અમદાવાદ / ગાંધીનગર : NEET પેપર લીકના વિરોધમાં આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આંદોલન કરવા એકઠા થયા હતા, ત્યારે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા અને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયા સહિતના ’આપ’ નેતાઓ પણ ત્યાં જોડાયા હતા. પરંતુ તેઓ પહોંચે તે પહેલાં જ પોલીસે તેમની અન્યાયી રીતે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અટકાયત બાદ પણ તેમણે ભૂખ હડતાળ ચાલુ રાખી હતી. આ તકે પાયલ સાકરિયાએ જણાવ્યું કે, આખા દેશ અને દિલ્હીમાં યુવાનો મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે, પરંતુ ગુજરાતના એક-એક શહેર અને ગામમાંથી જે વિદ્યાર્થીઓ અહીં આવવાના હતા તેમને અને તેમના મા-બાપને ધમકાવવામાં આવ્યા, ટોર્ચર કરવામાં આવ્યા અને અર્ધી રાત્રે ડિટેન કરાયા. ભાજપે બધી જગ્યાએ તાનાશાહી ચલાવી લાઠીચાર્જ અને ટિયરગેસના ગોળા છોડાવ્યા છે. આપણા ગુજરાતે શાંતિપૂર્ણ આંદોલન કરીને મોટા અંગ્રેજોને પણ ઝુકાવ્યા છે, તો આ તો દેશના ગદ્દારોના રાજીનામા માંગવાની વાત છે. આજે આખા ગુજરાતમાંથી બધા શાંતિપૂર્ણ આંદોલન માટે આવતા હતા, પરંતુ આ તાનાશાહી આપણને શાંતિથી આંદોલન કરવા દેતી નથી.
’આપ’ યુવા નેતા પાયલ સાકરીયાએ વધુમાં ઉમેર્યું કે, સત્યાગ્રહ છાવણીનો મતલબ એ છે કે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ ત્યાં આવીને અવાજ ઉઠાવી શકે અને ન્યાયની માંગણી કરી શકે, પણ ભાજપે આ સત્યાગ્રહ છાવણીને આખી 'પોલીસ છાવણી' માં ફેરવી દીધી છે. ગુજરાતમાં યુવાન, વડીલ, શિક્ષક કે પોલીસ કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવી શકતા નથી. તેથી હું અને ધાર્મિકભાઈ આજથી ભૂખ હડતાળ પર બેસીએ છીએ અને પોલીસ જ્યાં લઈ જશે ત્યાં જ ભૂખ હડતાળ કરીશું." આ સાથે જ ’આપ’ નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું કે, અમને ગર્વ છે કે ભારતને બચાવવાની આ ચળવળમાં અમે સાથે છીએ. અમે શાંતિપ્રિય રીતે આંદોલન કરવા જવાના હતા, ત્યાં પોલીસને આગળ ધરીને ખોટી રીતે અમારી અટકાયત કરવામાં આવી છે. જે જગ્યા પર અમે ઉપવાસ આંદોલન કરવાના હતા, તે બંધ નથી થયું અને એ જ ઉપવાસ આંદોલન અમે પોલીસ સ્ટેશનમાં પણ ચાલુ રાખ્યું છે. હું અને પાયલબેન કન્ટિન્યુ ઉપવાસ પર જ બેઠા છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત