિઝાઇન અમદાવાદની સાંસ્કૃતિક ઓળખના પ્રતીક 'પતંગ'થી પ્રેરિત છે, જેમાં શહેરની સાંસ્કૃતિક વિરાસત અને વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાનો ઉત્કૃષ્ટ સમન્વય કરવામાં આવ્યો છે.
આ મુલાકાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારની એ પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે અંતર્ગત અદ્યતન ઈજનેરી, સંકલિત પરિવહન માળખું અને વૈશ્વિક ધોરણોને અનુરૂપ યાત્રીઓની સુવિધાઓ સાથે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવી રહી છે.