પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 17 ઓગસ્ટ, 2026 થી 16 નવેમ્બર, 2026 સુધી ત્રણ મહિનાના સમયગાળા માટે સતર્કતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, 26 ઑક્ટોબર, 2026 ના રોજ અમદાવાદના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે મંડળના અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. આ અભિયાનનો ઉદ્દેશ રેલવે કર્મચારીઓમાં સત્યનિષ્ઠા, પારદર્શિતા અને નૈતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ કાર્યપદ્ધતિમાં પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવાનો છે.
સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026 નું આયોજન 26 ઑક્ટોબરથી 01 નવેમ્બર, 2026 દરમિયાન “સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ – Probity for Prosperity” થીમ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે અમદાવાદ મંડળમાં અધિકારીઓ અને કર્મચારીઓને ભ્રષ્ટાચાર સામે સતર્ક રહેવા, પોતાની ફરજોનું સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્પક્ષતા સાથે પાલન કરવા તથા કાર્યસ્થળ પર પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ અભિયાન અંતર્ગત મંડળમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ રેલવે કર્મચારીઓને તેમની દૈનિક કામગીરીમાં સત્યનિષ્ઠા અને નૈતિક આચરણના મહત્ત્વથી પરિચિત કરાવવાનો છે. અભિયાન દરમિયાન ક્ષમતા નિર્માણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેમજ કર્મચારીઓને ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમો દ્વારા તાલીમ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતાની દૈનિક કામગીરીમાં પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારીનાં મૂલ્યો અપનાવવા તેમજ ભ્રષ્ટાચારમુક્ત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવવા, પરસ્પર ભાઈચારાને પ્રોત્સાહન આપવા તથા પોતાની ફરજોનું સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે પાલન કરવા પર ભાર મૂક્યો હતો.