અમદાવાદ / કચ્છ / ગુજરાત | કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ચાલુ ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ ન પડવાને કારણે ગંભીર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના લીધે પશુધન માટે લીલા અને સૂકા ઘાસચારા તેમજ પીવાના પાણીની ગંભીર અછત ઊભી થઈ છે. તાલુકાના આશરે ૨૫ જેટલા ગામોમાંથી માલધારી પરિવારો પોતાના ૭૦૦થી વધુ પશુઓ સાથે અન્ય વિસ્તારો તરફ હિજરત કરવા મજબૂર બન્યા છે, જેનાથી પશુઓના સ્વાસ્થ્ય અને જીવન પર ગંભીર જોખમ ઊભું થયું છે. પશુધન જ માલધારીઓની આજીવિકાનો મુખ્ય આધાર હોવાથી, આ પરિસ્થિતિમાંથી ઉગારવા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને તાત્કાલિક ધોરણે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવા, સરકારી ઘાસ ડેપો શરૂ કરી નિયમિત વિતરણ કરવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા, હિજરત કરી રહેલા ગામોમાં સર્વે કરી પશુઓની સંખ્યા મુજબ જરૂરિયાત નક્કી કરવા તેમજ માલધારીઓને સરકારી સહાય અને માર્ગદર્શન પૂરૂં પાડવા યુદ્ધના ધોરણે કામગીરી કરવાની આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.કાયનાત અંસારી આથા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપપ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથાએ મામલતદારને આવેદનપત્ર આપી સરકાર પાસે ત્વરિત દુષ્કાળ અને રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. તેમણે પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે સરકારે ઘેર-ઘેર જઈને સર્વે કરવામાં વિલંબ કરવાને બદલે ત્વરિત નિર્ણય લેવો જોઈએ. તેમણે એક સરકારી ઘાસ ડેપોની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ત્યાં ઘાસનું એક તણખલું પણ નહોતું અને ઇનચાર્જે પણ ઘાસ ન હોવાનું સ્વીકાર્યું હતું. પ્રશાસન દ્વારા ૫ ડેપો ચાલુ હોવાના અને વધુ ૧૫ ડેપો શરૂ કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ડેપો ખાલીખમ છે. પ્રશાસનના કાગળ પરના દાવા અને જમીની વાસ્તવિકતા વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે તેવો પ્રશ્ન ઉઠાવી તેમણે માલધારીઓ અને અબોલ પશુઓને બચાવવા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
આમ આદમી પાર્ટી ગુજરાત