સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ ની થીમ સાથે કેન્દ્રીય સતર્કતા આયોગ દ્વારા 26 ઑક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ–2026ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં આજે (26.10.2026) પ્રતાપનગર સ્થિત મંડળ રેલવે મેનેજર કચેરીના પ્રાંગણમાં અપર મંડળ રેલવે મેનેજર શ્રી નીરજ ધમીજાએ અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.
આ શપથ દ્વારા તમામ રેલવે કર્મચારીઓએ પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારી જાળવી રાખવાનો સંકલ્પ પણ લીધો હતો.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીણાએ જાહેર કરેલી અખબારી યાદી અનુસાર, આ અભિયાન અંતર્ગત મંડળમાં શેરી નાટકો અને પરિસંવાદો દ્વારા પણ કર્મચારીઓને સતર્કતા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ સપ્તાહની પૂર્વભૂમિકા રૂપે 17 ઑગસ્ટ 2026થી 16 નવેમ્બર 2026 સુધી ત્રણ મહિનાનું નિવારક સતર્કતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં ક્ષમતા નિર્માણનાં મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સાથે જ, મંડળના કર્મચારીઓને ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમો દ્વારા તાલીમ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.