અમદાવાદ / જૂનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડીયોના માધ્યમથી વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, આજે ૨૫ મી તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે, દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનોના આંદોલનના સમર્થનમાં ધરણા પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ આ ભાજપ સરકાર અને સત્તાધીશો એટલા ડરી ગયા છે કે યુવાનો ભેગા થાય તે પહેલાં જ દરેક જિલ્લા અને તાલુકામાંથી ગાંધીનગર જવા નીકળેલા લોકોને નજરકેદ અને ડિટેન કરી લેવામાં આવ્યા છે. મારી પોતાની વાત કરું તો, મારા ગામ ઘુંસીયા ખાતે મારા ઘરની આસપાસ પણ પોલીસ ગોઠવીને મને નજરકેદ કરી દેવાયો છે. સરકારને ડર એટલા માટે છે કારણ કે ગુજરાતના યુવાનોમાં અસંખ્ય મુદ્દાઓને લઈને ભારે આક્રોશ છે, અને જો આ આક્રોશ બહાર આવશે તો તેમની સત્તા મુશ્કેલીમાં મુકાઈ જશે. આ ડરના કારણે જ સરકાર લોકશાહીનું ગળું ઘોંટી રહી છે.
’આપ’ નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે હું સરકારને કહેવા માગું છું કે ગુજરાતના યુવાનો કોઈ આતંકવાદી કે ગુનેગાર નથી કે તેમની આસપાસ પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવે! રાજ્યમાં બૂટલેગરો, ભૂમાફિયાઓ અને ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, તેમના ઘર બહાર પોલીસ કેમ નથી ગોઠવાતી? માત્ર સામાન્ય યુવાનો અને વિદ્યાર્થીઓ જ્યારે સાચો અવાજ ઉઠાવે છે ત્યારે જ લોકશાહીને દબાવવાનો પ્રયાસ થાય છે. પરંતુ સરકાર ગમે તેટલા પ્રયાસો કરશે તો પણ યુવાનોનો અવાજ દબાવાનો નથી. આવનારા દિવસોમાં યુવાનોનો આ આક્રોશ સત્તાના પાયા હચમચાવી નાખશે, એવો મને ગુજરાતના યુવાનો પર પૂરો વિશ્વાસ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત