અમદાવાદ | આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં નહીવત પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને આ ચારેય જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરો હાલ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે આપણે પાકનું વાવેતર કર્યું હોય અને એને ઓનલાઈન કરવા જઈએ ત્યારે આ ખેતરમાં કયો પાક વાવ્યો છે એ સરકારને સેટેલાઈટના માધ્યમથી દેખાતું હોય છે. તો ચાલુ વર્ષે લગભગ પાક સુકાઈ ગયો છે પરંતુ આ સરકારના એક પણ મંત્રી કે સરકારના ધ્યાને આ સુકાયેલો પાક આવતો નથી.
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, હવે આજથી વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે તો જ્યાં નહિવત માત્રામાં વરસાદ પડ્યો છે એ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને દુષ્કાળ મેન્યુઅલ પ્રમાણે ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોને જે પણ લાભો મળવા જોઈએ, એ લાભો તેમને આપવામાં આવે એની માંગ સાથે વિધાનસભામાં ખેડૂતોનો અવાજ બુલંદ કરીશું. સરકારને આ વીડિયોના માધ્યમથી કહેવા માગું છું કે સૌરાષ્ટ્રના ખેડૂતો હાલ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો સરકાર વહેલામાં વહેલી તકે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને તેમના તમામ લાભો આપવામાં આવે, જેથી ખેડૂતોને હાલના મુશ્કેલ સમયમાં થોડી મદદ પહોંચે.
આમ આદમી પાર્ટી ગુજરાત