અમદાવાદ | વિધાનસભા સત્રના પ્રથમ દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો સુકાયેલી મગફળી સહિતનો પાક લઈને વિધાનસભા પહોંચ્યા હતા. 'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ'ની આગેવાની કરી રહેલા ઈસુદાન ગઢવીની સાથે AAP ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી અને AAP પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટે ખેડૂતોનો અવાજ બનીને દુષ્કાળ જાહેર કરવાની માંગ મજબૂતીથી ઉઠાવી હતી. આ તકે મિડીયા સાથે વાત કરતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે અને દેવાદાર બની ગયા છે. અમે અનિશ્ચિતકાળના સત્યાગ્રહ પર છીએ, ત્યારે આજે વિધાનસભા સત્ર દરમિયાન ખેડૂતોની કફાડી હાલત સરકારને બતાવવા અમારા ધારાસભ્યો સાથે હું પણ અહીં પહોંચ્યો છું.
’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમે ખેડૂતોની હાલત બતાવવા માટે અહીં આવ્યા છીએ કારણ કે સરકાર અત્યારે મુંગી અને બહેરી થઈ ગઈ હોવાથી તેને જગાડવા માટે જ અમે સુકાયેલી મગફળી અને ઘાસચારો લઈને પહોંચ્યા છીએ. અમારી માંગ છે કે તુરંત જ સરકાર દુષ્કાળ જાહેર કરે અને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરે. જેલમાંથી જામીન પર મુક્ત થયેલા ચૈતર વસાવા સહિત હેમંત ખવા, ગોપાલ ઈટાલિયા અને સુધીર વાઘાણી આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજવશે. ખેડૂતો આંદોલન કરે કે આત્મહત્યા કરવા મજબૂર થાય તે પહેલાં સરકારે તાત્કાલિક રાહતની જાહેરાત કરવી જોઈએ. ઊભો પાક સુકાઈ ગયો છે અને ઘાસચારાની અછતને કારણે પશુપાલકો હિજરત કરવા મજબૂર બન્યા છે, ખેડૂતોને 15 દિવસે એક ઘાસચારાની ઘાંસડી મળે છે તો એનાથી કઈ રીતે પૂરું થશે? ત્યારે ગુજરાતના ખેડૂત, પશુપાલક અને ખેત મજૂરોને બચાવવા ધારાસભ્યો સાથે મળીને અમે મજબૂતાઈથી અવાજ ઉઠાવી રહ્યા છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત