દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે સતત થઈ રહેલા ખિલવાડ અને નીટ સહિતની પરીક્ષાઓમાં વારંવાર થતા પેપર લીક, શિક્ષણના વધતા વેપારીકરણ અને ભ્રષ્ટાચાર સામે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તથા અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા અમદાવાદના નેહરુ બ્રિજ, પતંગ હોટેલ થી સરદાર બાગ સુધી રેલી સ્વરૂપે 'છાત્ર ગુંજ' ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે આજે દેશનો વિદ્યાર્થી, યુવાન અને તેમના વાલીઓ ભારે આક્રોશમાં છે. સરકાર શિક્ષણ વ્યવસ્થાને સુધારવાને બદલે તેનું વેપારીકરણ કરી રહી છે અને વારંવારના પેપર લીક દ્વારા લાખો યુવાનોના સપનાઓ સાથે વિશ્વાસઘાત કરી રહી છે. જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી દેશના વિદ્યાર્થીઓના અવાજને બુલંદ કરવા માટે તેમની સાથે ઉભા રહે છે અને જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ થાય છે, ત્યારે કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાને બદલે તેમના પર પોલીસ દમન ઉતારે છે. વિદ્યાર્થીઓ પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવે છે, ટીયર ગેસ છોડવામાં આવે છે અને બહેન-દીકરીઓ સાથે પણ અત્યંત બર્બર વર્તન કરવામાં આવે છે. આ લોકશાહી નહીં પરંતુ તાનાશાહીનું જીવંત ઉદાહરણ છે.તેમણે વધુમાં આરોપ મૂક્યો હતો કે બિહારમાં એ.કે.-47થી ગોળીબાર અને દિલ્હીમાં પેલેટ ગન જેવા બનાવો સરકારના દમનકારી ચહેરાને ઉજાગર કરે છે. છતાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
શ્રી ચાવડાએ ગૃહમંત્રી શ્રી અમિત શાહ પર નિશાન સાધતાં તેમને "જનરલ ડાયર" ગણાવ્યા અને વિદ્યાર્થીઓ પર થયેલા દમન માટે તેમની નૈતિક જવાબદારી નક્કી કરીને તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. તથા ગુજરાત કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી કે જ્યાં સુધી વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારના જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય અને યુવાનોને ન્યાય નહીં મળે, ત્યાં સુધી કોંગ્રેસનો એક-એક કાર્યકર વિદ્યાર્થીઓની સાથે રસ્તા પર સંઘર્ષ ચાલુ રાખશે. દેશની Gen-Z પેઢી હવે ભ્રષ્ટાચાર, પેપર લીક, બેરોજગારી અને શિક્ષણના વેપારીકરણ સામે મૌન રહેવાની નથી. યુવાનો પરિવર્તનનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશના દરેક વિદ્યાર્થી અને યુવાનના અવાજને વધુ મજબૂત બનાવવાનું કામ ચાલુ રાખશે.
ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી કે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું દમનથી નહીં પરંતુ ન્યાય અને સંવાદથી સમાધાન કરવું પડશે. દેશના યુવાનોના અવાજને લાઠી અને ગોળીથી દબાવી શકાશે નહીં અને આ લડત વિદ્યાર્થી હિત તથા દેશના ભવિષ્ય માટે અંત સુધી ચાલુ રહેશે.
ઉપરોક્ત ધરણા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, શ્રી રાજેશ ગોહિલ, AICC ના મંત્રી શ્રી ઋત્વિક મકવાણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી પ્રવિણસિંહ વણોલ, NSUI પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ વાઘેલા, ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી ગીતાબેન પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી હિંમતસિંહ સોલંકી, શ્રી ગ્યાસુદ્દીન શેખ, શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, શ્રી આનંદ ચૌધરી, શ્રી ભરતજી ઠાકોર શ્રી ચંદનજી ઠાકોર ખેડા જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્ર સિંહ રાણા, પૂર્વ શહેર પ્રમુખ નીરવ બક્ષી, પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ, શ્રી હેમાંગ રાવલ, ડૉ. અમિત નાયક, ડૉ. હિરેન બેન્કર, શ્રી કરસનદાસ બાપુ ભાદરકા અને કોર્પોરેટરશ્રીઓ સહિત મોટી સંખ્યામાં એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ, અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.