અમદાવાદ / ગુજરાત : NEET પેપર લીક AAP ગુજરાત પ્રભારી ગોપાલ રાયએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે આજકાલ દેશભરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ફરી એકવાર દેશના વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે મોટો દગો થયો છે. NEET UGનું પેપર લીક થયું છે. પરંતુ આ માત્ર પેપર લીક થવાનો મુદ્દો નથી, આ તો ભારતના 22 લાખ યુવાનોના ભવિષ્યનું લીક થવું છે. એક વખત વિચારવાની જરૂર છે કે ખેડૂતનો દીકરો, મજૂરનો દીકરો, વેપારીનો દીકરો, ગરીબ પરિવારની દીકરી અને મહેનત કરતા પરિવારોના બાળકો પોતાનું ભવિષ્ય સુધારવા માટે બધું દાવ પર લગાવીને એક રૂમમાં દિવસ-રાત મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે, ત્યારે તેમના દિલ પર શું વીતી હશે જ્યારે તેમને ખબર પડી કે તેમની વર્ષોની મહેનત અને સપનાઓ પર પેપર લીકે પાણી ફેરવી દીધું. તેમના માતા-પિતાની સ્થિતિ શું થઈ હશે? અને આ પહેલીવાર નથી. ભારતમાં હવે પેપર લીક સામાન્ય ઘટના બની ગઈ છે. આજે દરેક વિદ્યાર્થી અને દરેક વાલીના મનમાં ડર છે કે તેઓ જે પરીક્ષાની તૈયારી કરે છે તેનું પેપર લીક થશે કે નહીં. આ ડર કોઈ કારણ વગર નથી ઊભો થયો. 2014થી અત્યાર સુધીમાં દેશભરમાં અલગ અલગ પરીક્ષાઓના કુલ 93 પેપર લીક થઈ ચૂક્યા છે. આ તમામ પરીક્ષાઓમાં અંદાજે 6 કરોડ યુવાનોએ પોતાનું ભવિષ્ય બનાવવા માટે મહેનત કરી હતી, પરંતુ તેમના સપનાઓ પર પેપર લીકે પાણી ફેરવી દીધું.
ગોપાલ રાયએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2014માં CPMTનું પેપર લીક થયું, 2015માં AIPMTનું પેપર લીક થયું, 2016માં ROAROનું પેપર લીક થયું, 2017માં મહારાષ્ટ્ર HSCનું પેપર લીક થયું, 2018માં ગુજરાત કોન્સ્ટેબલ પરીક્ષા અને CBSEના મેથ્સ તથા ઇકોનોમિક્સના પેપર લીક થયા, 2019માં RRD CBTનું પેપર લીક થયું, 2020માં UP બોર્ડનું પેપર લીક થયું, 2021માં UPTETનું પેપર લીક થયું, 2022માં રાજસ્થાન ફોરેસ્ટ ગાર્ડનું પેપર લીક થયું, 2023માં SSC અને REETના પેપર લીક થયા, 2024માં UP પોલીસ કોન્સ્ટેબલ, UPPSC અને UGC-NETના પેપર લીક થયા અને હવે 2026માં NEET UGનું પેપર લીક થયું છે. પ્રશ્ન એ છે કે શું દેશની સરકાર નિષ્પક્ષ રીતે પરીક્ષાઓ લેવામાં સક્ષમ નથી? કે પછી પેપર લીક કરનારાઓ સરકાર કરતાં વધુ શક્તિશાળી બની ગયા છે? દેશને વિશ્વગુરુ બનાવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ લોકોના મનમાં એક નાનો સવાલ છે કે સરકાર યોગ્ય રીતે પરીક્ષાઓ કેમ નથી લઈ શકતી? કે પછી સરકારના સંરક્ષણ હેઠળ જ પેપર લીક થઈ રહ્યા છે? આજે દરેક પરિવાર માટે પોતાના બાળકોના રોજગાર અને ભવિષ્યનો પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ખેડૂત દિવસ-રાત મહેનત કરીને, લોહી-પસીનો એક કરીને અનાજ ઉગાડે છે.મજૂર પરિવારની પરિસ્થિતિ વિચારો કે કેટલા સંઘર્ષ વચ્ચે તેઓ પોતાના બાળકોને ભણાવતા હશે.
તેમણે કહ્યું કે લાખો યુવાનોના સપનાઓ અને આશાઓ પર પેપર લીકનુ બુલડોઝર ફરી રહ્યુ છે અને એવું લાગી રહ્યું છે કે ભારતના યુવાનોનું ભવિષ્ય હવે સુરક્ષિત જ નથી. જ્યારથી ભાજપ સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારથી મોટી મોટી વાતો થાય છે, પરંતુ દર વર્ષે પેપર લીકની ઘટનાઓ વધી રહી છે અને સરકાર તેનો કોઈ ઉકેલ લાવી શકતી નથી. યુવાનો દિવસ-રાત મહેનત કરે, તૈયારી કરે અને પછી તેમના સપનાઓને આ રીતે તોડી નાખવામાં આવે, તો સરકાર મૌન કેમ છે? સરકાર જવાબ કેમ નથી આપતી? લોકોના મનમાં હવે એ શંકા ઊભી થઈ રહી છે કે પેપર લીકમાં પકડાતા લોકો પાછળ રાજકીય સંરક્ષણ છે. સોશિયલ મીડિયા પર આવી રહેલી તસવીરોમાં પણ તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે એક જ રસ્તો બચ્યો છે — સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવે અથવા પછી દેશના યુવાનો પોતે ઉકેલ લાવવા માટે આગળ આવશે. હવે પાણી માથા પરથી પસાર થઈ ગયું છે. સરકાર કંઈક કરે, નહીં તો યુવાનોને કંઈક કરવું પડશે અને યુવાનો હવે ચૂપ નહીં બેસે. દેશનું ભવિષ્ય દેશનો યુવાન છે અને દેશના ભવિષ્યને સારું બનાવવા માટે યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવું જરૂરી છે. પરીક્ષાઓ નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે જરૂરી છે અને જો સરકાર આ સુનિશ્ચિત નહીં કરે તો દેશના યુવાનો પોતે તે સુનિશ્ચિત કરશે.
આમ આદમી પાર્ટી ગુજરાત